– સુર્ય ઉર્જાની પેનલનાં ઉપયોગથી ખેતર ખેડી શકાય તેવું આધુનિક ઉપકરણ
– પ્લાસ્ટીકના નકામા કચરાના કાયમી નિકાલ માટે ડીપ્લોમા ઈજનેરીના વિદ્યાર્થીઓએ ‘સ્ટીમ ટ્રાવેલ પાઈપ’ની કૃતિ દ્વારા તૈયાર કર્યું વાહનોમાં વપરાતુ ઈંધણ
– રાજકોટમાં ઈસરોની પ્રદર્શની સાથે ત્રણ દિવસના સાયન્સ કાર્નિવલનો પ્રારંભ; વૈજ્ઞાાનિકો સાથે ગોષ્ઠી
સુર્યદેવ એ ઉર્જાનો ભંડાર છે. અવકાશ વિજ્ઞાાન ક્ષેત્રે આપણે દુનિયાના દેશોને આશ્ચર્યચકિત કરી દઈએ તેવા સંશોધનો જેમ થયા છે એ જ રીતે સુર્ય ઉર્જાના સંશોધનો થકી પણ ભારત દેશ વિશ્વ વિખ્યાત બનશે તેવી આશા સાથે આજે સાયન્સ કાર્નિવલમાં અનેક વિદ્યાર્થીઓએ સુર્ય ઉર્જા આધારીત વિવિધ કૃતિઓ રજૂ કરીને અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
રાજકોટમાં આજથી એવીપીટીઆઈ ખાતે ઈસરો દ્વારા વિવિધ ઉપગ્રહોના મોડેલની પ્રદર્શની સામે સાયન્સ કાર્નિવલ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્રણ દિવસના આ સાયન્સ કાર્નિવલમાં રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારની ૧૫૦થી વધુ શાળાના ધો. ૮, ૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ અવનવા સંશોધનના વિવિધ મોડેલ રજૂ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
સુર્ય ઉર્જા થકી આપણે ઉર્જાનો વિકલ્પ ઉભો કરી શકીએ છીએ. સોલાર ફોટોવોલ્ટીક સેલ દ્વારા ખેતીકામ થઈ શકે, નંદામણ દૂર કરી શકાય તેમજ ખેતરમાં હલ હલાવીને જમીનને સમથળ કરવાનું કામ પણ સરળતાથી થઈ શકે તેવી આધુનિક કૃતિ ધો. ૯ની વિદ્યાર્થીની કુ. ખુશાલીબેન મકવાણા, ખુશીબેન કોટડિયાએ રજૂ કરી હતી. આ વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે આપણા પ્રદેશમાં ૭થી ૮ મહિના સુધી સુર્યપ્રકાશ પુરતા પ્રમાણમાં હોય છે તેથી સોલાર પેનલની મદદથી ટ્રેક્ટર જેવા પૈડા જોડીને એક સાદુ ઉપકરણ તૈયાર કરવાથી ખેતીકામમાં સોલાર પંપ તૈયાર થઈ જાય છે જે ખેતર ખેડવામાં ઉપયોગી થાય છે.
પ્લાસ્ટીકનો નકામો કચરો દુનિયાભરના લોકો માટે ચિંતાનો મુદ્દો બની રહ્યો છે ત્યારે પ્લાસ્ટીકના નકામા કચરાનો નિકાલ કરવા માટે નાની એવી ચેમ્બર બનાવી તેમાંથી ઓઈલ તૈયાર કરવાની કૃતિ ડિપ્લોમાનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ રૈયાન પરમાર, મકબુલહક અંસારી, અમન સોલંકીએ તૈયાર કરી હતી. આ વિદ્યાર્થીઓએ ‘સ્ટીમ ટ્રાવેલ પાઈપ’ નામની કૃતિ રજૂ કરી જણાવ્યું હતું કે ૫૦૦ કિલોગ્રામ પ્લાસ્ટીકના વેસ્ટમાંથી ૩૫૦થી ૪૦૦ ગ્રામ ઈંધણ તૈયાર થઈ શકે છે. જે આર્થિક રીતે પરવડે તેમ છે. પ્લાસ્ટીકના કચરાનો નિકાલ કરવાની સિન્થેટીક ગેસ પણ મળી શકશે તેમજ નકામો કચરો ડામર બનાવવામાં ઉપયોગી થશે.
અવકાશ વિજ્ઞાાન ક્ષેત્રની રોમાંચક કૃતિ આદિત્ય ઠાકરે તૈયાર કરી છે. તેઓએ અવકાશમાં સ્પેસ મીશન માટેની ઉપયોગી રોબોટ બોગી બનાવી જણાવ્યું હતું કે આ એ પ્રકારનો રોબોટ છે જેને કોમ્પ્યુટરની મદદથી કોઈપણ પ્રકારના રેસ્ક્યુ ઓપરેશનમાં પણ કામે લગાડી શકાય છે. ગમે તેવા ઉતાર-ચઢાણવાળા રસ્તા ઉપર આસાનીથી આ રોબોટ કામ કરે છે. વસ્તુઓ પકડી શકે છે. ચીજવસ્તુઓ લાવી શકે છે. રાજવીરસિંહ પરમાર નામના વિદ્યાર્થીએ ન્યુક્લીયર પાવર સ્ટેશનની કૃતિધો. ૮ના વિદ્યાર્થીની કુ. દિવ્યાબા ચૌહાણ અને મૌસમી મકવાણાએ આઘાત-પ્રત્યાઘાતના સિદ્ધાંત ઉપર રોકેટની કૃતિ રજૂ કરી હતી.
ઈસરો દ્વારા આકાશમાં છોડવામાં આવેલા વિવિધ ઉપગ્રહોના મોડેલની જાણકારી મેળવીને વિજ્ઞાાનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ અચંબિત થઈ ગયા હતા. સી.વી. રામન મેથેમેટીક્સ ક્લબ દ્વારા ગણિતના વિવિધ મોડેલો સમજાવતી કૃતિઓ પણ આકર્ષણરૂપ રહી હતી.
રાજકોટમાં વિજ્ઞાાનના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યા રોમાંચક રોબોટ-રોકેટ was originally published on News4gujarati