ગો એરની જયપુર-અમદાવાદ ફ્લાઇટ સવારે 9ને સ્થાને સાંજે 5:05 કલાકે રવાના થઇ

– અમદાવાદ-દિલ્હી, જયપુર-અમદાવાદની સવારની ફ્લાઇટના મુસાફરો સાંજ સુધી ટર્મિનલમાં જ બેસી રહ્યા

અમદાવાદને સાંકળતી ગો એરની બે ફ્લાઇટ ૮ કલાક માટે મોડી પડતા મુસાફરોને આજે ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. જેમાં અમદાવાદ-દિલ્હીની ગો એરની ફ્લાઇટ સવારે ૧૦ઃ૫૦ને સ્થાને છેક સાંજે ૭ કલાકે ઉપડી હતી.  ફ્લાઇટ મોડી પડવા અંગે એરલાઇન્સ દ્વારા અગાઉ કોઇ જાણ પણ નહીં કરાતા રોષે ભરાયેલા મુસાફરોએ અમદાવાદ એરપોર્ટમાં હોબાળો મચાવ્યો હતો. 

ગો એરની અમદાવાદ-દિલ્હી ફ્લાઇટ (જી૮-૭૦૧) ફ્લાઇટ સામાન્ય રીતે સવારે ૧૦ઃ૫૦ના રવાના થતી હોય છે. આ ફ્લાઇટ માટે મુસાફરો સવારે ૯થી જ અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા હતા. સિક્યુરિટી સંબધિત પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મુસાફરો ટર્મિનલમાં બેઠા હતા. ફ્લાઇટનો નિર્ધારીત સમય વીતી ગયાના ૧ કલાક બાદ પણ ફ્લાઇટ નહીં આવતા મુસાફરો અકળાયા હતા અને ગ્રાઉન્ડ સ્ટાફ સાથે બોલાચાલી કરી હતી. બંને પક્ષે મામલો બીચકતાં હોબાળો મચી ગયો હતો. આખરે એરલાઇન્સે એમ કહ્યું હતું કે, ‘આ ફ્લાઇટ જયપુરથી આવે છે. પરંતુ ટેક્નિક્લ ખામીને કારણે તે ત્યાંથી ટેક્ ઓફ ખઇ શકી નથી. ‘  આમ, અમદાવાદથી આ ફ્લાઇટમાં સવાર ૧૨૦થી વધુ મુસાફો સાંજે ૭ કલાકે દિલ્હી માટે રવાના થયા હતા. 

જયપુરથી અમદાવાદ આવી રહેલા ગો એરના મુસાફરોને પણ આવી જ હાલાકીનો સામનો કરવો પડયો હતો. તેમાં પણ એરલાઇન્સે ફ્લાઇટ મોડી પડવા અંગે મુસાફરોને કોઇ જાણ કરી નહોતી. જેના કારણે ૧૫૦થી વધુ મુસાફરો અટવાયા હતા. આ ફ્લાઇટમાં સવાર મુસાફર મનિષ દવેએ  જણાવ્યું હતું કે, ‘સવારે ૯ની ફ્લાઇટ હોવાથી અમે ૭ વાગે જ એરપોર્ટ પહોંચી ગયા હતા. અલબત્ત, જયપુર એરપોર્ટમાં પહોંચતા જ જાણ કરાઇ કે આ ફ્લાઇટ સાંજે ૫ વાગે રવાના થશે. ફ્લાઇટ મોડી હોવા છતાં એરલાઇન્સ કંપની દ્વારા રહેવાની વ્યવસ્થા કરવા અંગે હાથ ઊંચા કરી દેવાયા હતા. ‘ આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય સવારે ૧૦ઃ૧૫ને સ્થાને સાંજે ૬ઃ૨૯ના અમદાવાદ આવી હતી. આજે અમદાવાદની બે ઇન્ટરનેશનલ સહિત કુલ ૨૫ ફ્લાઇટના શેડયૂલ ખોરવાયા હતા.

અમદાવાદ-દિલ્હીની ફ્લાઇટ 8 કલાક મોડી પડી : મુસાફરોએ એરપોર્ટમાં હોબાળો મચાવ્યો was originally published on News4gujarati