24 ફેબ્રુઆરીએ મોટેરામાં યોજનારા કાર્યક્રમને કારણે ઘણી સ્કૂલોના ટ્રાન્સપોર્ટરોએ અમુક વિસ્તારોના રૂટ બંદ રહેવાના હોવાથી વિદ્યાર્થીઓને સ્કૂલે પહોંચાડવામાં અગવડ પડે તેમ હોવાથી સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી હતી કે એક દિવસ સ્કૂલનું કાર્ય બંધ રખાય. જેને ધ્યાને લઇને સ્થાનિક પરીક્ષાના ટાઇમટેબલમાં ફેરફાર કરાયો છે. 24 તારીખ એક દિવસ માટે પેપર મુલતવી રખાયા છે.
ટ્રમ્પ અને મોદીની મુલાકાત દરમિયાન તેમના રૂટમાં આવતા વિસ્તારોના રૂટો ડાયવર્ટ કરાયા છે તો ઘણા રસ્તાઓ બંધ કર્યા છે. જેથી બાળકોને સ્કૂલે પહોંચવામાં સમસ્યા થઇ શકે છે. ઉદ્દગમ સ્કૂલના સંચાલક મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, અમારી સ્કૂલમાં ઘણા વિદ્યાર્થીઓ સાબરમતી વિસ્તાર તરફથી આવે છે. તેથી સ્કૂલ બસ સંચાલકો તરફથી અમને જણાવાયું કે આ વિસ્તારના વિદ્યાર્થીઓને 24 તારીખે સ્કૂલે લાવવામાં મુશ્કેલી થઇ શકે છે. માટે પરીક્ષા મોકૂફ રાખી છે.
એરપોર્ટ પરના કારીગરોને 28મી સુધી ફરજિયાત રજા
અમદાવાદ આવી રહેલા અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં એજન્સીઓ કોઈ કમી રાખવા માંગતી નથી. ટ્રમ્પ અમદાવાદ આવે તે પહેલા જ એરપોર્ટ પર કોન્ટ્રાક્ટથી કામ કરતા રોજિંદા કારીગરોને 20 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી એરપોર્ટ પર નહીં આવવા તેમજ તેમની કામગીરી બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. એજરીતે એરપોર્ટ પર કામ કરતા કોઈ પણ કર્મચારી સામે જો કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાઈ હોય તો તેમને પણ આ સમય દરમિયાન ફરજ પરથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. એજરીતે એરપોર્ટ પર કોન્ટ્રાક્ટથી કામ કરતા અન્ય કર્મચારીઓની પણ ચકાસણી કરવાની સાથે તેમની માહિતી એકત્ર કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન એરપોર્ટ પાસેના તમામ રોડ પર વાહનચાલકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજુબાજુના વિસ્તારોમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરી રહી છે.

અમદાવાદની કેટલીક સ્કૂલોમાં 24મીની પરીક્ષા 25મી પર મોકૂફ, એરપોર્ટ પરના કારીગરોને 28મી સુધી ફરજિયાત રજા was originally published on News4gujarati