- ઘરેથી ભાગી ઉધના રેલવે સ્ટેશન પહોંચેલી કિશોરી RPFની મદદથી ચિલ્ડ્રન હોમમાં મોકલાઈ હતી
- ચિલ્ડ્રન હોમમાં 10 દિવસ રહ્યા બાદ કિશોરીને સિવિલમાં લવાતા ડોક્ટર સામે ચોંકાનવારા ખુલાસા કર્યા
ઘરેથી નાસી જઈને અવળું પગલું ભરી લેતી યુવતીઓ સામે લાલબતિ ધરતો કિસ્સો સામે આવ્યો છે. ઝારખંડની કિશોરી ત્રણેક વાર ઘરેથી નાસી ગઈ હતી. જેમાં ત્રીજીવાર સુરતના ઉધના સ્ટેશને એક પરિવારે RPF(રેલવે પોલીસ ફોર્સ)ની મદદથી કિશોરીને રાંદેરના ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપી હતી. ચિલ્ડ્રન હોમમાંથી દસેક દિવસ બાદ કિશોરીને મેડિકલ ચેકઅપ માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી જ્યાં કિશોરીએ ઘરેથી ત્રણેક વખત ભાગવાના કારણથી લઈને બીજી વખત ભાગી ત્યારે અજાણ્યા યુવકોએ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાના ચોંકાવનારા ખુલ્લા કરતાં તબીબોએ ગાયનેકનો અભિપ્રાય લેવા યુવતીને ખસેડી હતી. જો કે, કિશોરીનું 8-10 દિવસ બાદ મેડિકલ ચેકઅપ કરાવાતા સવાલો ઉભા થયાં છે.
ઘરમાં થતાં ઝઘડાના કારણે ઘરેથી ભાગી જતી
ઝારખંડના બોકારો ખાતે રહેતી 16 વર્ષની કિશોરી ત્રણેક વાર ઘરેથી નાસી ગઈ હતી. સિવિલ હોસ્પિટલમાં તબીબો સામે કિશોરીએ ખુલાસા કરતાં જણાવ્યું હતું કે, ઘરમાં થતાં ઝઘડાના કારણે તે કંટાળી ગઈ હતી. જેથી વર્ષ 2019ના ડિસેમ્બર મહિનામાં બોકારો રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી રાંચી જવા નીકળી હતી. જ્યાં હરી ફરીને ત્રણ ચાર દિવસ બાદ ફરી ઝારખંડ પોતાના ઘરે પહોંચી ગઈ હતી.
બીજીવાર ભાગી તેમાં દુષ્કર્મ થયું
પહેલીવાર ભાગીને પરત આવેલી કિશોરીના ઘરમાં ફરીથી એ જ કલહનું વાતાવરણ રહેતું હતું. જેથી કંટાળેલી કિશોરી ફરીથી ઘરેથી ભાગી હતી. આ વખતે કિશોરી બંગાળ જવા માટે નીકળી હતી.જેમાં અધવચ્ચે કોઈ રેલવે સ્ટેશન ઉતરી ગઈ હતી. આ રેલવે સ્ટેશન પર બે યુવકો અજાણ્યા યુવકોએ તેઓ ભાઈ બનીને સંપર્કમાં આવ્યાં હતાં. પોતાને ભાઈ ગણાવતાં આ યુવકોએ કિશોરીને પોતાના સ્થળે લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યું હતું. વળી કિશોરી આ યુવકોની ચુંગાલમાંથી છૂટીને બે દિવસે ઘરે પહોંચી હતી.
ત્રીજીવાર ઘરેથી ભાગીને સુરત પહોંચી
ગત 7મી ફેબ્રુઆરીના રોજ ઘરેથી ત્રીજીવાર ભાગીને નીકળેલી કિશોરી ટ્રેનમાં એક પરિવારને મળી હતી. પરિવારે કિશોરીની વાત સાંભળીને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર RPFને સોંપી હતી. આરપીએફ દ્વારા કિશોરીને કોઈ જ મેડિકલ ચેકઅપ કરાવ્યા વગર રાંદેરના ચિલ્ડ્રન હોમમાં મોકલી આપવામાં આવી હતી. આઠ દસ દિવસ ચિલ્ડ્રન હોમમાં રહેલી કિશોરીને આજે (બુધવારે) તબીબી તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં કિશોરીએ પોતાની સાથે થયેલા અત્યાચારની વાત કરી હતી.
કિશોરીના સેમ્પલ લેવાયા
સિવિલ હોસ્પિટલમાં મહિલા પોલીસને સાથે રાખીને કિશોરીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તબીબોએ કિશોરીને ગાયનેક અભિપ્રાય માટે નિષ્ણાત તબીબો પાસે રીફર કરી હતી. કિશોરીએ દુષ્કર્મ આચરાયાનું કહેતા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે, આરપીએફ અને ચિલ્ડ્રન હોમ દ્વારા કિશોરી મળ્યાના દસેક દિવસ બાદ મેડિકલ ચેક અપ કરાવાતા સવાલો ઉભા થયાં છે.
સિવિલ હોસ્પિટલમાં ઝારખંડની કિશોરીએ કહ્યું,ત્રણવાર ઘરેથી ભાગી, અજાણ્યાએ દુષ્કર્મ આચર્યું was originally published on News4gujarati