મંદિરના ગુરૂજીએ જમાઇને મદદ કરવા માટે વેપારી અનુયાયીને ભલામણ કરી હતી

વડોદરા શહેર નજીક આવેલા દાદા ભગવાન મંદિરના ગુરૂજીના જમાઇએ મુંબઇના વેપારી પાસેથી મિલકત ખરીદવાના નામે રૂપિયા 5.84 કરોડ લીધા હતા. સમય મર્યાદામાં નાણાં પરત નહીં કરનાર દાદા ભગવાન મંદિરના ગુરૂના જમાઇ સહિત બે વ્યક્તિ સામે વેપારીએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે.
વેપારીને ગુરૂજી સાથે પારિવારીક સંબંધો હતા
વડોદરા ક્રાઇમ બ્રાંચમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે અલ્કેશભાઇ કાંતિલાલ પટેલ મુંબઇમાં બી-2, 401, કમલાનગર, એમ.જી. રોડ, કાંદીવલી, વેસ્ટ મુંબઇમાં રહે છે. અને એગ્રી કોમોડિટી એક્સપોર્ટના નામે મુંબઇમાં જ વ્યવસાય કરે છે. અને અમૃત્વ એક્સપોર્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ જી-6, સુધન એપાર્ટમેન્ટ, ઇલોરા પાર્ક ખાતે રહેતા અને દાદા ભગવાન મંદિરના આધ્યાત્મિક ગુરૂ કનુભાઇ કાંતિલાલ પટેલના સત્સંગમાં અવાર-નવાર જતા હતા. કનુભાઇ પટેલને તેઓ કનુદાદા તરીકે બોલાવતા હતા. અને સત્સંગમાં જતા હોવાથી પારિવારીક સબંધો બંધાયા હતા.
ગુરૂજીએ તેમના જમાઇને મદદ કરવા માટે વેપારીને કહ્યું હતું
ગુરૂ કનુદાદાએ વેપારી અલ્કેશભાઇ પટેલને જણાવ્યું હતું કે, મારા જમાઇ બિપીનભાઇ બાબુલાલ પટેલ(રહે. એ-3, વૃંદાવન બંગલોઝ, પ્રમુખ સ્વામી નગર, જુના પાદરા રોડ, વડોદરા) કોર્ટ લિકવીડેટેડ પ્રોપર્ટી ખરીદ કરીને વેચવાનો વ્યવસાય કરે છે. તેઓએ ઘણું રોકાણ કરેલું છે. તેઓએ મોટી પ્રોપર્ટી ખરીદી છે. તેઓને પ્રોપર્ટી છોડાવવા માટે નાણાંની જરૂરીયાત છે. તેઓને મદદ કરજો. ગુરૂજી કનુદાદાની ભલામણથી વેપારી અલ્કેશભાઇ પટેલ ગુરૂજીના ઘરે ગયા હતા. અને જમાઇને મળી વિગતો સમજી હતી. તે બાદ તેઓએ નાણાં આપવાની તૈયારી બતાવી હતી.
ગુરૂજીના કહેવાથી રૂપિયા 5,84,50,000ની વેપારીએ મદદ કરી હતી
દરમિયાન ગુરૂજીના કહેવાથી રૂપિયા 5,84,50,000ની વેપારી અલ્કેશભાઇ પટેલે મદદ કરી હતી. બિપીનભાઇ પટેલે આ નાણાં જમીનનું કામ એક-દોઢ વર્ષમાં પુરું થયા બાદ પરત કરવાની ખાત્રી આપી હતી. અને વેપારી અલ્કેશભાઇ પટેલને વિશ્વાસમાં લેવા માટે કોર્ટ, કલેક્ટરના પ્રોપર્ટીના બનાવટી ઓર્ડરો બતાવ્યા હતા. અને બીજી મિટીંગમાં બિપીનભાઇ પટેલે તેમની સાથે પ્રોપર્ટીના વ્યવસાયિક ભાગીદાર અબ્દુલ રહેમાન જાફરી (રહે. 901, પવનવીર એપાર્ટમેન્ટ, પ્રતાપગંજ, વડોદરા) સાથે અલ્કેશભાઇની ઓળખાણ કરાવી હતી.
અબ્દુલ રહેમાન જાફરીઁ સામે અગાઉ પણ છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી
ઉલ્લેખનિય છે કે, અબ્દુલ રહેમાન જાફરીઁએ (રહે. 901, પવનવીર એપાર્ટમેન્ટ, પ્રતાપગંજ, વડોદરા) આણંદમાં શ્રીનાથજી કૃપા સોસાયટીમાં રહેતા અમિત રમણીકલાલ મોટાણીને અટલાદરાની મિલક વેચાણ આપવા માટે રૂપિયા 50 લાખમાં સોદો કર્યો હતો. અને તે મિલકત વેચાણ પેટે રૂપિયા 40 લાખ લઇ બાનાખત કરી આપ્યો હતો. બાદમાં આ મિલકત બીજાને વેચીને છેતરપિંડી કરી હતી. જે ગુનામાં ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી. જે બાદ તેઓ સામે વધુ એક ફરિયાદ નોંધાઇ છે.
બિપીનભાઇ પટેલ અને અબ્દુલ જાફરી સામે છેતરપિંડીની ફરિયાદ
અમૃત કોમોડીટી પ્રા.લિ.ના એમ.ડી. કલ્પેશભાઇ પટેલની ફરિયાદના આધારે ક્રાઇમ બ્રાંચે દાદા ભગવાન મંદિરના ગુરૂજી કનુભાઇ (કનુદાદા) પટેલના જમાઇ બિપીનભાઇ પટેલ અને અબ્દુલ જાફરી સામે છેતરપિંડી-વિશ્વાસઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

દાદા ભગવાન મંદિરના ગુરૂજીના જમાઇએ વેપારી પાસેથી 5.84 કરોડની છેતરપિંડી કરતા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ was originally published on News4gujarati