• પાલિકાની સભામાં નેતાઓની મંડળીઓનો મુદ્દો ગરમાયો
  • હંગામી સફાઇ કર્મીઓને કાયમી કરવાના મુદ્દે શરૂ થયેલા આંદોલનને કાયમી સફાઇ સેવકોએ ટેકો જાહેર કરતાં લેખિતમાં ખાતરી આપવી પડી 

કાયમી કરવાની માંગ સાથે પાલિકામાં 10-15 વર્ષથી હંગામી ધોરણે ફરજ બજાવતા હંગામી સફાઇ સેવકોને કાયમી કરવાની માંગ સાથે સફાઇ કામદાર સંઘર્ષ સમિતિએ હડતાળનુ શસ્ત્ર ઉગામ્યું છે અને તેમાં કાયમી સફાઇ સેવકોએ પણ ટેકો જાહેર કરતાં મોડી રાત્રે પાલિકા સત્તાધીશોએ લેખિતમાં બાહેધરી પત્ર આપતાં હંગામી કર્મચારીઓની હડતાળ સમેટાઇ ગઇ હતી. કાયમી કર્મચારીઓ ટેકો આપવાની જાહેરાતના પગલે શહેરમાં સફાઇ ઠપ થઇ જવાની ભીતિના પગલે પાલિકા સત્તાધીશો ઘૂંટણીયે પડી ગયા હતા.

500થી વધુ કર્મચારી ભેગા થયા
હંગામી,માનવદિન, 11 માસ કરાર સહિતના સફાઇસેવકોને કાયમી કરવા માટેલાંબા સમયથી કોઇ નિરાકરણ ન આવતાં ગત મોડી સાંજથી 500થી વધુ સફાઇસેવકોએ પાલિકાની વડી કચેરીમાં ધામા નાંખ્યા હતા અને આખી રાત ધરણાં કર્યાં હતાં. પાલિકાની સભામાં વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, પહેલી વખત શહેરને સાફ કરનારાઓને આવી રીતે બેસવું પડી રહ્યું છે.વ્હાઇટ કોલરવાળા મંડળી બનાવીને કમાણી કરે છે અને મોંઘવારીમાં 7 હજાર વેતન કોઇને પોષાય તેમ નથી. રાજેશ આયરેએ જણાવ્યું કે, કેટલાક નેતાઓ મંડળીનો ધંધો કરે છે અને 50 લોકો કામ કરે અને 100નું પેમેન્ટ લેવાય છે, આવા નેતાઓ લાખો ની કમાણી કરે છે અને સફાઇસેવકોનું શોષણ કરે છે તેવો આક્ષેપ કર્યો હતો.
મેયરે કહ્યું સંવેદના છે પણ કાર્યવાહીમાં સમય લાગશે
મેયર ડો.જિગીષાબહેન શેઠે જણાવ્યું હતું કે, સફાઇસેવકો એ સફાઇમિત્ર છે અને મારી તેમની સાથે કાયમી ધોરણે સંવેદના છે. કાયમી કરવા માટે નીતિ બનાવવા કાર્યવાહી શરૂ કરી છે. આ માટે 1 મહિનાનો સમય લાગે તેમ છે અને તેના ઓછા સમયમાં પણ કામગીરી થઇ જશે. જોકે, આ બાબતે લેખિતમાં બાંયધરી લેવાનો આગ્રહ રખાય છે પણ આ બાબત વિશ્વાસની છે. સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલે પણ આ બાબતને ગંભીરતાથી વિચારાઈ રહી હોવાનો દાવો કર્યો હતો.

પદાધિકારીઓનાં વાહનો સ્કૂલમાં મૂકવાં પડ્યાં
પાલિકાની ચાલુ સભાએ ડેપ્યૂટી મેયર ડો.જીવરાજ ચાૈહાણ વાટાઘાટો માટે આંદોલનકારી સફાઇસેવકો પાસે ગયા હતા. પરંતુ, આંદોલનકારીઓએ લેખિત બાંયધરીનો આગ્રહ રાખતાં મંત્રણા બેઠક પડી ભાંગી હતી. બીજી તરફ, પાલિકાના પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરોનાં વાહનો પાલિકાની વડી કચેરીના કમ્પાઉન્ડમાં આવી શકે તેમ ન હોવાથી ન.પ્રા.શિક્ષણ સમિતિની વડી કચેરીના કમ્પાઉન્ડમાં મૂકીને ચાલતા આવવાની ફરજ પડી હતી.

શહેર ગંદું-ગોબરું બનવાના ડરે સત્તાધીશો ઝૂક્યાં, મોડી રાત્રે હડતાલ સમેટાઇ was originally published on News4gujarati