• 1.41 કરોડના ગોલ્ડ પાઉડરની ચોરીમાં બંગાળી ગેંગના 9 ઝડપાયા, સોનુ ખરીદનારની શોધખોળ
  • સોની કામ કરતા બે ઈસમોને 5 લાખનું દેવું થઈ જતા ગોલ્ડ ચોરીનો પ્લાન બનાવ્યો હતો
  • ક્રાઇમબ્રાંચે ચોરીના દાગીના લેનાર ભાગળના ઝવેરીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા

વરાછા રોડ પર આવેલી ડેઝલ જ્વેલર્સના કારખાનામાં ગત 15મીના રોજ 1.41 કરોડના સોનાના પાઉડરની ચોરી થઈ હતી. ચોરાના પગલે વરાછા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં બાતમી આધારે પોલીસ દ્વારા બંગાળી ગેંગના 9ને ઝડપી પાડવામાં આવ્યા છે. ટોળકી પાસેથી સોનાની લંગડી 27.76 લાખ, રોકડ 1.74 લાખ, મોબાઇલ-14 રૂ 1.27 લાખ, મોપેડ-બાઇક સહિત 31.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ચોરોએ એક સોનાની લગડી બનાવી વેચી પણ દીધી હતી. જેથી આ સોનાની લગડી ખરીદનારની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઘટના શું હતી?

વરાછા રોડ પર ડેઝલ જવેલર્સના કારખાનામાં ગત 15મીએ ત્રાટકેલા તસ્કરો 1.41 કરોડનો સોનાના પાવડરની ચોરી કરી ફરાર થયા હતા. બન્ને ચોરો મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા. કારખાનાના પાછળના ભાગે બારી અને એસીના આઉટ ડોર કેબીનમાં મારેલું તાળું અને પતરૂ કોઈ સાધન વડે તોડીને કારખાનામાં પ્રવેશીને ચોરી કરી હતી. ચોરોમાં કારખાનામાં શનિવારે મળસ્કે 1.10 ઘુસ્યા અને 2.40 વાગ્યે બહાર નીકળ્યા હતા. ફિલીંગના 7 મશીનો તેમજ પોલીશીંગના 5 મશીનોમાંથી મળી 4.62 કિલોગ્રામ સોનાનો પાવડરની ચોરી કરી હતી. જેની કિંમત 1,41,82,467 થાય છે. આ કારખાનામાં ડાયમંડ-ગોલ્ડ બનાવવાનું કામ થાય છે. સવારે કારખાનું માલિકે ખોલ્યું ત્યારે મશીનરી વેરવિખેર હતી. જેથી તપાસ કરતા સોનાનો પાવડર ચોરી થયો હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જેથી વરાછા પોલીસ ત્યાં દોડી આવી હતી. વરાછા પોલીસે કારખાનામાં કામ કરતા કારીગરોની પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતા. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી.

બાતમી આધારે દરોડા પાડી 9ને ઝડપી પાડ્યા

વરાછા પોલીસ સાથે તપાસમાં જોડાયેલી ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે ટીમે ભાગળ ચાર રસ્તા જીવરાજ ચાની બાજુની ગલીમાં શિવમ કોમ્પ્લેક્સના બીજા માળે રહેતા અને દાગીના બનાવવાનું કામ કરતા મૂળ પશ્વિમ બંગાળના લાલન ઇન્સાફઅલી શેખને ત્યાં દરોડો પાડી કુલ 9 શખ્સોને ઝડપી લીધા હતા. સોનાની લંગડી 27.76 લાખ, રોકડ 1.74 લાખ, મોબાઇલ-14 રૂ 1.27 લાખ, મોપેડ-બાઇક સહિત 31.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ચોરી કરી સોનું બનાવી વેચવાની યોજના બનાવી હતી

