- બગલામુખી મંદિર અને બંગલા પર સેવા કરતો કલ્પેશ ભેદી રીતે ગુમ
- માતાએ પોલીસ ફરિયાદ કરતાં બે મહિલા અનુયાયીઓએ ધમકી આપી હતી
- પાખંડીનો વીડિયો વાઇરલ થયો, પ્રશાંત નૌકા વિહાર કરી મહિલા અનુયાયીઓ પાસે પગ ધોવડાવતો
શહેરના વારસિયા રિંગ રોડ સ્થિત બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે મંદિર અને પ્રશાંતના બંગલા પર રહીને સેવા ચાકરી કરતા 3 વર્ષથી ગુમ થયેલા યુવકની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં હત્યા થયાની આશંકા દર્શાવી હતી. માતાએ પોલીસમાં ફરિયાદ કરતાં પ્રશાંતની બે મહિલા અનુયાયીઓએ તેના ઘેર જઇ ધમકી પણ આપી હતી.
અનુયાયીઓ ઘરમાં જ રહીને સેવા કરે
વારસિયા રિંગ રોડ પર આવેલા પ્રાર્થના ફ્લેટમાં રહેતાં મીનાક્ષીબેન સુબોધચંદ્ર શાહ(ઉ.વ.63)એ પ્રશાંત ઉપાધ્યાય, કિરણ ગુરુમુખભાઇ અને કોમલ ઉર્ફે પિંકી ગુરુમુખભાઇ સામે વારસિયા પોલીસને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો પુત્ર કલ્પેશ શાહ(41) ડિસ કનેક્શનનું કામ કરતો હતો તે સમયે પ્રશાંતના સંપર્કમાં આવ્યો હતો અને તે મોટાભાગે મંદિરમાં જ રહેતો હતો. તેમણે નવો ફ્લેટ લેતાં પ્રશાંતની ચરણ પાદુકા ઘરમાં લાવતાં તેમના બીજા દીકરા સાથે ઝઘડો પણ થયો હતો. તેમનો પુત્ર કલ્પેશ મંદિરે જ રહેતો હતો પણ તે જ્યારે મંદિરે જાય ત્યારે કલ્પેશ જોવા મળતો ન હતો. અનુયાયીઓ દ્વારા તેમને જાણવા મળ્યું હતું કે કલ્પેશ પ્રશાંતના ગોત્રી સ્થિત ઘરમાં રહે છે અને ત્યાં જ સેવા ચાકરી કરે છે.
પુત્રની હત્યા થઇ હોવાની આશંકા
ત્યારબાદ 2017થી બગલામુખી આશ્રમમાંથી તેમનો પુત્ર કલ્પેશ ગાયબ થઈ ગયો હતો. તે પહેલાં તેણે દિલ્હી કોન્ટ્રાક્ટ મળ્યો છે, નવ મહિના રહેવું પડશે. તો ત્યાં જાઉં છું તેમ કહ્યું હતું. માતાએ પુત્રની પૂછપરછ કરતાં પ્રશાંતે અલગ અલગ જવાબ આપ્યા હતા. પ્રશાંતે તેમને તમારા દીકરાની મને શું ખબર હોય તેમ કહી ધમકાવ્યાં હતાં. ત્યારબાદ તેમના ઘેર બગલામુખી મંદિરમાં સેવા કરતા ગુરુમુખભાઇનાં પત્ની કિરણબેન અને પુત્રી કોમલ ઉર્ફે પિંકી આવ્યાં હતાં અને કહ્યું હતું કે, અમને ગુરુજીએ મોકલ્યાં છે. તમે ગુરુજીની વિરુદ્ધમાં શું કામ બોલો છો? તમે કોઇના ચડાવવામાં ન આવો અને પાછું ખેંચી લો. ગુરુજી આજકાલમાં જ પાછા આવવાના છે અને તેમને કશું થવાનું નથી અને તેમના આવ્યા પછી જોવા જેવી થશે. તમને જીવવા નહીં દઇએ તેવી પણ ધમકી આપી હતી. જોકે તેમણે ફરીથી પોલીસ કમિશનરને અરજી કરીને તેમના પુત્રની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરી પ્રશાંત અને તેમના સાત અનુયાયી સામે પગલાં લેવાની માંગ કરી હતી. પ્રશાંતનો એક વધુ વીડિયો બહાર આવ્યો હતો, જેમાં તે તેની મહિલા