સુરતના આઈમાતા રોડ સ્થિત રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલમાં લેડીઝ ડ્રેસનું કાપડ અને કુર્તીનો વેપાર કરતા કતારગામના વેપારી પાસેથી આંધ્રપ્રદેશના કૂપ્પમના એજન્ટે જુદીજુદી પાર્ટીઓ તેમજ પોતાના માટે રૂ.31.60 લાખની મત્તાનું કાપડ લીધા બાદ પાર્ટીઓ પાસેથી પેમેન્ટ તો લઇ લીધું હતું પરંતુ સુરતના વેપારીને નહીં ચૂકવી થાય તે કરી લેવાની ધમકી આપતા ભોગ બનનાર વેપારીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં ધનરાજ સોસાયટી ઘર નં.107 માં રહેતા 33 વર્ષીય ચેતનભાઈ રતિલાલ સાવલીયા આઈમાતા રોડ સ્થિત રઘુવીર ટેક્ષ્ટાઈલ મોલમાં શોપ ઓન બીટના નામે લેડીઝ ડ્રેસનું કાપડ અને કુર્તીનો વેપાર કરે છે. 

વર્ષ 2018 માં તેમની દુકાને આંધ્રપ્રદેશના કુપ્પમ ખાતે થપ્પલ સ્ટ્રીટમાં રહેતો એજન્ટ અરુણકુમાર નાગરાજ આવ્યો હતો અને પોતાની ઓળખ આપી તમે મારી બહારગામની પાર્ટીઓને માલ મોકલશો તો હું તેનું પેમેન્ટ ઉઘરાવી તમને સમયસર આપીશ તેવી વાત કરી હતી. આથી ચેતનભાઈએ તેની કંપની અને અન્ય વેપારીઓને સાડી, કુર્તી અને ડ્રેસનું કાપડ મોકલ્યું હતું. જેનું પેમેન્ટ અરુણકુમારે શરૂઆતના છ મહિનામાં સમયસર કર્યું હતું.

જોકે, મે 2018 થી ડિસેમ્બર 2018 દરમિયાન ચેતનભાઈએ તેમની કંપની અને અન્ય કંપનીઓના નામે મોકલેલા રૂ.31,59,754ના કાપડનું પેમેન્ટ 30 દિવસમાં ચૂકવવાનો વાયદો અરૂણકુમારે કર્યો હતો પરંતુ સમયસર પેમેન્ટ નહીં કરી ઘણા સમય બાદ પેમેન્ટ પેટે અરૂણકુમારે આપેલા ચેક પણ રીટર્ન થયા હતા.

ચેતનભાઈએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અરૂણકુમારે પાર્ટીઓ પાસેથી પેમેન્ટ લઈ લીધું છે પણ તેમને ચુકવ્યું નથી. ચેતનભાઈએ ઉઘરાણી કરી તો અરૂણકુમારે થાય તે કરી લેવાની ધમકી પણ આપી હતી. આખરે ગતરોજ ચેતનભાઈએ અરૂણકુમાર વિરૂદ્ધ પુણા પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરાઈ છે.

સુરતના વેપારીને પેમેન્ટ ન ચૂકવનાર આંધ્રપ્રદેશના એજન્ટ વિરૂદ્ધ રૂ. 31.60 લાખની ફરિયાદ was originally published on News4gujarati