• સાદરા ગામના ખેડૂતોના ચોરી, બાજરી અને ઘઉંના પાકને વ્યાપક નુકસાન થયું 
  • પાકના નુકસાન સામે યોગ્ય વળતર નહીં મળે તો ખેડૂતો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી 

પાદરા તાલુકાના સાદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ગાબડું પડતા 70 વિઘા જમીનમાં પાણી ફરી વળ્યા હતા. જેથી 30થી વધુ ખેતરોમાં ઉભા પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે અને ખેડૂતોએ સરકાર સમક્ષ યોગ્ય વળતરની માંગ કરી છે.
અધિકારીએ કોન્ટ્રાક્ટર્સ પર જવાબદારી નાખવાનો પ્રયત્ન કર્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં રાત્રે 3 વાગ્યે ગાબડું પડ્યું હતું. જેથી ખેડૂતો તુરંત ખેતરમાં પહોંચી ગયા હતા. અને કેનાલમાં પાણી બંધ કરવા માટે નર્મદા કેનાલના અધિકારીઓને વિનંતી કરી હતી પરંતુ પાણી બંધ ન કરવામાં આવતા ખેડૂતો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ખેતરોમાં ઘૂંટણ સમા પાણી ભરાઇ જતા ઉભા પાકને નુકસાન થયું હતું. જોકે સ્થળ પર પહોંચેલા અધિકારીએ પોતાની જવાબદારીમાંથી છટકીને કોન્ટ્રાક્ટર્સ પર જવાબદારી નાખવાના પ્રયત્નો કર્યાં હતા.
યોગ્ય વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું
સાદરા ગામના ખેડૂત પ્રવીણભાઈ ગોહિલે જણાવ્યું હતું કે, કેનાલના અણઘડ વહીવટને કારણે અમને નુકસાની ભોગવવી પડી રહી છે. અમારી જમીનો ચોમાસુ પાક ફેલ ગયો હતો અને હવે શિયાળુ પાકમાં પણ ઘૂંટણસમા પાણી ફરી વળતા પાક નષ્ટ થઇ ગયો છે. અમારો ચોરી, બાજરી, ઘઉંના પાકને નુકસાન થયું છે. અધિકારીઓ જવાબદારી કોન્ટ્રાક્ટર પર ઢોળી રહ્યા છે પરંતુ જો અમને યોગ્ય વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરીશું.
મારા બે વિઘાના ખેતરમાં 60 હજાર રૂપિયાનું નુકશાન થયું
સાદરા ગામના ખેડૂત શેલેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારો ખેતરમાં ચોરીનો પાક તૈયાર છે અને નર્મદા કેનાલ તૂટતા આખા ખેતરમાં પાણી ફરી વળ્યા છે. મારા બે વિઘાના ખેતરમાં 60 હજાર રૂપિયાનું નુકશાન થયું છે.
હમણા જ ગેટ બંધ કરાવી દીધો છેઃ આસિસ્ટન્ટ એન્જિનિયર
નર્મદા કેનાલના આસિસ્ટન્ટ એન્જિનિયર(પ્રોબેશન) નિખિલ મેઘાણીએ જણાવ્યું હતું કે, પાણી એકદમ બંધ કરીએ તો બ્રાંચ કેનાલ તૂટવાની શક્યતા રહેલી છે, બીજા ગેટ અમે ખોલાવ્યા છે અહીં પાણીનું લેવલ હલકુ થયા પછી આપણે ગેટ બંધ કરી શકીએ છીએ. અને હમણા જ ગેટ બંધ કરાવી દીધો છે. વળતર બાબતે હું કંઇ ના કહી શકું. કોન્ટ્રાક્ટર આવે પછી નક્કી કરશે

નર્મદા કેનાલમાં ગાબડું પડતા 70 વિઘા જમીનમાં ઘૂંટણ સમા પાણી ફરી વળ્યા, પાકને મોટાપાયે નુકસાન થતાં ખેડૂતોની વળતરની માંગ was originally published on News4gujarati