• પ્રશાંત ભૂર્ગભમાં ઉતરી ગયા બાદ પોલીસે શોધખોળ હાથ ધરી હતી
  • પોલીસે પ્રશાંત ઉપાધ્યાયને ચીખલી નજીક માલવાળા ગામ પાસેથી ઝડપી પાડ્યો

21.80 લાખની છેતરપિંડીના કેસમાં વારસીયા પોલીસે બગલામુખી મંદિરના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ચીખલી નજીક માલવાળા ગામ પાસેથી ધરપકડ કરી છે. અને પોલીસે પ્રશાંત ઉપાધ્યાયની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે ટીમો બનાવીને પ્રશાંતની શોધખોળ હાથ ધરી હતી
વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલા બગલામુખી બ્રહ્માસ્ત્ર મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય સામે વારસિયા પોલીસમાં વેપારી પાસેથી 21.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઉપરાંત બગલામુખી મંદિરમાં રહેતો યુવક છેલ્લા 3 વર્ષથી રહસ્યમય રીતે ગુમ થતાં તેની માતાએ બગલામુખી મંદિરના ગુરૂ પ્રશાંત ઉપાધ્યાય, કિરણબેન ગુરૂમુખ અને કોમલ ઉર્ફે પીંકી ગુરૂમુખભાઇ સામે વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પ્રશાંત ઉપાધ્યાયે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે આગોતરા જામીન નામંજૂર થયા બાદ પ્રશાંત ઉપાધ્યાય પોલીસ પકડથી બચવા માટે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વારસીયા પોલીસે ટીમો બનાવીને પ્રશાંત ઉપાધ્યાયની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, પ્રશાંત મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવી રહ્યો છે, જેથી પોલીસે વોચ ગોઠવી તેનો પીછો કરીને ચીખલી નજીક નેશનલ હાઇવે પર માલવાળા ગામ પાસે આવેલી રીચા રેસ્ટ્રો એન્ડ ડિલાઇટ ફૂડ હોટલ પાસેથી પાખંડી પ્રશાંત ઉર્ફે ગુરૂજી મહેશચંદ્ર ઉપાધ્યાયની ધરપકડ કરી હતી.
પ્રશાંતના વીડિયો પણ વાયરલ થયા હતા
બગલામુખી મંદિરના પાંખડી પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ અને પુરૂષો સાથે ગરબા રમતો વીડિયો વાયરલ થયો હતો. તે પહેલા પ્રશાંત ઉપાધ્યાયનો મહિલાઓ પાસે દૂધ અને પાણીથી પગ ધોવડાવતો વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત પ્રશાંત ઉપાધ્યાય સામે તેના અનુયાયીઓએ અનેક આક્ષેપો કર્યાં હતા.

21.80 લાખની છેતરપિંડીના કેસમાં પોલીસે બગલામુખી મંદિરના પ્રશાંત ઉપાધ્યાયની ધરપકડ કરી was originally published on News4gujarati