દયાનંદપાર્ક ખાતેના બંગલામાંથી પણ ડીવીઆર કબજે કરાયું ઃ બંને ડીવીઆર એફએસએલમાં મોકલાશે

બગલામુખી મંદિરના ઠગ મહારાજ ડો. પ્રશાંતને લઇ પોલીસ આજે ગોત્રી વિસ્તારમાં દયાનંદપાર્ક ખાતેના વૈભવી બંગલા સમાન આશ્રમમાં પહોંચી હતી. પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ઠગ મહારાજને જોવા લોકો ઉમટી પડયા હતાં. પોલીસે પંચનામુ કરી સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબ્જે લીધુ હતું.

આ અંગેની વિગત એવી છે કે હરણી- વારસિયા રીંગ રોડ પર આવેલા બગલામુખી મંદિરના મહારાજ ડો. પ્રશાંત ઉપાધ્યાયની  વારસિયા પોલીસે ધરપકડ કર્યા બાદ હાલમાં ચાર દિવસના રિમાન્ડ પર છે. પ્રશાંતની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ગઇકાલે ડો. પ્રશાંત ઉપાધ્યાયને  સાથે રાખીને વારસિયા પોલીસે  વારસિયા રીંગ રોડ સ્થિત તેના આશ્રમમાં પહોંચી સર્ચ કરી આશ્રમમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબ્જે લીધુ  હતું.

દરમિયાન આજે પ્રશાંત ઉપાધ્યાયના ગોત્રી વિસ્તારમાં આવેલી દયાનંદપાર્ક ખાતેની સોસાયટીમાં તેના બંગલાનું ગેરકાયદે બાંધકામ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવ્યું હતું બાદમાં વારસિયા પોલીસ સાંજે ઠગ મહારાજને લઇને તેના આ આલિશાન બંગલા સમાન આશ્રમમાં પહોંચી  હતી. પોલીસે બંગલામાં સર્ચ કર્યુ હતુ અને સીસીટીવી કેમેરાનું ડીવીઆર કબજે લીધું હતું. જો કે અંધારુ થતા પોલીસે સર્ચની કામગીરી બંધ કરી દીધી હતી. 

પોલીસે આશરે દોઢ કલાક સુધી બંગલામાં સર્ચ કર્યું હતું. પોલીસને શંકા છે કે ડીવીઆરમાંથી વાંધા જનક રેકોર્ડિંગ ડિલીટ કરી દેવામાં આવ્યું હશે. જેની ખાત્રી કરવા માટે પોલીસ આશ્રમમાં તેમજ ગોત્રી ખાતેના બંગલામાંથી કબજે કરેલા ડીવીઆરને એફએસએલમાં પરીક્ષણ માટે મોકલી આપશે.

પ્રશાંત ઉપાધ્યાયના ગોત્રી ખાતેના બંગલા સમાન આશ્રમમાં સર્ચ was originally published on News4gujarati