- યાર્ડમાં મચ્છરો કેવી રીતે ઘૂસે છે તેના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
- મનપા, રૂડા અને જિલ્લા વહીવટી તંત્રના પાપે દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન
- યાર્ડના વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ, સાંજ સુધીમાં બેઠક યોજી નિર્ણય લેવાશે
બેડી માર્કેટીંગ યાર્ડ નજીક વહેતી આજી નદીમાં જળજન્ય વનસ્પતિનું પ્રમાણ અતિશય વધી જવાના કારણે મચ્છરોના ઉછેર માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા અચાનક ક્યુલેક્સ પ્રજાતિના મચ્છરોનું પ્રમાણ વધી જવા પામ્યું છે. સાંજ પડતા જ મધમાખીના ઝુંડની જેમ અસંખ્ય મચ્છરના ઝુંડો માર્કેટ યાર્ડમાં ત્રાટકે છે. યાર્ડમાં મચ્છરો કેવી રીતે આવે છે તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. મચ્છરના અસહ્ય ત્રાસથી માર્કેટ યાર્ડમાં કામ કરતા મજૂરો, વેપારીઓ અને ખેડૂતો પરેશાન થતા સોમવારથી હિંસક પ્રદર્શન કરી હડતાળ પર ઉતરી ગયા છે. આજે સતત બીજા દિવસે હડતાળ યથાવત છે. સોમવારે 30 પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી તેઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. મચ્છરોની ઉત્પત્તિ અપ્રમાણસર વધી જતા તાકીદના ધોરણે આ બાબતને સ્થાનિક આપદા ગણી તેના નિવારણ માટે સઘન પ્રયાસ શરૂ કરાયા છે. બેડી માર્કેટીંગ યાર્ડ અને તેની આજુબાજુના વિસ્તારોમાં મચ્છરોના ત્રાસમાંથી મુક્ત કરવા આ વિસ્તારમાં આવેલી જળકુંભીને નાબૂદ કરવા સુરત અને અમદાવાદ મહાનગરપાલિકા પાસેથી ડીવેડર મશીન મોકલવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો છે.
વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ
યાર્ડના વેપારીઓ અને મજૂરો હડતાળ પર અડગ રહ્યા છે. જ્યાં સુધી નદીમાંથી જળકુંભી દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. યાર્ડના સંચાલકો દ્વારા વેપારીઓને સમજાવટનો દોર યથાવત છે પરંતુ વેપારીઓ માનવા તૈયાર નથી. આજે સાંજ સુધીમાં યાર્ડના સંચાલકો અને વેપારીઓ તથા મજૂરો વચ્ચે બેઠક યોજાશે. સૌરાષ્ટ્રના બીજા નંબરનું યાર્ડ બંધ રહેતા ખેડૂતો પરેશાન થયા છે. મનપા, રૂડા અને જિલ્લા વહીવટી તંત્રના પાપે દરરોજ કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.
પોલીસનો બંદોબસ્ત યથાવત, કરોડો રૂપિયાનું ટર્નઓવર અટકી ગયું
સોમવાર અને મંગળવાર એમ બે દિવસ સુધી યાર્ડમાં માલની હરાજી નહીં બોલાતા કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે. આજે બુધવારે વેપારીઓની બેઠક બોલાવવામાં આવશે અને ત્યારબાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે. મચ્છર ભગાવવા કલેક્ટર, મનપા, જિલ્લા પંચાયત, આરોગ્ય સહિતના છ તંત્ર મેદાને આવ્યા છે.
ફોગીંગ માટે મનપાએ બે મશીન ફાળવ્યા, એક જ ચાલ્યું
મચ્છરોનો ત્રાસ અને જળકુંભી દૂર કરવા માટે કોર્પોરેશન, જિલ્લા પંચાયત એકબીજાને ખો આપી રહ્યા હતા. સોમવારે વિરોધ કર્યા બાદ વહીવટી તંત્ર દોડતું થઇ ગયું હતું. મંગળવારે ફોગીંગ અને દવા છંટકાવ સહિતની કામગીરી કરવા માટે મનપાએ જિલ્લા પંચાયતને બે મશીન આપ્યા હતા પરંતુ તેમાંથી એક જ મશીન ચાલ્યું હતું.
રાજકોટ – યાર્ડમાં સતત બીજા દિવસે હડતાળ, જળકુંભી દૂર કરવા સુરત અને અમદાવાદ મનપાની મશીનરી મોકલવા મુખ્યમંત્રીનો આદેશ was originally published on News4gujarati