• સાણંદનું મોતીપુરા સંપૂર્ણપણે વ્યસનમુક્ત ગામ બન્યું
  • છેલ્લા બે વર્ષથી ગામમાં એક પણ દારૂનો કેસ ના નોંધાયો
  • લોકોને દારૂથી દૂર રાખવા ગામમાં જ જેલ બનાવવામાં આવી છે
  • ગામમાં કોઇપણ દારૂડીયો પકડાય તો તેને જેલમાં પુરી દેવાય છે

ગુજરાતમાં દારૂબંધી હોવા છતા મોટાભાગના વિસ્તારોમાં ધમધોકાટ દારૂનું સેવન થતું હોય છે. સૌથી વધારે ગામડામાં દારૂનું વેચાણ વધારે થતું હોય છે. ત્યારે અમદાવાદના સાણંદ તાલુકાના એક ગામમાં લોકોને દારૂથી દૂર રાખવા માટે અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અહીં દારૂ પીનારને ગામમાં રાખેલા એક પાંજરામાં પુરી દેવામાં આવે છે તેમજ 1200 રૂપિયાનો દંડ પણ લેવામાં આવે છે. દારૂડીયાઓ પાસેથી વસૂલવામાં આવેલા દંડનો ગામના વિકાસ માટે ઉપયોગ થાય છે. ગામના સરપંચના જણાવ્યા અનુસાર, આ પ્રયોગ હાથ ધર્યા બાદ છેલ્લા બે વર્ષથી એકપણ દારૂનો કેસ નોંધાયો નથી.

મેં 2017માં ગામને સંપૂર્ણપણે વ્યસનમુક્ત બનાવવાનું નક્કી કર્યું: સરપંચ

ગામના સરપંચ બાબુભાઈ નાયકે divyabhaskar સાથે વાતચીતમાં જણાવ્યું કે, 2017 પહેલા મોતીપુરા ગામમાં દારૂડીયાઓની સંખ્યા દિવસેને દિવસે વધતી રહેતી હતી. ગામમાં બાળકનો જન્મ થાય કે કોઇનું મરણ થાય ગામમાં દારૂ પીવાતો હતો. જેને જોતા મેં 2017માં ગામને સંપૂર્ણપણે વ્યસનમુક્ત બનાવવાનું નક્કી કર્યું. મારા આ અભિયાનમાં ગામના ઘણા લોકો તેમજ પોલીસે પણ મને સાથ આપ્યો હતો. અમે 2017માં ગામમાં એક પાજરું મુક્યું હતું. જે પણ દારૂ પીધેલી હાલતમાં જોવા મળે તેને 24 કલાક માટે જેલમાં નાખી દેવામાં આવતા હતા. બીજા દિવસે તેમના પરિવારને બોલાવીને દારૂની લત છોડવા માટે સમજાવવામાં આવતા હતા. ધીરે-ધીરે ગામમાં દારૂ પીનારની સંખ્યામાં ઘટાડો થયો ગયો અને 2019ની શરૂઆત સુધીમાં સમગ્ર ગામ વ્યસનમુક્ત બની ગયું હતું.

અમારા સમાજના અન્ય 25 ગામોને પણ વ્યસનમુક્ત બનાવ્યાં: સરપંચ

ગામમાં આ પ્રયોગ સફળ ગયા બાદ અમે અમારા સમાજના અન્ય 25 ગામોને પણ વ્યસનમુક્ત કરવાનું નક્કી કર્યું. તમામ ગામમાં સૂચના અપાઈ હતી કે, જે પણ લોકો દારૂના નશામાં પકડાશે તેમને મોતીપુરા ગામ જેવી સજા મળશે તેમજ 1200 રૂપિયાનો દંડ ભરવો પડશે. આ સજા માત્ર દારૂ નહીં પરંતુ કોઇપણ પ્રકારના નશીલા પ્રદાર્શ પીનાર માટે લાગુ પડે છે. આ પહેલ દ્વારા અમે મોતીપુરાની સાથે અન્ય 25 ગામડાઓને પણ વ્યસનમુક્ત બનાવવામાં સફળ થઇ રહ્યા છીએ. દારૂડીયા પાસેથી વસૂલવામાં આવતા દંડને અમે ગામના નાના-મોટા સામાજિક કામોમાં ઉપયોગ કરીએ છીએ. આ કાર્ય માટે અમને નશાબંધીનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે.

