• નકલી પોલીસે દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી આપી ખંડણી માંગી
  • અમદાવાદના યુવકને કામરેજ બોલાવી યુવતી સાથે ફોટા પાડી લીધા

અમદાવાદનાં શખ્સને મોબાઇલ પર સંપર્ક સાધી કામરેજ બોલાવ્યો હતો. વલથાણ કેનાલ રોડથી પરવટ પાટીયા જતા રોડ પરના ખેતરનાં મકાનમાં ગોંધી કપડા ઉતારી યુવતી સાથે મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. ત્યારબાદ પોલીસનો દમ મારી 10 લાખ માંગી 62 હજાર રૂપિયા પડાવી લીધા હતાં. જે અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના યુવકે ફોનમાં કહ્યું હતું કે, સુરત આઓ ખાયેંગે પીયેગે ઓર એશ કરેંગે.

અમદાવાદના યુવકને યુવતીએ ફસાવ્યો

કામરેજ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ અમદાવાદની લોહીયા કોર્પમાં માસ્ટર ટેક્નિશિયન તરીકે નોકરી કરતા વિરેન્દ્ર પ્રતાપસિંગના મોબાઈલ પર તા. 1-1-2020 નાં રોજ ફોન આવ્યો હતો. જેમાં હિંદી ભાષામાં સીમા નામની એક સ્ત્રી બોલતી હતી. તેણે જણાવ્યું હતું કે, આપણે એક વખત ટ્રેનમાં મળેલા હતાં, તમે ભૂલી ગયા. તેમ કહીં વાતની શરૂઆત કર્યા બાદ અવારનવાર સુરત આવવા જણાવતી હતી. સુરત આઓ ખાયેંગે પીયેંગે ઓર એશ કરેંગેનું કહી લલચાવતા વિરેન્દ્ર મારે સેલવાસ દમણ આવવાનું થાય ત્યારે જણાવીશ. 22-1-2020ના રોજ કંપનીના કામે સેલવાસ જવાનુ થતા વિરેન્દ્રએ સીમાને ફોન કરી જણાવેલ કે હું સેલવાસ જવાનો છું, તારે ફરવા આવવું હોય તો આવજે. સીમાએ જણાવ્યું હતું કે મારી બે સહેલીઓ તથા એક છોકરી ફરવા આવવાના છે. તમે કામરેજ ઉતરી જજો. વિરેન્દ્ર તે જ દિવસે અંકલેશ્વરનું કામ પતાવી કામરેજ આવી સીમાને ફોન કરતા સીમાએ નવસારી તરફ જતા પુલને નાકે ઉભા હોવાનું જણાવ્યું હતું.

કપડા ઉતારી ફોટા પાડી લીધા

વિરેન્દ્ર ત્યાં પહોંચતા ગાડી ઉભી હતી અને તેમાંથી એક જાડા બાંધાની સાડી પહેરેલ 40થી 45 વર્ષની યુવચી ઉતરી હતી. તેણે સીમા તરીકેની ઓળખ આપી ગાડીમાં બેસી જવા કહેતા વિરેન્દ્ર આગળની સીટ પર બેસી ગયો હતો. તે વખતે ગાડીમાં 28થી 30 વર્ષની મધ્યમ બાંધાની જીન્સ સ્વેટર પહેરેલી એક બીજી યુવતી તથા 15થી 14 વર્ષની છોકરી હતી અને 30થી 35 વર્ષનાં બે માણસો બેઠેલા હતા. વિરેન્દ્રને ગાડીમાં બેસાડી વલથાણ નહેરથી પરવટ પાટીયા તરફ લઇ જઇ ZEST રેસ્ટોરન્ટ પાસે મહિલાઓ સાથે ઉતારી બંને પુરૂષો ગાડી લઇ ચાલ્યા ગયા હતાં. રેસ્ટોરન્ટમાં સીમા સાથેની મહિલા તથા છોકરી સાથે જમવા ગયા હતા. દરમિયાન ગાડી લઇને પરત આવેલા બંને પુરુષો વિરેન્દ્રને ખેતરનાં મકાનમાં લઇ ગયા હતા અને બે મહિલા તથા એક છોકરી સાથે મકાનમાં પુરી બહારથી દરવાજો બંધ કરી દીધો હતો. બંને મહિલાઓએ વીરેન્દ્ર તથા છોકરીને એક રૂમમાં પુરી દઇ કપડા ઉતારવા જણાવતા વીરેન્દ્રએ ના પાડતા દરવાજો ખોલીને અંદર આવેલા બે પુરુષોએ તમાચા મારી દીધા હતાં. વિરેન્દ્રના કપડા ઉતારતા છોકરી સાથે ઉભા રાખી મોબાઇલમા ફોટા પાડી લીધા હતા.

62 હજાર રૂપિયા પડાવી લીધા

વીરેન્દ્રને ગાડીમાં બેસાડી કડોદરા લવાયો હતો. જ્યાં ઉભા હતા ત્યારે 40થી 45 વર્ષનો એક માણસ પોલીસ તરીકેની ઓળખ આપી આઇ કાર્ડ બતાવ્યો હતો. કારમાં સવાર ઈસમે વિરેન્દ્રને બતાવી આ માણસે મારી બહેન પર દુષ્કર્મ આચર્યું છે તેમ કહી હવે તને પોલીસ મથકે લઈ જવો પડશે જવાનું કહી કામરેજ પોલીસ મથક તરફ લઈ ગયા હતાં. દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વિરેન્દ્ર પાસે 10 લાખની માંગણી કરી હતી. મારી પાસે આટલા રૂપિયા નથી બે લાખ આપીશ કહેતા તેનાં ખીસ્સામાંથી પાકીટ કાઢી લઇ 7000 રૂપિયા કાઢી લીધા હતા. તેમજ કામરેજ ચાર રસ્તા આવી HDFCનાં ATM માંથી 10,000 રૂપિયા ઉપાડી લીધા હતા. ક્રેડિટ કાર્ડથી 45000 રૂપિયા ઉપાડી લઈ કુલ 62,000 રૂપિયા ઉપાડી લીધા હતા. મોબાઈલ ફોનની સ્ક્રીન તોડી નાંખી હતી અને રાત્રિના દોઢ વાગે સુરત જતા રોડ પર ઉતારી ટોળકી ભાગી ગઇ હતી. ત્યારબાદ વિરેન્દ્ર રીક્ષામાં સુરત ગયો હતો આને ત્યાંથી સેલવાસ કંપનીનુ કામ પતાવી તા. 24-1-2020નાં અમદાવાદ પરત ગયો હતો. તેમના દીકરાએ 45000 રૂપિયા ઉપાડવા અંગે પૂછતા વિરેન્દ્ર તેની સાથે બનેલી ઘટના જણાવતા કામરેજ આવી ઉપરોકત લુંટારૂ ટોળકી સામે ફરિયાદ નોંધાવી હતી.

સુરત આઓ ખાયેંગે પીયેંગે ઔર એશ કરેંગે કહી અમદાવાદી યુવકને બંધક બનાવી યુવતી સાથે ફોટા પાડી 10 લાખ માંગ્યા was originally published on News4gujarati