વડોદરા નજીક આવેલા જસાપુરા ગામના એક મકાનમાં રૃા.પોણા બે કરોડમાં હાથી દાંતના સોદાનું છટકું ગોઠવનાર ફોરેસ્ટ વિભાગે હાથી દાંત લાવનાર વડોદરાના એક આધેડની ધરપકડ કરી હાથી દાંત કબજે કર્યા છે.

વડોદરા નજીક શેરખી ગામ પાસે જસાપુરા ગામે ફોરેસ્ટ વિભાગે કરેલા સફળ ઓપરેશનની પ્રાથમિક તબક્કે પ્રાપ્ત વિગતો એવી છે કે,છેલ્લા કેટલાક સમયથી વડોદરા અને આસપાસના વિસ્તારમાં એક એજન્ટ હાથી દાંત વેચવા માટે ધનવાન ગ્રાહક શોધી રહ્યો હોવાની વિગતોને પગલે ફોરેસ્ટ વિભાગે ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના આગેવાન રાજ ભાવસાર અને અન્ય કાર્યકરોની મદદ લઇ છટકું ગોઠવ્યું હતું.

લાંબી જહેમત બાદ ફોરેસ્ટની ટીમને હાથી દાંત વેચવા ફરતો વિનાયક રતિલાલ પુરોહિત (રહે.રેસકોર્સ સોસાયટી,હાઇટેન્શન રોડ, સુભાનપુરા,વડોદરા) સાથે મુલાકાત કરવામાં સફળતા મળી હતી.

ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા વિનાયક પુરોહિતને મુંબઇના એક ઉદ્યોગપતિને હાથી દાંત જોઇએ છીએ તેમ કહી સાણસામાં લીધો હતો.વિનાયકને વિશ્વાસ પડતાં તેણે રૃા.અઢી કરોડમાં બે હાથી દાંત વેચવાના હોવાનું કહ્યું હતું અને આખરે રૃા.પોણા બે કરોડમાં સોદો નક્કી કર્યો હતો.

ફોરેસ્ટ અને કાર્યકરોની ટીમે આજે જસાપુરા ગામે ડમી ગ્રાહક મોકલી મુંબઇના ઉદ્યોગપતિને ફોટા મોકવાના હોવાના બહાને મોકલ્યો હતો.ડમી ગ્રાહકે જસાપુરાના ત્રણ માળના મકાનમાં રાખેલા બંને હાથી દાંત જોઇ ફોરેસ્ટની ટીમને ઇશારો કરતાં તેમણે છાપો માર્યો હતો અને વિનાયકને દબોચી લીધો હતો.ટીમે સાડા ત્રણ ફુટની લંબાઇ ધરાવતા અંદાજે પાંચ કિલો વજનના બે હાથી દાંત કબજે કરી ફોરેસ્ટ એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ કરી છે.આ ગુનાનું નેટવર્ક શોધવા માટે  ઉચ્ચ અધિકારીઓ તપાસમાં જોડાયા છે.

મુંબઇના ઉદ્યોગપતિના નામે ૧.૭૫ કરોડમાં હાથીદાંતનાે સોદાે,ફોરેસ્ટે હાથીદાંતનું કૌભાંડ પકડ્યું was originally published on News4gujarati