• ડોનાલ્ડ ટ્રમ્પ 12.00 વાગે અમદાવાદ  આવશે
  • તાજમહેલ જોવા 3.30 વાગે આગ્રા જવા રવાના થશે

વિશ્વના સૌથી મોટા અમદાવાદમાં નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમને આખરે મ્યુનિ.એ તમામ બાબતો ચેક કરીને બિલ્ડિંગ યુઝ પરમિશન (બી.યુ.) આપી દીધી છે. ફાયર સેફ્ટી, વરસાદી પાણીનો સંગ્રહ, સ્ટ્રક્ચરલ તપાસ બાદ આજે બુધવારે મ્યુનિ.એ બી.યુ. આપી દીધું છે. બી.યુ. પરમિશન મેળ‌વવા માટે સ્ટેડિયમ દ્વારા 30 લાખની ફી મ્યુનિ.માં જમા કરાવવામાં આવી છે. મ્યુનિ.એ પાણીનું કનેકશન આપ્યું છે. સાથે સ્ટેડિયમમાં 65 જેટલા પર્કોલેટિંગ વેલ પણ બનાવવામાં આવ્યા છે. જેથી વરસાદી પાણીનો સંગ્રહ થઇ શકે છે. નોંધનીય છે કે, 60 એકર જમીન પર 700 કરોડના ખર્ચે નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે, જેમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પનો કાર્યક્રમ યોજાશે.
125 જગ્યાએ હાઈડ્રન્ટ, 9 હજાર જેટલા સ્પ્રિન્કલર લગાવાયા
ફાયર સેફ્ટીમાં પણ ધુમાડાને ડિટેક્ટ કરી સાઈરન વાગે તેવી સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. તે ઉપરાંત ફાયર પાણી માટે 125 જગ્યાએ હાઇડ્રન્ટ લગાવવામાં આવ્યા છે. સાથે 9 હજાર જેટલા સ્પ્રિન્કલર પણ લગાવવામાં આવ્યા છે.
બે ‘મરિન વન’ એરલિફ્ટ માટે સ્ટેડિયમમાં તહેનાત કરાશે
અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મહેમાન બને તે પહેલા તેમની સુરક્ષા માટે જરૂરી સાધનો, સ્નિફર ડોગ સહિત અન્ય સાધનો સાથે બુધવારે સવારે એક અને સાંજે એક મળી દિવસ દરમિયાન યુએસએ એરફોર્સના બે વિશેષ કાર્ગો વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા, જેમાં બે હેલિકોપ્ટર ‘મરિન વન’ પણ લાવવામાં આવ્યા છે. આ બન્ને હેલિકોપ્ટરનો ઉપયોગ મોટેરા સ્ટેડિયમથી જરૂરિયાત જણાય તો ટ્રમ્પને અમદાવાદ એરપોર્ટ પહોંચાડવા માટે થઈ શકે છે. આ હેલિકોપ્ટરને મોટેરા સ્ટેડિયમમાં તહેનાત રખાય તેવી શક્યતા છે, આથી સ્ટેડિયમમાં જો કોઈ આકસ્મિક ઘટના થાય તો એ સમયે ટ્રમ્પને એર લિફ્ટ કરી શકાશે.
રોડ શોમાં આવનારાને પાસની જરૂર નથી
ટ્રમ્પના રોડ શોમાં ભાગ લેનારા વિવિધ કલાકારોનું પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવ્યું છે. પરંતુ આ શોને જોવા આવનારા કોઈ પણ વ્યક્તિઓનું પોલીસ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે નહીં. જોકે આ મેદનીને લાવવાની જવાબદારી કોર્પોરેટરોને સોંપાઈ છે. રોડ શોના રૂટ પર રહેતાં લોકોને કોઈ પણ પ્રકારના પાસ વગર રોડ શો જોવા માટે એન્ટ્રી આપવામાં આવશે. રોડ શોના રૂટમાં 100 જેટલા એન્ટ્રી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ એન્ટ્રી પોઈન્ટ પરથી ચેકિંગ પછી જ પ્રવેશ મળશે.
યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો અમદાવાદથી દિલ્હી ગયા
ટ્રમ્પ અમદાવાદ, આગરા, દિલ્હીની વિઝિટ કરવાના હોવાથી યુએસ સિક્રેટ સર્વિસના 10થી વધુ એજન્ટો સ્નિપર ડોગ સાથે અમદાવાદથી બુધવારે સુરક્ષાની તપાસ માટે દિલ્હી ગયા હતા. ગુજસેઈલ ખાતે તેમનું ચેકિંગ કરાયું હતું.
એરપોર્ટ પર આવતા ચાર્ટર્ડ વિમાનો પાર્ક નહીં કરવા સૂચના
એરપોર્ટ પર પાર્કિંગ માટે અન્ય શહેરોમાંથી આવતા ચાર્ટર્ડ વિમાનોને હાલ 24 ફેબ્રુઆરી સુધી પાર્ક નહીં કરવા સૂચના અપાઈ છે. કાયમી પાર્કિંગ જગ્યા ધરાવતી કંપનીઓની માલિકીના 10 ચાર્ટર્ડ વિમાનોને પણ હાલ તેમની મૂળ જગ્યાએથી એરપોર્ટ પર જ અન્યત્ર ખસેડવાની સૂચના અપાઈ છે. 5 કંપનીની માલિકીના 10 જેટલા ખાનગી વિમાનોને એરપોર્ટ પર અલગ અલગ સ્થળે પાર્ક કરવામાં આવે છે. જેમાં કેટલાક વિમાનોને ગુજસેઈલ સામેની જગ્યાએ પાર્ક કરવામાં આવતા હતા. પરંતુ ટ્રમ્પનો કાફલો આવતો હોવાથી તેમના વિમાનને ગુજસેઈલ પાસે પાર્ક કરવા આવશે, જેથી ખાનગી વિમાનોને એરપોર્ટ પર તૈયાર કરાયેલા નવા પાર્કિંગ એરિયામાં હાલ ટેમ્પરરી ધોરણે ખસેડવાની સૂચના અપાઈ છે.

આખરે મોટેરા સ્ટેડિયમને બી.યુ. પરમિશન, 30 લાખ રૂપિયા ફી ચૂકવાઈ was originally published on News4gujarati