અનુયાયીઓ સાથે નૌકા વિહાર કરતો જોવા મળે છે અને મહિલા અનુયાયીઓ તેના પગ ધુવે છે. આ સિવાય મંદિરનો પણ એક વીડિયો બહાર આવ્યો છે જેમાં તે સોફા પર બેઠેલો છે અને મહિલા અનુયાયીઓ મંત્રોચ્ચાર સાથે તેના પગ ધુવે છે. છપ્પન ભોગ પણ તે આરોગતો હતો. તે લોકોને લલચાવતો હતો કે, જેટલું આપશો તેનાથી દસ ગણું પરત મળશે. પ્રશાંતના જન્મ દિવસની ઉજવણીનો પણ વીડિયો બહાર આવ્યો છે, જેમાં સોફા પર પ્રશાંત બેઠેલો જોવા મળે છે અને મહિલા અનુયાયીઓ બર્થ ડે સોંગ વગાડીને જન્મદિનની ઉજવણી કરતી જોવા મળે છે. એક વીડિયોમાં તે પોતાના હાથમાં બ્લેડ મારતો પણ જોવા મળે છે.
પોલીસ ગિરફ્તથી બચવા ભાગતો-ફરતો પ્રશાંત વિદેશ ભાગી જવાના ચક્કરમાં
વારસિયા રિંગ રોડના બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાય સામે નોંધાયેલા 21.80 લાખની છેતરપિંડીના ગુના બાદ તેના આગોતરા જામીન નામંજૂર થતાં પ્રશાંતે હવે પોલીસ ગિરફતથી બચવા હવાતિયું મારવા શરુ કર્યાં છે. પુણેમાં જોવા મળેલો પ્રશાંત હવે મુંબઇ પહોંચ્યો હોવાનું અને વિદેશમાં ભાગી જવાના ચક્કરમાં હોવાની માહિતી ચર્ચાઇ રહી છે. ફરિયાદ પક્ષના લોકોએ આ મામલે પોલીસને પણ જાણ કરતાં પોલીસે દેશભરનાં એરપોર્ટ પર જાણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હોવાનું પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સોમવારે અદાલતે અરજદારે ધર્મમાં રહેલી આસ્થાનો દુરુપયોગ કરી ભાવનાઓ સાથે રમત રમી છે અને ગંભીર પ્રકારનું કૃત્ય હોવાનું જણાવી પ્રશાંતની આગોતરા જામીન અરજી નામંજૂર કરી દીધી હતી.
પતિ સાથે વૈમનસ્ય કરાવી પત્નીની સહી કરાવી પોલીસમાં અરજી કરાવતો
પ્રશાંતની પૂર્વ અનુયાયી મહિલાએ પોલીસ કમિશનરને અરજી કરી જણાવ્યું કે, તે અને તેમના પતિ બગલામુખી મંદિરમાં જતાં હતાં. તેમના પતિને પ્રશાંતે માયાજાળમાં ફસાવી અંગત ગુલામ બનાવી દીધો હતો. ત્યારબાદ પ્રશાંતે પતિ-પત્ની વચ્ચે વૈમનસ્ય કરાવ્યું હતું. તે નોકરી કરતી હોવાથી તેણે મહિલાને ચઢાવી પતિ વિરુદ્ધમાં ટાઇપિસ્ટ પાસે જઇ અરજીઓ ટાઇપ કરાવી તેમાં સહી કરાવી હતી. તેણે હું કહું તે પોલીસ સ્ટેશનમાં તારા પતિ વિરુદ્ધ ખોટી ફરિયાદ આપવાની, તેમ જણાવ્યું હતું. પ્રશાંતે તેના જેવા ઘણા પરિવારના સંસાર ઉજાડ્યા હોવાનું જણાવી મહિલાએ અરજીમાં જણાવ્યું હતું કે તે ટેક્નોલોજીનો જાણકાર હોવાથી હોળી-ધુળેટીના પ્રસંગે તથા મહિલાઓ કપડાં બદલતી હોય તે સ્થળે મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લેતો હતો. નોકરી કરતી સ્ત્રીઓને માયાજાળમાં ફસાવી રેકોર્ડિંગ કરી બ્લેકમેઇલ કરી પૈસા પડાવતો હતો. પ્રશાંતે તેની પાસેથી 14 લાખ પડાવ્યા હતા અને પૈસા લેવા વોટ્સ એપ કોલ જ કરતો હતો.
