– મ્યુનિ.વિપક્ષ નેતા બદલવા ધાક-ધમકીનો સહારો લેેવાયાનો આક્ષેપ

– કોંગ્રેસના કોર્પોરેટરોએ વિપક્ષનેતા યથાવત રાખવા નેતાગીરી સમક્ષ રજૂઆત કરી

મ્યુનિ.ની સામાન્ય ચૂંટણી અગાઉ છ માસ જેટલો સમય બાકી રહ્યો છે.મ્યુનિ.કોંગ્રેસમાં વિપક્ષનેતા બદલવા મામલે બે ભાગ પડયા છે.કોંગ્રેસના પાંચથી વધુ કોર્પોરેટરોએ પ્રદેશ નેતાગીરીને વિપક્ષનેતા યથાવત રાખવા સાથે તેમને આગામી ચૂંટણીમાં ટીકીટ ન આપવાની ધમકી આપી વિપક્ષનેતાને બદલવાના પત્રમાં સહીઓ કરાવી હોવાની રજુઆત કરતા કોંગ્રેસમાં નેતા બદલવાને લઈ ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે.

૧૭ અને ૧૮ ફેબુ્રઆરીના રોજ મ્યુનિ.ની ખાસ બજેટ બેઠક મળી હતી.આ બેઠકના પ્રથમ દિવસે કોંગ્રેસના ૪૮માંથી ૩૩ જેટલા કોર્પોરેટરોની મ્યુ.વિપક્ષનેતા દીનેશશર્માને બદલવાની માંગ કરતો પત્ર ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સમક્ષ રજુ કરાતા સાતવ પણ કસમયે થયેલી રજુઆતથી ભડકયા હતા.વિપક્ષનેતાને બદલવાની માંગ કરવા ગયેલા કોર્પોરેટરોને સાતવે સાફ શબ્દોમાં કહ્યુ હતુ કે,હાલ તમે બધા બજેટ બેઠકમાં હોવા જોઈએ એના બદલે અહીં વિપક્ષનેતાને બદલવાની રજુઆત કરવા કોના કહેવાથી આવ્યા છો?એમ કહી તમામને પાછા મોકલી દીધા હતા.

આ ઘટના ક્રમના એક સપ્તાહ બાદ ફરી એકવાર વિપક્ષનેતા બદલવાને લઈ કોંગ્રેસમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો છે.

કોંગ્રેસના ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડના મહીલા કોર્પોરેટર ઈલાક્ષી પટેલે જે પત્ર સાતવને અપાયો હતો એમાં એમની સહી જ ન હોવાનો આક્ષેપ કર્યો છે.લાંભા વોર્ડના પલક પટેલ,સરખેજ વોર્ડના નફીસાબેન અન્સારી,મકતમપુરાના સુહાનાબેન અને જમાલપુર વોર્ડના અઝરાબાનુ કાદરીએ કોંગ્રેસના શહેર કોટડા અને બાપુનગરના ધારાસભ્યો દ્વારા જો પત્રમાં સહી નહી કરો તો આગામી મ્યુનિ.ની ચૂંટણીમાં તમને ટીકીટ નહીં મળે એવી ઉપરથી સાહેબની સુચના હોવાનુ કહી સહીઓ કરાવાઈ હોવાની નેતાગીરી સમક્ષ લેખિત રજુઆત કરી વિપક્ષનેતાને છ મહીના બાકી હોઈ યથાવત રાખવા રજુઆત કરી છે.

કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરોએ આવી બળજબરીથી સહી કરાવી

જમાલપુરના કોંગ્રેસના કોર્પોરેટર અજરા કાદરીએ એક વાતચીતમાં કહ્યુ, મારા ઘરે એક ફંકશન હતુ એ સમયે કોંગ્રેસના કોર્પોરેટરો કમળાબેન,રમીલાબેન અને ટીનાભાઈ આવ્યા હતા.હુ ફંકશનમાં હતી,મેં પુછયુ પણ ખરુ શેની સહી કરાવો છો?મને કહેવાયુ,અત્યારે તુ સહી કરી દે પછી વાત.મેં તપાસ કરી તો વિપક્ષનેતાને બદલવાની વાત હતી.મેં તરત નેતાગીરીને જાણ કરી હતી કે,મને નેતા બદલવામાં કોઈ રસ નથી.આજે અમે શહેર પ્રમુખ શશીકાંત પટેલને પાંચથી વધુ કોર્પોરેટરોએ મળી   નેતા ન બદલવા અંગે રજુઆત કરી છે.

માણસોને ઘેર મોકલી સહીઓ લેવાઈઃ વિપક્ષનેતા

વિપક્ષનેતાને બદલવાની માંગ અને તરફેણની વચ્ચે મ્યુ.વિપક્ષનેતા દીનેશશર્માએ પ્રતિક્રીયામાં કહ્યુ,કોર્પોરેટરોને ધાક-ધમકી આપવાની સાથે તેમના ઘરે માણસો મોકલી સહીઓ લેવામાં આવી છે.પણ કોર્પોરેટરો નેતા બદલવા ન ઈચ્છતા હોવાની લેખિત રજુઆત કરાઈ છે.ઈલાક્ષી બેનની તો ખોટી સહી કરાઈ છે.

કોંગ્રેસના ધારાસભ્યોએ ટીકીટ ન આપવાનું કહી પત્રમાં સહીઓ કરાવી હોવાની રજૂઆત was originally published on News4gujarati