• પોલીસની એડવાઈઝરી મુજબ ટિકિટ બતાવવા છતાં જવા ન દેવાયા
  • અમદાવાદથી જતી 40 ફ્લાઈટમાં સરેરાશ 10 પેસેન્જર મોડા પડ્યા

ટ્રમ્પ-મોદીના રોડ-શો અને સ્ટેડિયમના કાર્યક્રમને લીધે એરપોર્ટ રોડ તેમજ અન્ય રોડ બંધ કરી દેવાતા 400 પેસેન્જર સમયસર એરપોર્ટ પહોંચી ન શકતા ફ્લાઈટ ચૂકી ગયા હતા. લગભગ 40 ફ્લાઈટમાંથી દરેકમાં સરેરાશ 10થી 12 પેસેન્જર મોડા પડ્યા હતા.
એરપોર્ટથી તાજ સર્કલ સુધીનો રોડ બંધ હોવાથી અન્ય શહેરમાંથી ફ્લાઈટ મારફતે અમદાવાદ આવેલા લોકોએ લગેજ સાથે સર્કલ સુધી ચાલતા આવવું પડ્યું હતું. રાજકોટથી દુબઈ જવા એક પરિવારના ચારથી પાંચ સભ્યોએ પોલીસની એડવાઈઝરી મુજબ ટિકિટની ફોટોકોપી સાથે રાખી હતી. પરંતુ પોલીસે રોડ-શો પૂરો ન થાય ત્યાં સુધી તેમને ડફનાળા પાસે જ રોકી રાખ્યા હતા. અંદાજે 100 પેસેન્જરોએ તો એરપોર્ટ જવા કે આવવા 3 કિલોમીટરથી વધુ ચાલવું પડ્યું હતું.
તમામ એરલાઈન્સે ફ્લાઈટ પકડવા પેસેન્જરોને 3 કલાક વહેલા આવી જવા સૂચના આપી હતી. આને કારણે એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવો માહોલ થઈ ગયો હતો.
એરપોર્ટ પર રેલવે સ્ટેશન જેવાં દૃશ્યો જોવાં મળ્યાં
3 કલાક વહેલા આવવાને કારણે એરપોર્ટ પર ભીડ થઈ ગઈ હતી. જ્યારે રોડ બંધ હોવાથી બહારથી આવેલા કે બહાર જતાં પેસેન્જરોએ લગેજ સાથે 3 કિલોમીટર જેટલું ચાલવું પડ્યું હતું.

નમસ્તે ટ્રમ્પ – 400 પેસેન્જર ફ્લાઈટ ચૂક્યા, 100એ એરપોર્ટ પહોંચવા 3 કિમી ચાલવું પડ્યું was originally published on News4gujarati