મારો દીકરો મારી સાથે વાત કરતાં પણ ગભરાતો હતો
હું કોઈક વખત મારા દીકરાને જોવા માટે વારસિયા બગલામુખી મંદિરના દરબારમાં જતી પરંતુ પ્રશાંત અને તેના માણસો મને મારા દીકરાને મળવા દેતા ન હતાં. જ્યારે હું મારા દીકરાને દૂરથી જ જોઈને મારું મન મનાવી લેતી હતી. બીજી તરફ મારો દીકરો મારી સાથે વાત કરતાં પણ ગભરાતો હતો.
પ્રશાંત ગુરૂજી સામે ફરિયાદો થતાં મારા દીકરા અંગે ચિંતા વધી
બીજી તરફ બગલામુખી આશ્રમમાંથી વર્ષ 2017થી દીકરો ગાયબ થઈ ગયો હતો. આ પહેલાં મારો દીકરો મને ઘરે કહેવા આવ્યો હતો કે હું કન્સ્ટ્રક્શનના કામે બહાર જઉં છું. 9 મહિના સુધી ત્યાં રહેવુ પડશે. જોકે 1 વર્ષથી દીકરાને ન જોતાં મે પ્રશાંત ગુરુજીને મારો દીકરો ક્યાં છે ? તે અંગે પૂછતાં ઊલટાને ગુરુજીએ મને ધમકાવી હતી કે કલ્પેશ ક્યાં ગયો છે ? તમારા ઘરે છે ? મેં પ્રશાંત ગુરુજીને મારા દીકરાના ગુમ થયા અંગેની ફરિયાદ આપવાનું કહેતાં તેઓએ થોડી રાહ જોવા જણાવ્યું હતું અને તે જ્યાં હશે ત્યાંથી પાછો આવી જશે તેમ જણાવી દીધું હતું. જેથી મેં મારો દીકરો ગુમ થયાનાં 3 વર્ષ બાદ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ આપી નથી. હવે પ્રશાંત ગુરૂજી સામે ફરિયાદો થતાં મારા દીકરા અંગે ચિંતા વધી છે.
કિરણ અને કોમલે ધમકીઓ આપતા ફરિયાદ નોંધાવી
બગલામુખી મંદિર મંદિરમાં સેવા કરતા ગુરૂમુખભાઇના પત્ની કિરણબેન અને કોમલ ઉર્ફે પીંકી મારે ઘરે આવ્યા હતા. અને કહ્યું હતું કે, અમને ગુરુજીએ મોકલ્યા છે. તમે ગુરૂજીની વિરૂદ્ધમાં શું કામ બોલો છો? કિંજલ અને ધર્મેન્દ્રના ચડાવવામાં ન આવો. અને પાછું ખેંચી લો. ગુરૂજી આજકાલમાં જ પાછા આવવાના છે અને તેમને કશું થવાનું નથી અને તેમના આવ્યા પછી જોવા જેવી થશે. તમને જીવવા નહીં દઇએ તેવી પણ ધમકી આપી હતી.
છેલ્લાં 3 વર્ષથી ગુમ પુત્રની હત્યા થઇ હોવાની આશંકા, પ્રશાંત સામે ફરિયાદ was originally published on News4gujarati