- અધિકારીઓ વચ્ચે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો
- DySP સરકારી ગાડીમાં પુત્રને લાવ્યા હતા
- એરપોર્ટથી આશ્રમ તેમજ સ્ટેડિયમ સુધી 2 દિવસથી રિહર્સલ
મોટેરા સ્ટેડિયમના મુખ્ય દરવાજા પાસે જામનગર અને ભાવગરના ડીવાયએસપી વચ્ચે ઘર્ષણ બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો છે. પરંતુ અમદાવાદના ઝોન ડીસીપી ધર્મેન્દ્ર શર્મા વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
જામનગરના ડીવાયએસપી એ.બી. સૈયદ સરકારી ગાડીમાં મોટેરા સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ માર્ગે આવ્યા હતા. આથી દરવાજા પાસે ઊભેલા ડીવાએસપી ડી.એમ. વ્યાસે તેમને ગાડી પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરવા કહ્યું હતું. આથી ડીવાયએસપી સૈયદ અને તેમનો પુત્ર ગાડીમાંથી બહાર આવ્યા હતા. તેમના પુત્રનો પાસ ન હોવાથી વ્યાસે તેમને અટકાવ્યા હતા. જેના કારણે સૈયદ ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે, મારો પુત્ર સાથે છે તેને સ્ટેડિયમમાં લઇ જવો છે. પરંતુ ફરજ બજાવી રહેલા વ્યાસે પણ પોતે ડીવાયએસપી હોવાનું જણાવી ફરજના ભાગે રૂપે તમારા પુત્રને પાસ નહીં હોવાથી અંદર જવા ન દેવાની સૂચના આપી હતી.
રોડ બંધ રહેતા એરપોર્ટ પર મુસાફરો 30 મિનિટ મોડા પડ્યા
ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી સોમવારે અમદાવાદ આવી રહ્યા છે. ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી એસપીજી, એનએસજી સહિત ઉચ્ચ સુરક્ષા અધિકારીઓના કાફલા સાથે બે દિવસથી એરપોર્ટથી ગાંધી આશ્રમ તેમજ મોટેરા સ્ટેડિયમ સુધી રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ દરમિયાન એરપોર્ટ તરફ આવતા જતા રોડ બંધ કરી દેવાતા પેસેન્જરોને હાલાકી પડી હતી જેના પગલે અનેક ફ્લાઈટો પણ 15 મિનિટથી 30 મિનિટ સુધી મોડી પડી હતી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા ટ્રમ્પના રૂટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. તો સાથેસાથે કોન્વોય અને પોલીસ કાફલા સાથે રિહર્સલ પણ બે દિવસથી કરવામાં આવી રહ્યું છે .
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રીનો સોમવારે રોડ શૉ યોજાવાનો હોવાથી તેની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે રિહર્સલ શરૂ થતાં પહેલાં જ એરપોર્ટથી તાજ સર્કલ અને ત્યાંથી ઇન્દિરા બ્રિજ મોટેરાવાળો રોડ બંધ કરી દેવામાં આવે છે. એ જ રીતે તાજ સર્કલથી ગાંધી આશ્રમ સુધીનો રોડ પણ બંધ કરી દેવાતા ફ્લાઇટ પકડવા આવતા પેસેન્જરોને પણ મોડું થયું હતું. જેના પગલે અનેક ફ્લાઇટો પણ મોડી પડી હતી.
એરપોર્ટ પર બે ફ્લાઇટ કેન્સલ, 2 લેટ
રવિવારે સાંજે અમદાવાદથી જયપુર જતી અને જયપુરથી અમદાવાદ આવતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ટેક્નિકલ કારણસર કેન્સલ કરવામાં આવી હતી. જોકે એરલાઇન્સ દ્વારા અગાઉથી જ આ બન્ને ફ્લાઇટના પેસેન્જરોને જાણ કરી દેવામાં આવી હતી. વધુમાં એર ઇન્ડિયાની લંડનથી અમદાવાદ આવતી ફ્લાઈટ 1 કલાક અને સ્પાઈસ જેટની ભોપાલથી અમદાવાદ આવતી ફ્લાઈટ 1.40 કલાક જેટલી મોડી પડી હતી.
પાસ વિના પુત્રની એન્ટ્રી મુદ્દે 2 DySP વચ્ચે ઘર્ષણ, રોડ શોના રિહર્સલના કારણે લોકો અટવાયા was originally published on News4gujarati