ક્રાઇમ બ્રાન્ચે તમામની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, સોની કામ કરતા લાલનને 4 લાખ અને અરમાનને 1 લાખનું દેવું ધંધામાં થઈ જતા તેમણે કોઈ સોનાની ફેક્ટરીમાંથી ચોરી કરી તેની ડસ્ટમાંથી સોનું બનાવી વેચવાની યોજના ઘડી હતી. જેથી કોન્ટ્રાકટર સુજય ઉર્ફે બાબુને કોઈ તેનો કારીગર ચોરી થઇ શકે તેવી જગ્યા બતાવે તે માટે કહેતા તેણે દેવાઆશિષનો સંપર્ક કરાવ્યો હતો. દેવાઆશિષ ડેઝલ જ્વેલર્સમાં ચાર વર્ષ અગાઉ નોકરી કરી ચૂક્યો હોય તેની પાસે તમામ માહિતી અને માહિતીના આધારે દિલ્હીથી અન્યોને બોલાવી તેમને સુજય તેમજ દેવાઆશિષે જગ્યા બતાવી હતી.

ભાગ પાડવા એકત્ર થયા ત્યારે જ પકડાઇ ગયા

બનાવના સમયે લાલન અને અરમાન તેમની બાઈક અને એક્ટીવા પર રાહુલઉદ્દીન, સાકીબ અને નૂરહસનને લઇ સ્થળ ઉપર પહોંચ્યા હતા. તેમને થોડે દૂર ઉતારી બંને રેલવે સ્ટેશન ચાલ્યા ગયા હતા. જ્યારે ડેઝલ જ્વેલર્સમાં રાહુલઉદ્દીન અને સાકીબ પ્રવેશ્યા હતા. નૂરહસન વોચમાં ઉભો રહ્યો હતો. ચોરીનું કામ પૂરું થતા લાલન અને પ્રશાંતજીત લેવા આવ્યા હતા અને ત્યાંથી તેઓ પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા. બીજા દિવસે સવારે જાફરને તેમણે ચોરીની ગોલ્ડ ડસ્ટ આપતા તેણે તેને ઓગાળી લગડીઓ બનાવી હતી. તે પૈકી અંદાજીત 52-53 ગ્રામની એક લગડી તેમણે બે લાખમાં વેચી હતી. તે રકમ અને બાકીની લગડીઓનો ભાગ પાડવા તેઓ એકત્ર થયા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા હતા.

ચોરી કરેલું સોનું ખરીદનાર ભાગળના જ્વેલર્સની શોધખોળ

ચોરોએ 52 ગ્રામ સોનું સુરતમાં ભાગળની જ્વેલર્સની દુકાનમાં વેચાણ કરી રોકડા કરી લીધા હતા. ક્રાઇમબ્રાંચે ચોરીના દાગીના લેનાર ઝવેરી કૌશિકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ચોરીના દાગીના હોવા છતાં ઝવેરીએ ચોરો પાસેથી સસ્તામાં લઈ લીધા હતા.

પકડાયેલા આરોપીઓ મૂળ બંગાળના

  • લાલન ઈન્સાફ અલી શેખ (શિવમ કોમ્પલેક્ષ,ભાગળ,મૂળ પ.બંગાળ)
  • અરમાન ઉર્ફે બાબુ જહાંગીર મંડલ (દાતાર સોસાયટી, ઉન, મૂળ, પ.બંગાળ)
  • સાકીબ ઈસ્માઇલ શેખ(ઉન,મૂળ,પ.બંગાળ)
  • રાહુલઉદ્દીન લતીઉદ્દીન શેખ (ઉન,મૂળ,પ.બંગાળ)
  • નૂરહસન ફિરોઉદ્દીન શેખ (ઉન, મૂળ, પ.બંગાળ)
  • પ્રશાંતજીત દિલીપ દાસ (ભાગળ, મૂળ પ.બંગાળ)
  • સુજય ઉર્ફે બાબુ સત્તનદાસ (રંજનીગંધા એપાર્ટ, વાડી ફળિયા, મૂળ, પ. બંગાળ)
  • દેવાઆશીષ જાનોકી સામંતો (કોસાડ આવાસ, મૂળ,બંગાળ)
  • જાફર હુસેનઅલી શેખ (અબ્દુલા એપાર્ટ, રામપુરા)

સુરત ડેઝલ જ્વેલર્સ ચોરી – 1.41 કરોડના ગોલ્ડ પાઉડરની ચોરી કરી ભાગ પાડવા એકઠાં થયા ને પોલીસે 9ને ઝડપી પાડ્યા was originally published on News4gujarati