• 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
  • અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો, ટ્રક ચાલક ફરાર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ નજીક ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થતાં 3 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે. જ્યારે 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
બાબરીમાં પતાવીને ઘરે જતી વખતે અકસ્માત થયો
વડોદરા નજીક ઉમેટા ખાતે રહેતા સંજયભાઈ ઘનશ્યામભાઇ વસાવા અને તેમના પાડોશીઓ બાબરી પ્રસંગમાં રિક્ષા લઇને ડભોઇ તાલુકાના સાઠોદ ગામમાં ગયા હતાં. જ્યાંથી તેઓ પ્રસંગ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા. તે સમયે સાઠોદ ગામ પાસે ડભોઇ તરફથી પૂર ઝડપે આવતા એક અજાણ્યા ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં રિક્ષામાં બેઠેલા સંજયભાઇ વસાવા તેમના પત્ની હિમાબેન વસાવા, 3 વર્ષની દીકરી કિંજલ વસાવા અને રોશની દિપકભાઈ મારવાડી(રહે, સયાજીપુરા, વડોદરા), સીતાબેન દિપકભાઈ મારવાડી(રહે, સયાજીપુરા, વડોદરા), અને ગાયત્રીબેન મણીલાલ વસાવા (રહે, નવીનગરી ડભોઇ) અને લીલાબેન રાવળ રોડ(રહે, ઉમેટા, વડોદરા) ઉપર ફગોળાયા હતા. જેમાં કિંજલ સંજયભાઈ વસાવા(3), રોશની દિપકભાઈ મારવાડી(11), અને લીલાબેન રાવળનું મોત નીપજ્યું હતું. જ્યારે 4 ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
અકસ્માતને પગલે એક કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો
અકસ્માતને પગલે સાઠોદ-ડભોઇ રોડ ઉપર એક કિ.મી.નો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ડભોઇ પોલીસ સ્થળ ઉપર પહોચી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત, 4 ઇજાગ્રસ્ત, બાબરી પતાવીને ઘરે જઇ રહ્યા હતા was originally published on News4gujarati