વન, ટુ અને થ્રી બીએચકેના 3978 આવાસોનું 470 કરોડના ખર્ચે પ્રાઇમ લોકેશન પર બાંધકામ: સોમવારથી ફોર્મ વિતરણ 

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ (રૂડા)જ્યાં 28 લાખ રૂપિયાના ટુ બીએચકે ફ્લેટ મળે છે તે 150 ફૂટ રિંગ રોડ નાગરિક બેંકની બાજુમાં રૂડા માત્ર 5.50 લાખ રૂપિયામાં ફ્લેટ આપશે. આવાસના ફોર્મનું વિતરણ આગામી 24 ફેબ્રુઆરીથી કરાશે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અવાસની કામગીરી રૂડાએ શરૂ કરી છે. રૂડાના ચેરમેન ઉદિત અગ્રવાલ અને સીઇઓ ચેતન ગણાત્રાએ જણાવ્યું હતું કે, ઇડબ્લ્યુએસ-1 પ્રકારના 368, ઇડબ્લ્યુએસ-2 પ્રકારના 2130, એલઆઇજી પ્રકારના 728 આવાસો તેમજ એમઆઇજી પ્રકારના 752 આવાસો મળી 3978 આવાસોનું નિર્માણ 470 કરોડ રૂપિયાના ખર્ચે થઇ રહ્યું છે. ફોર્મનું વેચાણ 24 ફેબ્રુઆરીથી રાજકોટ શહેર તથા રૂડા વિસ્તારની કોટક મહિન્દ્રા બેંકની 10 શાખા, આઇસીઆઇસીઆઇની 17 શાખા અને એચડીએફસી બેંકની 22 શાખામાં શરૂ થશે. આ ઉપરાંત મનપાના કૃષ્ણનગર સિટી સિવિક સેન્ટર, કોઠારિયા રોડ સિવિક સેન્ટર અને ઇસ્ટ ઝોન સિટી સિવિક સેન્ટર પર ફોર્મ વિતરણ થશે. ફોર્મનું વિતરણ 13 માર્ચ સુધી થશે અને ભરેલા ફોર્મ 17 માર્ચ સુધી બેંકમાં રજૂ કરવાનું રહેશે.

ફોર્મ સાથે જ ડિપોઝિટ ભરવી પડશે
રાજકોટ મહાનગરપાલિકા આવાસ યોજનાના ફોર્મ ભરવાની સાથે એક પણ રૂપિયાની ડિપોઝિટ લેવામાં આવતી નથી. રૂડાએ ડિપોઝિટની રકમ રાખતા ફોર્મ ભરનારની સંખ્યા એાછી થઇ જશે. અગાઉ ડિપોઝિટની રકમ લીધા બાદ રૂડાએ લાંબો સમય સુધી આવાસ ફાળવણીનો ડ્રો ન કરતા હજારો લાભાર્થીઓના લાખો રૂપિયા અટવાયા હતા. ત્યારે ફરી એક વખત રૂડાએ વન બીએચકેના ફોર્મ સાથે રૂ.10000, ટુ બીએચકેમાં રૂ.20000, એલઆઇજી આવાસ માટે રૂ.40000 અને એમઆઇજી આવાસ માટે રૂ.75000ની ડિપોઝિટ ભરવાનો નિયમ રાખ્યો છે.

આ સ્થળોએ બનાવાશે આવાસ

  • 150 ફૂટ રિંગ રોડ, નાગરિક સહકારી બેંકની બાજુમાં
  • સાંજા ચૂલા હોટેલની પાછળ કાલાવડ રોડ
  • અવધ ક્લબ રોડ કાલાવડ રોડ
  • લક્ષ્મીના ઢોળાની પાસે બીજો રિંગ રોડ કાલાવડ રોડ
  • ફિલ્ડ માર્શલની વાડીની બાજુમાં, ઇસ્કોન મંદિરની પાછળ,
  • સરિતા વિહાર સોસાયટીની બાજુમાં કાલાવડ રોડ
  • કાલાવડ રોડ ડેકોરા વેસ્ટ હિલની પાસે, હરિ કીર્તન હોલ, ઇસ્કોન મંદિર પાછળ
  • રંગોલી પાર્ક રેસ્ટોરન્ટની પાછળ કાલાવડ રોડ

રાજકોટ – જ્યાં 28 લાખનો ફ્લેટ મળે છે ત્યાં રૂડા 5.50 લાખનો ફ્લેટ આપશે was originally published on News4gujarati