એમ.એસ.યુનિવર્સિટીના ૬૦૦ જેટલા હંગામી કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડનો લાભ આખરે મળ્યો છે.

લગભગ ૩ વર્ષની ખેંચતાણ બાદ યુનિવર્સિટી સત્તાધીશોએ આ હંગામી કર્મચારીઓ માટે પીએફની સુવિધા લાગુ કરી છે.આ એવા કર્મચારીઓ છે જેમનો પગાર મહિને ૧૫૦૦૦ રુપિયા અથવા તેના કરતા ઓછો છે.આ કર્મચારીઓનુ  પીએફ  અત્યાર સુધી કપાતુ નહોતુ.

હવે જાન્યુઆરી મહિનાથી તેમના પગારમાંથી પીએફ તરીકે ૧૨ ટકા રકમ કાપવાનુ શરુ કરાયુ છે. યુનિવર્સિટી દ્વારા પણ તેટલુ જ યોગદાન દરેક કર્મચારીના પીએફ એકાઉન્ટમાં આપવામાં આવશે.આ નિર્ણયના પગલે યુનિવર્સિટી પર વાર્ષિક લગભગ ૫૦ લાખ રુપિયાનો બોજો આવશે.

મળતી વિગતો પ્રમાણે પ્રોવિડન્ટ ફંડ ઓફિસ દ્વારા આ મુદ્દે યુનિવર્સિટી સત્તાધીશોનુ ૨૦૧૭થી ધ્યાન દોરવામાં આવી રહ્યુ હતુ.યુનિવર્સિટી સત્તાધીશોએ એ પછી પીએફ ઓફિસ પાસે પીએફની સ્કીમ લાગુ કરવા માટે સમય માંગ્યો હતો.ગત ડિસેમ્બર મહિનામાં પણ પીએફ ઓફિસ દ્વારા યુનિવર્સિટીની મુલાકાત લેવામાં આવી હતી.એ પછી આ માટે બનાવવામાં આવેલી કમિટીએ નક્કી કર્યુ હતુ કે, પીએફથી વંચિત તમામ કર્મચારીઓને આ લાભ આપવામાં આવે.આ નિર્ણયને જાન્યુઆરી મહિનાથી લાગુ કરી દેવમાં આવ્યો હોવાનુ યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે.પીએફના કારણે હવે કર્મચારીઓની સેલેરી સ્લીપના માળખામાં પણ હવે ફેરફાર કરવામાં આવશે.

MSUના ૬૦૦ જેટલા હંગામી કર્મચારીઓને પીએફનો લાભ અપાયો was originally published on News4gujarati