- મેટલ, ઓટો, આઈટી, ઓઈલ-ગેસ સેક્ટરના શેરોના ભાવોમાં ભારે ઘટાડો
- બેન્ચમાર્ક સેન્સેક્સની તમામ સ્ક્રીપના ભાવમાં ઘટાડો,
- ગઈરાત્રે અમેરિકાનો ડાઉ જોન્સ 1190 પોઇન્ટ ગગડયો હતો
- ક્રુડ ઓઈલના ભાવોએ પણ 50 ડોલરની સપાટી ગુમાવી
ચીન બાદ હવે સમગ્ર વિશ્વ માટે કોરોના વાઈરસ એક ગંભીર સમસ્યા બનવા જઈ રહ્યો હોઈ ગઈકાલ રાત્રે અમેરિકાના શેરબજારોમાં બોલાયેલા મોટા કડાકા બાદ આજે ભારતીય શેરબજાર પર પણ વૈશ્વિક બજારોની સ્પષ્ટ અસર જોવા મળી છે અને બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સમાં આશરે 1300 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી પણ 382 પોઇન્ટ એટલે કે આશરે 2.76 ટકાના તીવ્ર કડાકા સાથે 11,312 બોલાઈ છે. આ સાથે સેન્સેક્સે આજે 39,000ની સપાટી ગુમાવી દીધી હતી. જ્યારે નિફ્ટીએ 11,400ની મનોવૈજ્ઞાનિક રીતે અત્યંત મહત્વની સપાટી ગુમાવી છે.બીએસઈ સેન્સેક્સ 1300 પોઇન્ટ ઘટી 38,445 જ્યારે નિફ્ટી 382.15 અથવા 3.28 ટકા તૂટી 11,251 રહી છે.
સેન્સેક્સ પેકની તમામ 30 સ્ક્રીપના ભાવોમાં ઘટાડો જોવા મળી રહી છે. આ સ્ક્રીપમાં એક ટકાથી લઈ 8.50 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સ સૌથી વધારે 550 એટલે કે 6.21 ટકા, ઓટો ઈન્ડેક્સ 587.09 પોઇન્ટ એટલે કે 3.63 ટકા, આઈટી ઈન્ડેક્સ 547.98 પોઇન્ટ અથવા 3.45 ટકા, ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 434.84 પોઇન્ટ અથવા 3.34 ટકા ગગડ્યા છે. ભારતીય શેરબજારમાં આજે જે આશરે 1100 પોઇન્ટનો કડાકો આવ્યો છે તેને લીધે રોકાણકારોની કુલ સંપત્તિમાં આશરે રૂપિયા પાંચ લાખ કરોડની ગણતરીની મિનિટોમાં જ ધોવાણ થયું છે. બીએસઈ ખાતે કુલ 1,897 સ્ક્રીપમાં કામકાજ થઈ રહ્યું છે,જે પૈકી 1,633 સ્ક્રીપના ભાવોમાં મંદી જોવા મળે છે, 197 સ્ક્રીપમાં સામાન્ય સુધારો જ્યારે 67 સ્ક્રીપના ભાવ યથાવત છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં અનુક્રમે 536.94 પોઇન્ટ અથવા 3.56 ટકા અને 500.82 પોઇન્ટ એટલે કે 3.52 ટકાનો ઘટાડો થયો છે. ફોરેન પોર્ટફોર્લિયો ઈન્વેસ્ટર્સ (FPI) અને સ્થાનિક સંસ્થાગત રોકાણકારો દ્વારા ચોતરફથી તમામ સેક્ટરોમાં મોટા પ્રમાણે વેચવાલી કરી રહ્યા છે.
વૈશ્વિક બજારોની સ્થિતિ
ગઈકાલે અમેરિકાનો ડાઉ જોન્સ 1,190.95 પોઇન્ટ એટલે કે 4.42 ટકાના ઘટાડા સાથે 25,766.64,S&P 500 137.63 પોઇન્ટ 4.42 ટકા 2,978.76, બ્રાઝીલ બોવેસ્પા સ્ટોક ઈન્ડેક્સ 10,697.88 પોઇન્ટ એટલે 9.41 ટકા તૂટી 102,983.54 રહ્યા હતા. એશિયાના બજારોની વાત કરીએ તો જાપાનનો નિક્કી 868.11 પોઇન્ટ અથવા 3.96 ટકા, હોંગકોંગનો હેંગસેંગ 670.34 પોઇન્ટ અથવા 2.50 ટકા, ચીનનો શાંઘાઈ એસઈ કોમ્પોઝીટ 100.76 પોઇન્ટ અથવા 3.37 ટકા ગગડ્યા છે. જ્યારે યુરોપમાં ઈગ્લેન્ડો એફટીએસઈ-100 આશરે 246.07 પોઇન્ટ અથવા 3.49 ટકા, ફ્રાંસનો સીએસી-40 આશરે 188 પોઇન્ટ અથવા 3.32 ટકા, જર્મનીનો ડીએએક્સ આશરે 407 પોઇન્ટ અથવા 3.17 ટકાનો ઘટાડો નોંધાવ્યો છે.
આ સપ્તાહમાં શેરબજાર આશરે 2500 પોઇન્ટ ગગડ્યું
ભારતીય શેરબજારમાં આ સપ્તાહના પાંચેય દિવસ સતત મંદીમય વલણ રહ્યું છે. ગત 24મી ફેબ્રુઆરી એટલે કે સોમવારથી અત્યાર સુધીમાં શેરબજારમાં આશરે 2500 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે.
ક્રુડ ઓઈલે પણ 50 ડોલરની સપાટી ગુમાવી
કોરોના વાઈરસની શેરબજાર ઉપરાંત ક્રુડ ઓઈલના ભાવો પર પણ અસર જોવા મળી રહી છે. ગઈકાલ રાત્રે WTI ક્રુડ ઓઈલના પ્રતિ બેરલ ભાવ 1.64 ડોલર એટલે કે 3.48 ટકા ગગડી 47.09 ડોલર અને બ્રેન્ટ ક્રુડ ઓઈલના ભાવ 1.25 ડોલર અથવા 2.40 ટકા ઘટી 52.18 રહ્યા છે.કોરોના વાઈરસના વ્યાપને લીધે વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડવાની સંભવાના વચ્ચે ક્રુડની માંગ પણ ઘટવાની શક્યતા પાછળ ક્રુડના ભાવોમાં આ ઘટાડો થયો છે.
વૈશ્વિક બજારોમાં મંદી બાદ સેન્સેક્સ 1300 પોઇન્ટ તૂટ્યો, ગણતરીની મિનિટોમાં રોકાણકારોની 5 લાખ કરોડની સંપત્તિ ધોવાઈ ગઈ was originally published on News4gujarati