દિલ્હીનાં ચાંદબાગ વિસ્તારથી હિંસાનાં વિડીયોમાં આમ આદમી પાર્ટીનો કાઉન્સિલર તાહિર હુસૈન જોવા મળ્યો, ત્યારબાદ કેજરીવાલ સરકાર પર ચારે બાજુથી પ્રહાર થઈ રહ્યા છે. સવારમાં તો પાર્ટી તાહિરનો બચાવ કરતી જોવા મળી રહી હતી, પરંતુ સાંજ પડતા-પડતા સીએમ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કહી દીધું કે જો હિંસામાં તેમની પાર્ટીનો કોઈપણ નેતા હોય તો તેના પર ડબલ કાર્યવાહી થવી જોઇએ.

રાષ્ટ્રિય સુરક્ષાનાં મુદ્દે કોઈ રાજનીતિ ના થવી જોઇએ

ઉલ્લેખનીય છે કે તાહિરનાં ઘરનાં ધાબા પરથી તપાસ દરમિયાન પેટ્રોલ બૉમ્બ, પથ્થર અને ગોફણ મળી આવ્યા છે. જો કે તાહિરે પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું કે કેટલાક લોકો જબરદસ્તીથી તેના ધાબા પર ચઢી ગયા હતા અને તેમણે પોલીસને મદદ માટે પણ બોલાવી. સીએમ કેજરીવાલે આજે દિલ્હી હિંસા પર પ્રેસ કોન્ફરન્સ કરીને પીડિતો માટે વળતરની જાહેરાત કરી. આ દરમિયાન તેમણે તાહિર વિશે પુછવામાં આવતા પત્રકારોને કહ્યું કે, “જો કોઈ વ્યક્તિ દોષી મળી આવે છે તો તેને કડક સજા થવી જોઇએ. જો આમ આદમી પાર્ટીનો કોઈ નેતા દોષી છે તો તેને બમણી સજા આપવામાં આવે. રાષ્ટ્રિય સુરક્ષાનાં મુદ્દે કોઈ રાજનીતિ ના થવી જોઇએ.”

તાહિર હુસૈન અસામાજિક તત્વો સાથે હાથમાં ડંડો લઇને જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે બુધવાર રાત્રે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો જેમાં કથિત રીતે આપના સ્થાનિક કાઉન્સિલર તાહિર હુસૈન પોતાના ધાબા પર અસામાજિક તત્વો સાથે હાથમાં ડંડો લઇને જોવા મળ્યો. ધાબા પરથી લોકો પથ્થર અને પેટ્રોલ બૉમ્બ ફેંકી રહ્યા હતા. આ વિડીયો સામેના ઘરેથી કેટલાક લોકોએ બનાવ્યો હતો. વિડીયોમાં બેકગ્રાઉન્ડમાં અવાજ આવી રહ્યો હતો કે, “જુઓ તાહિર કેવી રીતે છોકરાઓને બોલાવીને પથ્થર ભેગા કરાવી રહ્યો છે, જેથી રાત્રે ઉપર ફેંકી શકાય.”

વિડીયો બીજેપી નેતા કપિલ મિશ્રાએ પણ શેર કર્યો

વિડીયોમાં પાછળથી મારવાનાં અવાજો આવી રહ્યા છે અને ધુમાડો પણ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તાહિર પર આઈબી કર્મચારી અંકિત શર્માની હત્યામાં સામેલ હોવાનો પણ આરોપ છે. આ વિડીયો બીજેપી નેતા કપિલ મિશ્રાએ પણ શેર કર્યો અને તાહિરની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તો પૂર્વ દિલ્હીનાં બીજેપી સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે જો વિડીયોમાં જોવા મળી રહેલી ગતિવિધિઓ સાચી છે તો તાહિરને કોઈ માફ નહીં કરે.

દિલ્હી હિંસામાં AAPનાં તાહિર હુસૈનનો હાથ? કેજરીવાલનાં જવાબથી ફફડશે ઉપદ્રવીઓ was originally published on News4gujarati