• મુંબઇથી પોલીસના બાતમીદારે તેનો પીછો કર્યો અને વારસિયા પોલીસ ટીમ  સામેથી પ્રશાંતની નજીક પહોંચી  હતી
  • પ્રશાંતના લોકેશનની માત્ર ઉચ્ચ અધિકારીઓ અને પીઆઇ સહિત ચાર જણાને જ જાણ હતી
  • અનુયાયીઓને જણાવાયું, સારવાર માટે આવ્યા છે

ઠગાઇમાં સંડોવાયેલા બગલામુખી મંદિરના પ્રશાંતને શોધવા પોલીસે આકાશ પાતાળ એક કર્યાં હતાં. વારસિયા પીઆઇ એસ.એસ.આ્નંદને રવિવારે સાંજે સાડા પાંચ વાગે પાકી બાતમી મળી હતી કે પ્રશાંત મુંબઇથી નીકળી ગુજરાત તરફ આવી રહ્યો છે. પોલીસનો બાતમીદાર મુંબઇથી તેનો પીછો કરતો હતો. પીઆઇ આનંદે તુરત જ ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કર્યા બાદ પોતે ક્યાં જાય છે તેની જાણકારી કોઇને પણ ના મળે તે માટે પોતાની કાર લઇને ઘેર જઇ સાદાં કપડાં પહેરીને મકાન બંધ કરી ખાનગી વાહનમાં બેસી શહેરની બહાર જવા નિકળ્યા હતા.

બાતમી મુજબ પોલીસે યુટર્ન લીધો
તેમણે પોતાની ટીમના ચાર જવાનોને પણ ફોન કરી અલગ અલગ સ્થળોએ ગયા બાદ ઝડપથી હાઇવે પર આવવા જણાવ્યું હતું. પોલીસની તમામ હરકતો પર નજર રાખી રહેલા તેના જાસૂસોને ગંધ ના આવે તે માટે પોલીસે આ કીમિયો અજમાવ્યો હતો. પોલીસ મથકમાં પણ કોઇ પણ કર્મીને પોઇ ક્યાં છે તેની ખબર ન હતી. પીઆઇ આનંદ અને ટીમના સભ્યો બે વાહનો દ્વારા હાઇવે પર ભેગા થઈ વાપી તરફ જવા રવાના થયા હતા. વાપી પહોંચ્યા બાદ તેમને ફરીથી ફોન આવ્યો હતો કે પ્રશાંત વાપી અને ચીખલી વચ્ચેની હાઇવે હોટલ પર ઉભો છે. જેથી પોલીસની ગાડીઓએ યુ ટર્ન લઇ બાતમી મુજબની હાઇવે હોટલ પર પહોંચી હતી.

પોલીસે વડોદરા,પૂણે મુંબઇના બધા અનુયાયીના જવાબ લીધા
પ્રશાંતને શોધતી પોલીસે વડોદરાના અનુયાયીઓનાં નિવેદન લઇ તેનું લોકેશન જાણવાનો પ્રયાસ કર્યો હતો. પૂછપરછમાં મુંબઇના અનુયાયીનું નામ મળ્યા બાદ તેનું સરનામું પણ મળ્યું હતું. ત્યારબાદ પુણેના અનુયાયીનું પણ સરનામું મેળવાયું હતું અને તમામની પૂછપરછ કરી હતી. પ્રશાંત મુંબઇમાં હરજી પટેલના ફ્લેટમાં તમામ સુવિધાઓ સાથેના રૂમમાં રોકાયો હતો.જયાં પ્રશાંતે મંદિર પણ બનાવ્યું છે. મુંબઇના માત્ર જૂજ અનુયાયીઓને જાણ હતી કે તેની સામે ગુનો દાખલ છે.તેમને જણાવાયું હતું કે સારવાર માટે તે મુંબઇ આવ્યો છે.

પ્રશાંતના પાકીટમાં પાદુકા અને મૂર્તિ તથા રૂ. 1200 મળ્યા
પોલીસે પ્રશાંતની ધરપકડ કર્યા બાદ તેની તલાશી લેતાં તેની પાસેથી મોબાઇલ ફોન મળ્યો હતો. જો કે તેનું પર્સ ચકાસવામાં આવતાં તેમાં બગલામુખી પાદુકા તથા એક નાની મૂર્તિ તથા 500 રૂપિયાની બે નોટ અને 200 રૂપિયાની 1 નોટ મળી હતી. એમ આધારભુત પોલીસ સૂત્રોએ જણાવ્યું હતુ્ં.

પ્રશાંતને ભાગવામાં મદદ કરનારાઓ સામે પણ તપાસ
પ્રશાંત ભાગી છૂટ્યા બાદ તેને મદદ કરનારાઓની પણ તપાસ કરાશે તેને કોણે આર્થિક મદદ કરી હતી અને વાહન પૂરાં પાડ્યાં હતાં તેની ઉંડી તપાસ કરાયા બાદ મદદગારી કરનારાઓ સામે તપાસ કરાશે.પ્રશાંતે વડોદરાના બિલ્ડર અનુયાયીની સ્ક્વોડા કારનો ભાગવામાં ઉપયોગ કર્યો હતો. પોલીસ આ કારનો કબજાે લેશે.

મંદિરના સીસી ટીવી ડીવીઆર ગાયબ
પ્રશાંતની ધરપકડ કર્યા બાદ હવે તેની સામે ઠગાઇના કેસની તપાસ ઉપરાંત તેનો સેવક કલ્પેશ ગુમ થવાની તપાસ તથા તેની 2 મહિલા અનુયાયીઓએ કરેલી છેતરપિંડીની અરજીની તપાસ કરવામાં આવશે તેમ ડીસીપી ઝોન-4 અચલ ત્યાગીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્રશાંત સામે ગુનો નોંધાયા બાદ બગલામુખી મંદિરમાં તપાસ કરાઇ હતી અને ત્યાં લગાવાયેલા સીસી ટીવી કેમેરાનું ડીવીઆર ગાયબ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેથી આ બાબતે પણ તપાસ કરવામાં આવશે.

પ્રશાંતના જાસૂસોને ચકમો આપવા PI અને ટીમ હાઈવે પર ભેગાં થયાં was originally published on News4gujarati