• રોગોથી બચવા છીંક ખાતા શી કાળજી લેવી, માસ્કનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાવ્યું
  • વડોદરાના મેડિકલ ક્ષેત્રની વિવિધ સ્પેશિયાલિટીના તજજ્ઞ તબીબોની કોરોના વિષે વિસ્તૃત ચર્ચા

ચીન સહિત દુનિયાના વિવિધ દેશોમાં હાહાકાર મચાવતા કોરોના વાઇરસની બીમારીથી સૌ કોઇમાં ફફડાટ છે. આ વાઇરસ શું છે ? તેના લક્ષણો કયા કયા છે અને તેના ચેપ સામે સલામત કેવી રીતે રહી શકાય ? તેની વિસ્તૃત ચર્ચા કરવા માટે ‘દિવ્ય ભાસ્કર’ કાર્યાલય ખાતે એક ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટોક શોમાં વડોદરાની જાણીતી હોસ્પિટલના વિવિધ ક્ષેત્રના તજજ્ઞોએ ભાગ લીધો હતો. આ તબીબોના જણાવ્યા મુજબ કોરોના વાઇરસ છીંક, શરદી વગેરેથી ફેલાય છે. છીંક ખાવી હોય તો હાથ મોં પાસે લઇ જવા નહીં પણ કોણી વાળીને, આંગળીઓ વાળીને નાક તરફ રાખીને વાળેલી કોણીના અંદરના ભાગ તરફના ભાગે છીંક ખાવી જોઇઅે. આ ઉપરાંત રૂમાલમાં ખાઇ શકાય પણ તેનો બીજો ઉપયોગન કરવો. માસ્કને પાછળથી ખોલીને સીધો જ કચરાપેટીમાં નાંખવો જોઇએ.

ગમે ત્યાં છીંક ન ખાવ, ખુલ્લામાં થૂકવાનું ટાળો
શરદી-ખાંસી અને ઉધરસ થાય ત્યારે ગમે ત્યાં છીંક ન ખાવી જોઇએ એટલું જ નહીં હાથ કે કપડું રાખવું જોઇએ. આ વાઇરસ એક મીટર પણ ખુલ્લામાં ઉડી શકતો નથી. માત્ર વ્યક્તિના સંપર્કમાં આવવાથી જ કોરોનાવાઇરસનો ચેપ લાગે છે. 60થી 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં આ વાઇરસ મરી જાય છે. વધુ લોકો એકત્ર થાય ત્યાં જવાનું ટાળ‌ો. – ડો. અમિત દવે , પલ્મોલોજિસ્ટ, ટ્રાઇકલર હોસ્પિટલ.

ચીનમાં મોટાભાગના લોકો ક્વોરેન્ટાઇન છે
ચીનના વુહાન સહિતના શહેરમાં જ્યાં કોરોના વાઇરસનો કહેર સૌથી વધુ છે ત્યાં ત્યાંની સરકારે તેમને સારવારની સાથે લોકોને પોતાના ઘરે જ રહેવાની સલાહ આપી છે. જેથી આ વાઇરસનો ચેપ ફેલાય નહીં. વ્યક્તિને સઘન સારવારની જરૂર છે કે નહીં તેનો નિર્ણય તબીબ જ કરતા હોય છે. હાલમાં ચિંતાજનક સ્થિતિ નથી. છતાં સાવધાની જરૂરી છે. – ડો. દિવ્યેશ પટેલ, ક્રિટિકલ કેર મેડિસિન, ટ્રાઇકલર હોસ્પિટલ.

લોકોના મનમાં જુદા જુદા સવાલો હોય છે
કોરોના વાઇરસ વિશે લોકો જુદા જુદા સવાલો કરતા હોય છે. આ વાઇરસ વિશે એટલું ચોક્કસ કહી શકાય કે જો તમે કોઇ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવ અને 14 દિવસ સુધી એક પણ લક્ષણ ન દેખાય તો ત્યારબાદ ચેપની શક્યતા નહીવત્ છે. ચેપ ન હોય તો તે વ્યક્તિ કોરોના વાઇરસથી થી તો સલામત છે તેમ કહી શકાય. – ડો. મેહૂલ મારવાડી, ફિઝિશિયન, પારુલ સેવાશ્રમ હોસ્પિટલ.

ICUમાં દરેક જણે માસ્ક પહેરવાની જરૂર નથી
કોરોના વાઇરસના ચેપમાં હજી કોઇ નક્કર ગાઇડલાઇન આવી નથી. દરેક જણે આઇસીયુમાં માસ્ક પહેરવાની જરૂર નથી. કારણ કે, એમ કરવાથી બીનજરૂરી ગભરાહટ વધે છે. કારણ કે કોરોના વાઇરસનો ચેપ ત્યારે જ લાગે છે જ્યારે તમે કોરોના વાઇરસગ્રસ્ત કોઇ વ્યક્તિના સંપર્કમાં આવ્યાં હોવ, તેની સાથે રહ્યાં હોવ. – ડો. રિતેશ શાહ, ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ, સ્ટર્લિંગ હોસ્પિટલ.

ઝાડાનો રંગ લીલાશ પડતો થાય છે
આ વાઇરસના ચેપથી વ્યક્તિ પિડાય તો તેને ખાંસીની સાથે અતિસાર થઇ ગયાનું પણ નોંધાયું છે. આવા દર્દીઓને મળનો રંગ સામાન્યત: પીળા રંગમાંથી બદલાઇને લીલાશ પડતો થઇ જાય છે. લિવર ફેઇલ્યોરમાં પણ આ લક્ષણ જોવા મળે છે. જઠર અને આતરડાઓના પાચક રસોને કારણે આમ થાય છે. – ડો. પંકજ જૈન, ગેસ્ટ્રો એન્ટેરોલોજિસ્ટ, ઇન્ટરનેશન ગેસ્ટ્રો ઇન્સ્ટિટ્યૂટ એન્ડ સ્ટર્લિંગ હોસ્પિટલ.

આ વાઇરસ સામે લડવાની શક્તિ ઓછી
આપણા શરીરમાં રોગો સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ હોય છે. કોરોના વાઇરસ સામે આ રોગપ્રતિકારક શક્તિ આપણા શરીરમાં નથી. તેને લીધે તે ઝડપથી ફેલાય છે અને વધુ શક્તિ સાથે ફેલાય છે. કોરોના વાઇરસની આ ખાસિયત તેને ખાસ બનાવે છે. જે સીધો જ આપણા શ્વસનતંત્ર પર જ અસર કરે છે. – ડો. હિતેન કારેલિયા, ચેપ સ્પેશિયાલિસ્ટ, પ્રાઇમ ઇન્ફેકશન કેર.

કોરોના વાઇરસના ચેપથી બચતા રહેવા માટે આપણી સાવધાની સૌથી સલામત સજ્જતા was originally published on News4gujarati