એરપોર્ટ, ગાંધી આશ્રમ અને સ્ટેડિયમની આસપાસના રહીશોને નોકરી અને વિદ્યાર્થીઓને સ્કૂલ-કોલેજ જવા તકલીફ વેઠવી પડશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમને ધ્યાનમાં રાખીને એરપોર્ટથી 32 કિલોમીટરના રોડ સોમવારે સવારે 8 વાગ્યાથી વાહનચાલકો માટે બંધ રાખવામાં આવ્યા છે. જેના કારણે નોકરી – ધંધે જવામાં તેમજ સ્કૂલ – કોલેજોમાં જવા માટે લોકોને ભારે હાડમારી ભોગવવી પડશે. જો કે ખાસ કરીને સ્કૂલના બાળકો રસ્તામાં ક્યાંય અટવાય નહીં તે માટે પોલીસે રોડ શોના રૂટ ઉપર તેમજ એરપોર્ટ, ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની આસપાસની સ્કૂલના સંચાલકો સાથે મિટિંગ કરીને બાળકોને કાર્યક્રમ પૂરો ન થાય ત્યાર સુધી ઘરે નહીં જવા દેવા જણાવ્યું છે.
આ વિશે વાત કરતા પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ – મોદીના રોડ શોના રૂટ ઉપર તેમજ ગાંધી આશ્રમ, મોટેરા સ્ટેડિયમની આસપાસના પ્રતિબંધિત રસ્તાઓ ઉપર મોટી સંખ્યામાં સ્કૂલો આવેલી નથી. તેમ છતાં પણ જે સ્કૂલો આવેલી છે તે તમામ સ્કૂલના સંચાલકો સાથે મિટિંગ યોજી હતી. જેમાં ખાસ કરીને રોડ શો પૂરો ન થાય ત્યારસુધી બાળકોને સ્કૂલમાં જ બેસાડી રાખવા જણાવ્યું હતું.
જોકે રોડ શોના સમય સિવાયમાં સ્કૂલ વાન અને સ્કૂલ બસોને નહીં રોકવા માટે રોડ ઉપર તહેનાત પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું હતું. આ તમામ રૂટના પોલીસ બંદોબસ્તને કારણે રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
વિદ્યાર્થીઓને હોલ ટિકિટ બતાવવી પડશે
એરપોર્ટ અને રોડ શોના રૂટ ઉપર સીબીએસસીની 4 સ્કૂલો આવેલી છે. કે જ્યાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે. જેથી પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને થોડાક વહેલા સ્કૂલમાં પહોંચી જવા પોલીસે અપીલ કરી છે, આ સાથે પરીક્ષાર્થીએ હોલ ટિકિટ ફરજિયાત સાથે રાખવી પડશે.

નમસ્તે ટ્રમ્પ – રોડ શો વખતે બાળકોને સ્કૂલમાં જ બેસાડી રાખવા માટે સૂચના was originally published on News4gujarati