– ઔડાનું 929 કરોડની જંગી રકમનું 2020-21નું બજેટ મંજુર
– સાણંદ, ઝુંડાલ, કઠવાડા, મહેમદાવાદ, બોપલમાં 100 કરોડના પ્રધાનમંત્રી આવાસ યોજનાના વધુ 5080 મકાનોનું નિર્માણ કરાશે
ઔડાના બોર્ડની આજે મળેલી મીટીંગમાં વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું નવા બ્રિજ, આવાસ યોજના, રોડ-રસ્તા, તળાવો, ગાર્ડન સહિતના જુદાં જુદાં વિકાસ કામોને આવરી લેતું રૂ. ૯૨૯ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. તેમજ ચાલુ વર્ષના રૂ. ૭૧૩ કરોડના બજેટના કદમાં ઘટાડો કરીને રૂ. ૪૧૭ કરોડનું રિવાઈઝડ બજેટ પણ મંજુર કરાયું છે. જેની સામે બેટરમેન્ટ ફી, ડેવલપમેન્ટ ફી, જુદી જુદી ટીપીમાં પ્રાપ્ત થતી જમીનના યોગ્ય મેનેજમેન્ટ અને વેચાણ દ્વારા રૂ. ૧૨૭૬ કરોડની આવકની અપેક્ષા વ્યક્ત કરાઈ છે.
આ અંગે વિગતો આપતા ઔડાના ચેરમેન વિજય નહેરાએ જણાવ્યું હતું કે, રીંગ રોડને જંક્શન ફ્રી કરવા બ્રિજોનું નિર્માણ હાથ ધરાયું છે. દહેગામ, સનાથળ, શાંતિપુરા, ઝુંડાલ જંક્શનના બ્રિજની કામગીરી ૩૧૨.૩૭ કરોડના ખર્ચે હાથ ધરાઈ છે. જે માર્ચ ૨૦૨૧માં પુર્ણ થશે. મહેમદપુરા, ભાડજ, રણાસણના બ્રિજની કામગીરી પ્રગતિમાં છે. જ્યારે નવા બજેટમાં નર્મદા કેનાલ ભાટ, ઘુમા રેલ્વે ઓવર બ્રિજ અને ભાટ એપોલો જંક્શન ખાતે ૧૦૫ કરોડના ખર્ચે બ્રિજ કરાશે, તે માટે ચાલુ વર્ષના બજેટમાં પાંચ કરોડ ફાળવાયા છે. ઉપરાંત પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ૨૬૩૯ મકાનોની કામગીરી પ્રગતિમાં છે. નવા વર્ષના બજેટમાં સાણંદ, ઝુંડાલ, કઠવાડા, મહેમદાવાદ અને બોપલમાં બે સ્થળે મળી છ જગ્યાએ ૫૦૮૦ મકાનના નિર્માણ માટે ૧૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
તેમજ જુદી જુદી ટીપીમાં આરસીસી રોડના નિર્માણ માટે ૨૮૯.૭૬ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હવેથી રોડ બની ગયા બાદ વારંવાર ખોદવા ના પડે તે માટે રોડની સાથે જ ડિવાઈડર, ફુટપાથ, પાણીની લાઈન, સ્ટોર્મવોટર ડ્રેનેજ તમામ કામગીરી એક સાથે થાય તે પ્રમાણે મોટું ટેન્ડર બહાર પડાશે. સાણંદ, મહેમદાવાદ, લપકામણ, ઘુમા, ખોરજ, સિંગરવામાં ૧ થી ૧.૫ એમએલડીના નાના એસટીપી બનાવાશે. બોપલમાં ૭૩.૫૩ કરોડના વોટર સપ્લાયના પ્રોજેક્ટની કામગીરી હાથ પર છે.
આ ઉપરાંત અસલાલી, બારેજા, જેતલપુર, બોપલ, મણીપુર-ગોધાવી, શેલા, ઘુમામાં ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. તેમજ ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, તળાવોનું બ્યૂટીફીકેશન, ગાર્ડન, કચરાનું એકત્રીકરણ અને નિકાલ, બોપલ, મણીપુર, કલોલમાં સ્પોર્ટસ સંકુલ, મોટા પાયે વૃક્ષારોપણ, અદ્યતન સ્મશાનગૃહ વગેરેની સુવિધા જુદા જુદા ગામોમાં હાથ ધરાશે. તેમજ તમામ ટાઉનશીપમાં ફાયર બ્રિગેડનું સ્ટેશન જરૂરી સાધનો સાથે ઉભુ કરવા માટે ફરજ પડાશે. તેના નિભાવના ખર્ચ માટે મ્યુનિ. કોર્પોરેશન સાથે એમઓયુ થશે. બોપલમાં ફાયર સ્ટેશન ઉભું કરવા પ્રાથમિક તબક્કે ૧૦ કરોડ ફાળવાયા છે.
બજેટમાં થયેલો 122 ટકાનો જંગી વધારો
વર્ષ | બજેટ (કરોડમાં) |
૨૦૧૭-૧૮ | રૂ. ૨૧૨ |
૨૦૧૮-૧૯ | રૂ. ૨૬૬ |
૨૦૧૯-૨૦ | રૂ. ૪૧૭ (રિવાઈઝડ) |
૨૦૨૦-૨૧ | રૂ. ૯૨૯ |
સાત બ્રિજની કામગીરી ચાલુ, નવા ત્રણ મંજુર : નવી TPમાં RCC રોડ બનાવાશે was originally published on News4gujarati