– રાજ્યમાં હીરા અને કાપડ સહિતના ઉદ્યોગો પડી ભાંગ્યા છે ત્યારે

– જીએસટીની ઝંઝટ અને કરવેરાનો કકળાટ ઉકેલવામા બજેટ નિષ્ફળ નિવડશે કુલ વેરાઆવક 42 ટકા અને જીએસટીની અપેક્ષિત આવક 49 ટકા ઘટી

ગુજરાત સરકારે આજે વિધાનસભામાં જાહેર કરેલા ૨૦૨૦-૨૧ના બજેટને કોંગ્રેસે આભાસી ચિત્ર ગણાવ્યુ છે અને ગુજરાતના અટકેલા ગ્રોથ એન્જિનને ફરી દોડાવવા માટે નિષ્ફળ બજેટ હોવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે વિરોધ કરતા ફરીયાદ ઉઠાવી છે કે આ બજેટ જીએસટીની ઝંઝટ અને કરવેરાના કકળાટનો ઉકેલ લાવવામાં નિષ્ફળ નિવડશે.

વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ કે  ગુજરાતનું ગ્રોથ એન્જિન હાલ અટકી ગયુ છે ત્યારે લોકોને અને વેપારીઓને  આ બજેટથી ગ્રોથ ફરી દોડશે તેવી આશા હતી પરંતુ તે આશા ઠગારી નિવડી છે. સરકારે બજેટમાં મોટા ઉપાડે ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ દ્વારા ઉદ્યોગોને વેગ મળવાની અને દર મહિને ૧૬૦૦૦ મીડિયમ એન્ડ સ્મોલ ,માઈક્રો એન્ટપ્રાઈઝ- નાના-લઘુ ઉદ્યોગો નોધાતા હોવાની વાતો કરી છે ત્યારે હાલ રાજ્યમાં ઉદ્યોગોની પરિસ્થિતિ એવી થઈ છે કે ૫૫ હજાર નાના-મોટા ઉદ્યોગો મૃતપાય થયા છે. મોરબી-થાનનો સિરામિક ઉદ્યોગ,  સુરત અને અમદાવાદનો હીરા ઉદ્યોગ તેમજ કાપડ ઉદ્યોગ, સુરેન્દ્રનગરનો ફાર્મા અને ટેક્સટાઈલ પાર્ટ ઉદ્યોગ  ,જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ, તથા રાજકોટનો ઓઈલ એન્જિન એન્ડ લોખંડ ઉદ્યોગ હાલ પડી ભાંગ્યો છે. ભાજપ સરકાર માત્ર વાયબ્રન્ટ સમિટિમાં અબજો રૂપિયાના મુડી રોકાણના અને લાખો રોજગારીના દાવા કરે છે પરંતુ  બરોજગારી વધી રહી છે. બજેટને લઈને કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યુ કે હાલ કુવો ખાલી છે અને અવેડો ભરવાનું આભાસી ચિત્ર ભાજપ સરકાર દ્વારા ગુજરાતની જનતા સામે ઉભુ કરવામા આવ્યુ છે.  

ડિસેમ્બર સુધીમાં ૪૨ ટકા જેટલી કુલ કરઆવકો ઘટી છે ઉપરાંત ૪૯ ટકા સુધી જીએસટીની અપેક્ષિત આવકો ઘટી છે ત્યારે આવક ઘટી છે અને બીજી બાજુ મોટો ખર્ચ કરવાની જોગવાઈઓ થઈ હોઈ રૂપિયો ક્યાંથી આવશે એ સુનિશ્ચિત નથી અને  રૂપિયો ખરેખર ખર્ચાશે કે કેમ તે શંકાના દાયરામાં છે.આજના બજેટમાં  સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જીએસટીની ઝંઝટ અને કરવેરાનો કકળાટ ઉકેલવામા આ બજેટ નિષ્ફળ નિવડશે.

વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય જોગવાઈની મોટી વાતો કરાઈ છે પરંતુ સત્ય હકિકત એ છે કે  રાજયમાં જલ અભિયાનના નામે મોટા પાયે રેતી અને માટીની ચોરી થઈ રહી છે ઉપરાંત ૨૨ ટકા ઘરોમાં પીવાનુ પાણી પહોંચાડી શકાયુ નથી તથા રાજ્યમાં દલિત-પછાત અને આદિવાસીઓના ૪૬૨૫૦ પરિવાર સહિત હજારો ઘરોમાં વીજન કનેકશન આપવામા સરકાર નિષ્ફળ નીવડી છે. કોંગ્રેસ દ્વારા  જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો મારફત બેંકો દ્વારા અપાતી લોન પ્રક્રિયા વધુ પારદર્શક કરી વધુ ઝડપી બનાવવા અને શિક્ષિત બેરોજગાર યુવાનોને ભલામણ થયેલ અરજીની બેંકોએ ૧૦૦ ટકા લોન મંજૂર કરવી જોઈએ તેવી માંગ કરવામા આવી છે.

ગુજરાતના અટકેલા ગ્રોથ એન્જિનને બજેટ દ્વારા ફરી દોડાવાની આશા ઠગારી : કોંગ્રેસ was originally published on News4gujarati