• ટ્રમ્પે કહ્યું- અત્યારે એ નક્કી નથી કે વેપાર સમજૂતી નવેમ્બરમાં થનારી અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં જ થશે
  • આ નિવેદન પછી માનવામાં આવે છે કે, ટ્રમ્પ ભારત મુલાકાતમાં મોદી સાથે ટ્રેડ પેકેજની જાહેરાત કરી શકે છે

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત મુલાકાત પહેલાં કહ્યું છે કે, તેઓ ભારત સાથે મોટી વેપાર સમજૂતી કરવા માંગે છે પરંતુ આ ડીલ તેઓ ભારત મુલાકાત દરમિયાન નહીં કરે. તેમણે કહ્યું છે કે, તેઓ ખરેખર મોદીને ખૂબ પસંદ કરે છે પરંતુ હાલ તેઓ ટ્રેડ ડીલ નહીં કરી શકે તેઓ આ ડીલને આગામી સમય માટે બચાવીને રાખવા માંગે છે. ટ્રમ્પના આ નિવેદન પછી માનવામાં આવે છે કે, બંને દેશો વચ્ચે વેપાર સમજૂતી થઈ જશે. નોંધનીય છે કે, ટ્રમ્પ 24-25 ભારતની મુલાકાતે આવવાના છે.

એન્ડ્રયૂઝ જોઈન્ટ બેઝ પર મંગળવારે મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે કહ્યું છે કે, અમે ભારત સાથે વેપાર સમજૂતી કરી શકીએ છીએ, પણ મોટી ટ્રેડ ડીલને હાલ હું બચાવીને રાખવા માંગુ છું. અમેરિકન રાષ્ટ્રપતિને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેઓ ભારત મુલાકાત પહેલાં કોઈ વેપાર સમજૂતી કરશે? તો તેમણે આ વિશે કહ્યું કે, ભારત સાથે મોટી વેપાર સમજૂતી તો થશે, અમે તે ચોક્કસ કરીશું. પરંતુ ખબર નહીં તે ચૂંટણી પહેલાં થઈ શકશે કે નહીં.

ભારત સાથે વેપાર સમજૂતી કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી રહેલા અમેરિકન વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઈટહાઈજર ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન તેમની સાથે જ રહેવાના છે. ઓફિસર્સના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પની ભારત મુલાકાત દરમિયાન ટ્રેડ ડીલ શક્યતાઓ સંપૂર્ણ રીતે ખતમ નથી થઈ.

વેપારમાં ભારતનું અમારી સાથે સારું વર્તન નથી: ટ્રમ્પ
ટ્રમ્પે તાજેતરમાં જ ભારત મુલાકાત પહેલા વેપાર સમજૂતી વિશે કહ્યું હતું કે અમે એક સરસ ડીલ કરીશું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ભારતનું વેપાર મામલે અમેરિકા સાથે સારું વર્તન નથી. જોકે તે સમયે ટ્રમ્પે વડાપ્રધાન મોદીને સારા મિત્ર ગણાવીને તેમના ઘણાં વખાણ કર્યા હતા.

રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પની પહેલી ભારત મુલાકાત
રાષ્ટ્રપતિ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીએ અમદાવાદ અને નવી દિલ્હીની મુલાકાત લેવાના છે. અમેરિકન રાષ્ટ્રપતિ તરીકે તેમની આ પહેલી ભારત મુલાકાત છે. આ પહેલાં રાષ્ટ્રપતિ ઓબામાં 2010 અને 2015માં ભારતની મુલાકાતે આવ્યા હતા. ટ્રમ્પે ગયા સપ્તાહે કહ્યું હતું કે, તેઓ સારા સંબંધોની આશાએ ભારત આવી રહ્યા છે. ટ્રમ્પે પત્રકારોને કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી મારા સારા મિત્ર છે અને તેઓ એક સારા વ્યક્તિ પણ છે.

ભારત મુલાકાત પહેલાં ટ્રમ્પે કહ્યું- મોદી મને ખૂબ પસંદ છે, પણ ટ્રેડ ડીલ હમણાં નહી કરુ, બચાવીને રાખીશ was originally published on News4gujarati