નરેન્દ્ર મોદીએ જ અમદાવાદને ગ્લોબલ સિટી બનાવ્યું
ભાઇ,સરકારને ઘણા ગાંઠતા નથી પણ, તે બધાયને લાઇનમાં લાવી દઇશું
વિધાનસભા સત્રના બીજે દિવસે શરૂઆતમાં જ નર્મદા ડેમ મામલે શાસક પક્ષ અને વિપક્ષે સામસામે બાંયો ખેંચી રાજકીય પ્રહારો કર્યાં હતાં.થયું એવું કે,પ્રશ્નોતરી કાળ વખતે ધારાસભ્ય બ્રિજેશ મેરઝાએ સૌરાષ્ટ્રમાં નર્મદા કેનાલ અંગે પ્રશ્ન પૂછતાં એવી રાજકીય ટિપ્પણી કરીકે, ભાજપ સરકાર સૌરાષ્ટ્રના ખેડૂતોને સિંચાઇના પાણી માટે ખો આર્પી રહ્યાં છે.
બસ, આટલું કહેતાં જ નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલથી રહેવાયું નહીં. તેમણે કોંગ્રેસને એવી ભિડવી દીધી કે,જયારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે નર્મદા ડેમના દરવાજાની ફાઇલ સોનિયા ગાંધી-અહેમદ પટેલે દબાવી દીધી હતી.તેનો કોંગ્રેસ જવાબ આપે.નિતીન પટેલે આ મુદ્દે ગૃહમાં ખાસ ચર્ચા કરવા પડકાર ફેંક્યો હતો.
જોકે,સામે છેડે વિપક્ષના નેતા પરેશ ધાણાનીએ આ પડકાર ર્ઝીલી ચર્ચા કરવા તૈયારી દર્શાવી હતી તે વખતે ગૃહમાં માહોલ ગરમાયો હતો. તેમાં ય વળી નીતિન પટેલે ત્યાં સુધી કહી દીધુ કે, કોંગ્રેસના શાસનમાં તો ખેડૂતની જમીન કોઇ ગીરવે ય લેવા તૈયાર ન હતું. આજે ગુજરાતમાં ભાજપના રાજમાં કૃષિવિકાસ અને ઔદ્યોગિક વિકાસના કારણે જમીનના ભાવ આસમાને પહોેચ્યાં છે.
ભાઇ,સરકારને ઘણાં ગાંઠતા નથી પણ ગાંઠતા કરે તેવું કરી દઇશું
ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાનમાં કોંગ્રેસી ધારાસભ્યએ એવી હળવી ટિખળ કરી કે, તમને કોઇ ગાંઠતું નથી. આ સાંભળીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આડકતરો સંદેશો આપતાં કહી દીધું કે, ભાઇ,સરકારને ઘણાં ગાંઠતા નથી પણ તે બધાય ગાંઠતા કરે તેવુ કરી દઇશું.બધાને લાઇનમાં લાવી દઇશું. ટૂંકમાં નિતિન પટેલે અધિકારીઓને સંદેશો આપી કકળાટ કરતાં ભાજપના ધારાસભ્યોને આડકતરી રીતે રાજી કરવા પ્રયાસ કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ જ અમદાવાદને ગ્લોબલ સિટી બનાવ્યું છે
નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમના આયોજક કોણ છે તે અંગે હજુય વિવાદ શમ્યો નથી.આ વિવાદને કારણે જ રાતોરાત ટ્રમ્પ અભિવાદન સમિતી રચવી હતી. જોકે, ગૃહમાં નમસ્તે ટ્રમ્પનો મુદ્દે ય ટિપ્પણી થઇ હતી. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આગવી છટામાં કહ્યું કે,ઇઝરાયેલ,જાપાન,ચીન સહિત ઘણાં દેશોના વડાપ્રધાન,રાષ્ટ્રપતિ અમદાવાદ આવી ચૂક્યાં છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લેવા સીધા અમદાવાદ આવી પહોચ્યાં હતાં. અત્યાર સુધી વિદેશના મહાનુભાવો દિલ્હી જ આવતાં હતાં. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કારણે આ બધાય મહાનુભાવો હવે અમદાવાદ આવી રહ્યા છે. આમ,વડાપ્રધાને અમદાવાદને જાણે ગ્લોબલ સિટી બનાવી દીધું છે.
અધ્યક્ષે ટપાર્યાં, હર્ષદ ભાઇ, બંદૂક લઇને તો નથી આવ્યાં ને…
અમરેલી,જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રનાકેટલાંક વિસ્તારોમાં દિપડાઓને લીધે લોકોમાં ભય પ્રવર્તી રહ્યો છે કેમકે,દિપડો લોકો પર હુમલો કરે છે. આ કારણોસર કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ બંદૂક લઇને દેખાવો કર્યા હતાં. આ વાતને યાદ રાખી જયારે ગૃહમાં દિપડાની સંખ્યાને લઇને ચર્ચા થઇ રહી હતી તે વખતે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ હર્ષદ રિબડીયા સામે જોઇને કહ્યુંકે, બંદૂક તો લઇને નથી આવ્યાં ને….
ગાંધીનગરમાં દિપડા માટે ય પોલીસ પેટ્રોલિંગ ને ગામડાના લોકો રામભરોસે
દિપડાની સંખ્યા મુદ્દે ગૃહમાં હળવી ચર્ચા થઇ ત્યારે હશીખુશી કી શામ જેવુ દ્રશ્ય સર્જાયુુ હતું કેમકે, ધારાસભ્ય ભગા બારડે એવી ટકોર કરી કે, ગીરના જંગલમાં દિપડાઓ લોકો પર હુમલો કરી રહ્યાં છે ત્યારે લોકોમાં ડર ફેલાયો છે જયારે ગાંધીનગરમાં તો માત્ર એકાદ વાર દિપડો આવ્યો હતો તેમાં તો સચિવાલય એસઆરપીની જવાનો પેટ્રોલિંગ કરે છે એવું કેવું… તે જ વખતે ધારાસભ્ય વિક્રમ માડમે પણ એવો ભય વ્યક્ત કર્યો હતોકે, મારી વાડીએ દર પંદરેક દિવસે દિપડો આવે છે.કયાં જતો રહે છે તે ખબર પડતી નથી.આટલું સાંભળતા જ અધ્યક્ષે હળવેકથી કહ્યું, દિપડો હોશિયાર લાગે છે.
નિતિન પટેલે જ સ્વિકાર્યું કે, ભરતી તો કરવી છે પણ ડૉક્ટરો મળતાં નથી
પ્રશ્નોતરી કાળ દરમિયાન રોગચાળોનો મુદ્દો ગૃહમાં ઉછળ્યો હતાએ.એટલું જ નહીં,હોસ્પિટલોમાં ડૉકટરોની ઘટ પ્રવર્તે છે તે મુદ્દે સવાલો પૂછાતાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે ખુદ એ વાતનો સ્વિકાર કર્યો હતોકે,ડૉક્ટરોની ભરતી તો કરવી છે પણ ડૉક્ટરો જ મળતા નથી. ઉલ્લેખનીય છેકે, ડૉક્ટરોને હવે સરકારી નહીં, કોર્પોરેટ હોસ્પિટલોમાં ઊંચા પગાર સાથે નોકરી કરવામાં જ રસ છે.
નર્મદા ડેમની ફાઇલ સોનિયા ગાંધીએ કેમ દબાવી રાખી હતી..? was originally published on News4gujarati