ગામને વ્યસનમુક્ત બનાવવા શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓ પડી: સરપંચ
ગામને વ્યસનમુક્ત બનાવવામાં શરૂઆતમાં ખુબજ મુશ્કેલીઓ પડી હતી. હું જ્યારે દારૂડીયાઓને સમજાવવા જતો ત્યારે તેઓ મારી વાતને ધ્યાનમાં લેતા ન હતા. પરંતુ મે હિમ્મત ન હારી અને દરરોજ એક ડંડો લઈને ગામમાં ઉભો રહેતો હતો. જે પણ દારૂડીયો દેખાત તેને પહેલા સમજાવતો હતો અને જો ના માને તો સજા આપતો હતો. આ જોઈ ગામના કેટલાક લોકો મને પાગલ કહેવા લાગ્યા હતા. ગામમાં બાપ-દાદાના સમયથી દારૂ પીવાય છે તેમ કહીં જતા રહેતા હતા. જોકે સમય વિતતા લોકો સમજવા લાગ્યા અને સાથ પણ આપવા લાગ્યા હતા. પોલીસે પણ આ અભિયાનમાં મારો સારો સાથ આપ્યો હતો.
દંડની અંદાજે રૂ. દોઢ લાખ જેટલી રકમ ગામના વિકાસમાં વપરાઈ

ગામમાં ‘મોતીપુરા જેલ’ નામથી એક પાંજરું મુકવામાં આવ્યું છે. ગામમાં જે દારૂડીયો પકડાય એને એ જેલમાં 24 કલાક પુરી એની પાસેથી રૂ. 1200 દંડ વસુલવાની શરૂઆત કરવામાં આવી હતી. દારૂડીયા પાસેથી દંડ વસુલ્યા બાદ જ જેલનો દરવાજો ખુલે છે. અને આ દંડમાંથી અત્યાર સુધી મેળવેલી અંદાજે રૂ. દોઢ લાખ જેટલી રકમ ગામના વિકાસમાં જ વાપરવામાં આવતા આ ગામ નંદનવન બન્યું છે. સાથે છેલ્લા બે વર્ષથી આ ગામમાં દારૂનો એક પણ કેસ ન નોંધાતા હાલમાં આખુ ગામ સંપૂર્ણપણે વ્યસનમુક્ત બન્યું છે.

નોટબંધી જેવી તકલીફ દારૂબંધીમાં પડી હતી :સરપંચ

સાણંદના મોતીપુરા ગામમાં કોઇ દારૂડીયો એક, બે કે ત્રણ વખત પકડાઇને જેલમાં પુરાયા બાદ પણ ન સુધરે તો એને નાત બહાર મુકીને એના લગ્ન, મરણ કે સારા-નાઠા પ્રસંગે કોઇ એના ત્યાં વ્યવહાર કે જતુ નહીં આથી ધીમે-ધીમે આખા ગામ અને સમાજમાંથી દારૂની બદીનો સુખદ અંત આવ્યો.

અત્યાર સુધીમાં સવાસો જેટલા દારૂડીયા ગામની “જેલ”માં પુરાયા

અત્યાર સુધીમાં મોતીપુરા ગામની જેલમાં સવાસો જેટલા દારૂડીયા પુરાયા છે જેમની પાસેથી દોઢ લાખ જેટલી દંડની રકમ વસુલવામાં આવી છે. અને દંડની રકમ ગામના વિકાસમાં વપરાતી હોવાથી આ જેલમાં થતો દંડ ગામના દરેક લોકોને ગમે છે.

વ્યસનમુક્ત કરતી અમદાવાદની ‘મોતીપુરા જેલ’, દારૂ પીનારને 24 કલાક જેલ અને રૂ.1200નો દંડ થાય છે was originally published on News4gujarati