- ઇન્કમટેક્સ પાસે વૃદ્ધની ચેન ખેંચાઈ, સાબરમતીમાં યુવક લૂંટાયો
- પાલડીમાં મહિલાનું પર્સ ઝૂંટવી બાઇકસવાર ફરાર
શહેરમાં સોમવારે અલગ અલગ વિસ્તારોમાં ચેન સ્નેચિંગ અને લૂંટની ઘટનાઓ બની હતી. સાબરમતીમાં બાઇક પર જઈ રહેલા એક યુવકને ખેંચીને જમીન પર પછાડી ત્રણ અજાણ્યા યુવકો તેની પાસેથી રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા, જ્યારે ઇસનપુર વિસ્તારમાં એએમટીએસ બસમાં પરિવાર સાથે મુસાફરી કરી રહેલા સિનિયર સિટીઝનના ગળામાંથી એક દંપતી સોનાની ચેન ખેંચી ગયું હતું. એ જ રીતે પાલડી વિસ્તારમાં પણ શારદામંદિરથી ધરણીધર દેરાસર જવાના રોડ પરથી એક્ટિવા પર પસાર થઈ રહેલાં શિક્ષિકાનું સોનાના દાગીના ભરેલું પર્સ ઝૂંટવી બાઇકસવરા ફરાર થઈ ગયો હતો. ત્રણેય વિસ્તારોમાં બનેલી લૂંટ અને ચેઇન સ્નેચિંગની ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
યુવકને પટકી ત્રણ અજાણ્યા રોકડ અને સ્કૂટર લૂંટી ગયા
સાબરમતીમાં ચીમનભાઈ બ્રિજ નીચેથી વાહન લઈ પસાર થઈ રહેલા એક યુવકના સ્કૂટરનું સ્ટીયરિંગ પકડી તેને પછાડી ત્રણ અજાણ્યા યુવકો તેના ખિસ્સામાંથી રોકડા રૂ.20 હજાર તથા સ્કૂટર લૂંટી નાસી ગયા હતા. આ અંગે યુવકે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
માધવપુરામાં રહેતા લાલુસિંહ ભેરુસિંહ રાજપૂત (ઉં.વ.24) હઠીસિંગની વાડી પાસે આવેલા ગજરાજ ટ્રાવેલર્સની ઓફિસમાં બુકિંગ ક્લાર્કનું કામકાજ કરે છે. રવિવારે નોકરીએ આવી ભેરુસિંહે બુકિંગ લીધા હતા, જેનો રૂ. 20 હજારનો વકરો લઈ મોડી રાતે લગભગ 1 વાગ્યાના સુમારે તેઓ સાબરમતીના કેશવનગર ખાતે રહેતા તેમના કાકાને ત્યાં જવા જ્યુપિટર લઈને નીકળ્યો હતો.
આ દરમિયાન ચીમનભાઈ બ્રિજ નીચે ત્રણ અજાણ્યા યુવકમાંથી એકે તેમના વાહનનું સ્ટીયરિંગ પકડી લેતાં ભેરુસિંહ નીચે પડી ગયો હતો. જ્યારે અન્ય બે યુવકોએ તેના ખિસ્સામાં મૂકેલા વકરાના રોકડા રૂ.20 હજાર તથા મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. જેને લઈને ભેરૂસિંગે બૂમાબૂમ મચાવતા ત્રણે નાસવા લાગ્યા હતા. તેમનો પીછો કરવા જતા તેઓ નાસી છૂટ્યા હતા. જોકે તે ન પકડતાં જ્યારે ભેરુસિંહ પાછો આવ્યો ત્યારે તેનું જ્યુપિટર પણ ગાયબ હતું, જે આ ત્રણેય લઈ ગયા હોવાનું મનાય છે.
ચેન ખેંચનારી મહિલાને પકડી બસ પોલીસ સ્ટેશન લઈ જવાઈ
ઇસનપુરથી એએમટીએસ બસમાં ગોદરેજ ગાર્ડન સિટી જવા નીકળેલા દંપતી પૈકી મહિલાએ સિનિયર સિટીઝનના ગળામાંથી સોનાનો દોરો ખેંચી તેના પતિને આપી દીધો હતો. જોકે સિનિયર સિટીઝને તે મહિલાને પકડી ડ્રાઇવરને કહીને બસ વાડજ પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી.
ગોદરેજ ગાર્ડન સિટીની બાજુમાં દેવમ ફ્લેટમાં રહેતા પ્રફુલ્લભાઈ મહેડુ પરિવાર સાથે ઇસનપુર ધર્મદેવનગરમાં રહેતા કાકાના દીકરી ક્રિષ્ણાબહેનના ઘરે ગયા હતા. ત્યાંથી તેઓ 72 નંબરની બસમાં ઘરે પાછા આવવા નીકળ્યા હતા. દરમિયાનમાં રાતે 8.45 વાગ્યે બસ ઇન્કમટેક્સ પહોંચી ત્યારે પ્રફુલ્લભાઈની પાછળની સીટમાં બેઠેલી મહિલાએ તેમના ગળામાંથી દોઢ તોલા વજનનો સોનાનો દોરો તોડી લીધી હતો. જોકે પ્રફુલ્લભાઈ અને હેમાબહેનને શંકા જતા હેમાબહેને તે મહિલાને પકડી લીધી હતી અને આ અંગે અન્ય પેસેન્જરો તેમજ ડ્રાઇવર, કંડકટરને જાણ કરી હતી.
દરમિયાન તે મહિલાએ દોરો તેના પતિને આપી દીધો હતો. આથી પ્રફુલ્લભાઈ અને હેમાબહેને બસ પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા ડ્રાઇવર બસ વાડજ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં પોલીસે ચેન સ્નેચર મહિલા પદ્મા અને તેના પતિ રાજુ મીમચંદાણી (વટવા)ની ધરપકડ કરી હતી.
શિક્ષિકાનું દાગીનાથી ભરેલું પર્સ ખેંચી બાઇકસવાર ફરાર
જીવરાજપાર્કમાં નીલધારા સોસાયટીમાં રહેતાં અને ઝાયડસ સ્કૂલ ફોર એક્સેલન્સમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતાં અનિતાબેન પિલ્લાઈ રવિવારે બપોરે તેમના ઘરેથી આંબાવાડી કલ્યાણ જ્વેલર્સ જવા નીકળ્યાં હતાં. કલ્યાણ જ્વેલર્સમાંથી સોનાની બુટ્ટી ખરીદી તેઓ ઘરે પાછાં ફરવા માટે એક્ટિવા લઈ નીકળ્યાં હતાં. આ સમયે તેમના પર્સમાં જૂના દાગીના પણ હતા, જેમા સોનાની બંગડીઓ, સોનાનું કડું, સોનાના સિક્કા હતાં. અનિતાબેન એક્ટિવા લઈ પાલડી શારદામંદિરથી ધરણીધર દેરાસર જવાના રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક બાઇકચાલક એક્ટિવાના ફૂટરેસ્ટ પાસે મૂકેલું પર્સ લૂંટી નાસી ગયો હતો. અનિતાબેને કુલ રૂ. 3.65 લાખની મત્તાની લૂંટ અંગે અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાબરમતી-પાલડીમાં લૂંટ, આશ્રમ રોડ પર બસમાં સ્નેચિંગ was originally published on News4gujarati