• એલિસબ્રિજમાં રહેતા વૃદ્ધની 33 લોકો સામે સાઇબરમાં ફરિયાદ
  • આરટીજીએસ કરાવી અલગ અલગ બેંકોમાં પૈસા ભરાવડાવ્યા

એલિસબ્રિજમાં રહેતા સિનિયર સિટીઝનને વોલ્વો કંપનીના હોલીડે પેકેજ સાથે ગિફટ આપવાનો ઈમેઇલ કરી લાલચ આપી કુલ 8.99કરોડ અલગ અલગ બેંકોમાં ભરાવડાવી છેતરપિંડી કરી હતી. આ અંગે સિનિયર સિટીઝને કુલ 33 લોકો સામે સાઇબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.
એલિસબ્રિજના શાંતા બંગ્લોઝમાં રહેતા દિનેશચંદ્ર લાલભાઈ પટેલ (85)ને 18 ઓકટોબર, 2017ના રોજ તેમના ઈમેઇલ આઈડી પર એક મેઈલ આવ્યો હતો, જેમાં વોલ્વો કંપનીમાં રૂ.10 હજાર ભરવાથી વોલ્વો હોલીડે કંપની તરફથી હોલીડે પેકેજ ગિફટ સાથે મળશે તેવી હકીકત જણાવામાં આવી હતી. વોલ્વો જાણીતી કંપની હોવાથી દિનેશચંદ્રે 10 હજાર ભર્યા હતા. ત્યારબાદ તેમની ઉપર અલગ અલગ લોકોએ ફોન કર્યા હતા અને તેમને વિવિધ સ્કીમોમાં રોકાણ કરવાની લોભામણી લાલચો આપી તેમના ત્રણ બેંક એકાઉન્ટમાંથી કુલ રૂ.8,99,47,861ની રકમ અલગ અલગ એકાઉન્ટોમાં ભરાવડાવી છેતરપિંડી આચરી હતી. આ અંગે દિનેશચંદ્ર પટેલે 33 લોકો સામે સાઇબર ક્રાઇમમાં વિશ્વાસઘાત અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
80 વખત બેંકમાં પૈસા ભરાવડાવ્યા
33 આરોપીએ અલગ અલગ સમયે સિનિયર સિટીઝન સાથે વાતો કરી વિશ્વાસ અપાવી અલગ અલગ બેંક એકાઉન્ટ નંબરો મોકલી તેમાં પૈસા ભરાવડાવ્યા હતા. 2017થી અત્યારસુધી એક યા બીજા બહાને આરોપીઓએ કુલ 80 વખત દિનેશચંદ્ર પટેલ પાસે કુલ રૂ.8.99 કરોડ લઈ વિશ્વાસઘાત કર્યો હતો.
ITના ખોટા પત્ર મોકલી પૈસા પડાવ્યા
વોલ્વો કંપનીના હોલીડે ગિફટ વાઉચરના નામે શરૂ થયેલો છેતરપિંડીનો સિલસિલો લાંબા સમય સુધી ચાલે તે માટે દિનેશચંદ્ર પટેલને આરોપીઓએ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટના નકલી દસ્તાવેજો મોકલી તેમનું ઈન્વેસ્ટમેન્ટ સલામત થઈ રહ્યુ હોવાની છાપ ઊભી કરી છેતરપિંડી આચરી હતી.

વોલ્વો કંપનીના હોલિડે પેકેજની લાલચ આપી 9 કરોડની ઠગાઈ was originally published on News4gujarati