• ચીનમાં ફસાયેલા વડોદરાના બે સ્ટુડન્ટ ઘરે પહોંચી જતા પરિવારજનોમાં ખુશીનો માહોલ
  • હોસ્ટેલમાં પીવાનું પાણી ન મળવાને કારણે નળનું પાણી ઉકાળીને પીવુ પડતુ હતુંઃ વૃંદ પટેલ

કોરોના વાઈરસને પગલે ચીનથી ભારત પરત આવ્યા બાદ 18 દિવસથી હરિયાણાના માનેસર કેમ્પ અને દિલ્હીના છાવલા ખાતે આઇટીબીપી સેન્ટર ખાતે રાખવામાં આવેલા વડોદરા 2 સહિત ગુજરાતના 40 વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યાં છે. જેથી તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઇ છે. જોકે વડોદરાના શ્રેયા અને વૃંદે જણાવ્યું હતું કે, ચીનના વુહાનમાં અમને સતત કોરોના વાયરલના ચેપનો ડર સતત લાગ્યા કરતો હતો. ઉલ્લેખનિય છે કે, તમામ વિદ્યાર્થીઓના કોરોના વાઈરસના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે.
તબક્કાવાર વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા
ચીનના વુહાન શહેરમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે. જ્યાં વુહાનની હુબેઇ યુનિવર્સિટી સહિત વિવિધ યુનિવર્સિટીઓમાં ગુજરાતના 40 વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં વડોદરાના પણ બે સ્ટુડન્ટ ફસાયેલા હતા. જેમાં વડોદરાના નવાયાર્ડ ડી કેબિન સ્થિત રેલવે કોલોનીની વિદ્યાર્થિની શ્રેયા જૈમન અને સમા તળાવ વિસ્તારનો વિદ્યાર્થી વૃંદ પટેલ પણ સામેલ હતા. જોકે ભારત સરકારે ચીનના વુહાન એરપોર્ટથી તમામ વિદ્યાર્થીઓને ગત 31 જાન્યુઆરીએ એરલિફ્ટ કર્યાં હતા. અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન માટે હરિયાણાના માનેસર અને દિલ્હીના છાવલા ખાતે આઇટીબીપી સેન્ટર ખાતે રાખવામાં આવ્યા હતા. જ્યાં તમામ વિદ્યાર્થીઓના કોરોના વાયરસના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. ત્યારબાદ તબક્કાવાર વિદ્યાર્થીઓને ઘરે મોકલવામાં આવ્યા હતા.

હું ફરીથી ચીન ભણવા માટે પાછી જઇશઃ શ્રેયા જૈમન
ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતી શ્રૈયા જૈમને જણાવ્યું હતું કે, ચીનના વુહાનનો માહોલ ખુબ જ ભયાનક હતો. ત્યાં પીવાના પાણીની ખુબ મુશ્કેલી પડતી હતી. કોરોના વાઈરસના હાહાકારને લઇને વુહાનના રસ્તાઓ ભેંકાર ભાસે છે. કોઇ રસ્તા પર જોવા મળતુ નથી. દરેક વ્યક્તિ પોતાના ઘરમાં જ હોય છે. કોરોના વાઈરસની અસર દૂર થયા બાદ હું ફરીથી ચીન ભણવા માટે પાછી જઇશે. પરંતુ ત્યાં સુધી ઓનલાઇન ક્લાસના માધ્યમથી અભ્યાસ કરીશ.

કોરોના વાઈરસના ચેપ લાગવાનો સતત ડર લાગ્યા કરતો હતો
ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતા વડોદરાના વૃંદ પટેલ જણાવ્યું હતું કે, મારો કોરોના વાઈરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેનું સર્ટિફિકેટ પણ આપ્યું છે. જેથી રજા મળ્યા બાદ હું કાલે રાત્રે આઠ વાગ્યે ઘરે પરત ફર્યો છું. પરિવારને મળીને ખુબ જ ખુશ છું. પરંતુ જ્યારે અમે ચીનના વુહાન શહેરમાં હતા, ત્યારે અમને કોરોના વાઈરસના ચેપ લાગવાનો સતત ડર લાગ્યા કરતો હતો.
નળનું પાણી ઉકાળીને પીવુ પડતુ હતું
વધુમાં વૃંદે જણાવ્યું હતું કે, ત્યાં મુશ્કેલીઓ ઘણી હતી. નળનું પાણી ઉકાળીને પીવુ પડતુ હતું. પરંતુ ત્યાંની સરકારનો સપોર્ટ સારો હતો. અને ભારત સરકારે અમને પરત લાવ્યા તે બદલ તેમનો હું આભાર માનુ છું. હુબેઇ યુનિવર્સિટીના અમારા પ્રોફેસર્સ દ્વારા અમને જાણવા મળ્યું છે કે, 1 માર્ય સુધી અમારા ઓનલાઇન ક્લાસ શરૂ જશે. જેથી અમારો અભ્યાસ નહીં બગડે.

18 દિવસના ઓબ્ઝર્વેશન બાદ વડોદરાના 2 સહિત ગુજરાતના 40 વિદ્યાર્થીઓ ઘરે પરત ફર્યા, કહ્યું: ‘કોરોનાનો ચેપ લાગવાનો ડર સતત લાગ્યા કરતો હતો’ was originally published on News4gujarati