કોરોનાના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક, આપ્યા આ આદેશ


– કોરોના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક

– લોકોને મોટી સંખ્યામાં ભેગું ના થવા અપીલ

કોરોના વાઇરસના ભયને પગલે અમદાવાદ મેયરના અધ્યક્ષ સ્થાને આજે બેઠક યોજાઈ હતી. જેમાં અધિકારીઓને કોરોનાને પગલે ધ્યાન રાખવા જેવી બાબતોની સૂચના આપવામાં આવી. સાથે જ શારદાબેન, એલજી, એસવીપી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં દર્દીઓને બરોબર સારવાર મળી રહે તેનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી.

આ સાથે જાહેરાતો અને શોર્ટ ફિલ્મ દ્વારા લોકોને વાયરસથી વધુ ને વધુ લોકોને જાગૃત કરવાની વાત કરવામાં આવી. બેઠક અંગે મેયરે જણાવ્યું હતું કે અત્યાર સુધી શહેરમા 18 શંકાસ્પદ નોંધાયા છે એક પણ કેસ પોઝીટીવ કેસ જોવા મળ્યો નથી. તેમજ હોળી ધુળેટીના પર્વ નિમિતે લોકોને મોટી સંખ્યામાં ભેગા ના થવા અપીલ કરી છે.

કોરોનાના દહેશતના પગલે અમદાવાદના મેયરે બોલાવી બેઠક, આપ્યા આ આદેશ was originally published on News4gujarati

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી, ABVPમાં સન્નાટો છવાયો


ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્રમાં ABVPના કાર્યકર્તાઓ ઘૂસી જતાં હોબાળો થયો હતો. NSUI દ્વારા આ વાતનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો હતો. જેને પગલે ABVP અને NSUIના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા.

જો કે પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે બંને જૂથ દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરી નારેબાજીઓ કરવામાં આવી હતી. સેનેટની ચૂંટણીમાં 10માંથી 2 મેડિકલ અને ડેન્ટલની બેઠક બિન હરીફ જાહેર થઈ છે. 8 બેઠક પર થયેલી ચૂંટણીમાં અત્યાર સુધીમાં આવેલા પરિણામમાં 6માં NSUI અને 2માં ABVPનો વિજય થયો છે.

ગુજરાત યુનિવર્સિટીની ચૂંટણીમાં NSUIનું ખાતુ ખુલ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના પી.જી આર્ટ્સમાં NSUIની પહેલી જીત થઈ છે. પી.જી. આર્ટ્સમાં રોનકસિંહ સોલંકીની જીત થઈ છે. રોનકસિંહને 45માંથી 32 મત મળ્યાનો રોનકસિંહે દાવો કર્યો હતો. ત્યારબાદ મતગણતરી કેન્દ્ગ પર ABVP–NSUIના સૂત્રોચ્ચાર જોવા મળ્યો હતો.

યુનિવર્સિટી પરિસરમાં NSUIના કાર્યકરો દ્વારા ઉજવણી શરૂ કરવામાં આવી છે. ડીજે અને રંગ ગુલાલ ઉડાડીને વિજયોત્સવ શરૂ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ ABVPના કાર્યકરોમાં સન્નાટો છવાયો છે. P.G. સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકીનો 31 મતે વિજય થયો છે. લો ફેકલ્ટીમાં કોંગ્રેસ પ્રવક્તાના પુત્ર કુવર હર્ષાદિત્યસિંહ પરમારનો વિજય થયો છે. B.ED (એજ્યુકેશન)માં NSUIના શુભમ તિવારીનો વિજય થયો છે.

સેનેટની ચૂંટણીનું વહેલી સવારે 8.30 વાગે મતગણતરી શરૂથવાની હતી પરંતુ ઉમેદવારો મોડા આવતા મતગણતરી થોડી મોડી શરૂ થઈ હતી.

– પી.જી. આર્ટ્સમાં રોનકસિંહ સોલંકીની જીત થઈ છે. રોનકસિંહને 45માંથી 32 મત મળ્યા છે

– યુજી સાયન્સમાં NSUI દક્ષ પટેલનો 138 મતે વિજય થયો છે. ABVPના ઉમેદવારને 131 મત મળતા રિકાઉન્ટિંગ માંગ્યુ છે. રિકાઉન્ટિંગમાં પણ દક્ષ પટેલનો 7 મતે વિજય થયો છે.

– યુજી આર્ટસમાં NSUIના રાજદીપસિંહ પરમારનો 100 મતે વિજય થયો છે.

– P.G. સાયન્સમાં ABVPના દિવ્યપાલસિંહ સોલંકીનો 31 મતે વિજય થયો છે.

મતગણતરીને લઇને 1 ડીસીપી, 2 એસીપી, પીઆઈ, 20 PSI તેમજ 250 જેટલા પોલીસકર્મીઓનો પોલીસ બંદોબસ્ત યુનિવર્સિટીમાં ગોઠવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મેડિકલ અને ડેન્ટલની 2 બેઠક પર ABVP બિનહરીફ વરણી થઈ છે, જ્યારે 8 બેઠક પર ABVP-NSUI વચ્ચે કાંટાની ટક્કર હતી. વિદ્યાર્થી સેનેટની 10, વેલ્ફેરની 14 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. સેનેટના 39, વેલ્ફેરના 30 ઉમેદવારોનું ભાવિનો ફેંસલો આજે થવાનો છે. આ ચૂંટણીમાં સરેરાશ 75 ટકાથી વધુ મતદાન થયું છે.

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં NSUIને 6 બેઠક મળી, ABVPમાં સન્નાટો છવાયો was originally published on News4gujarati

દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, પોઝિટિવ કેસની સંખ્યા 43એ પહોંચી


દેશમાં કોરોના વાઇરસના ત્રણ નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિત લોકોની કૂલ સંખ્યા 43એ પહોંચી ગઇ છે. જોકે, ત્રણ 3 સંક્રમિત દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્ર્યાલ્યના અધિકારીઓએ સોમવારના રોજ આ માહિતી આપી. અધિકારીઓએ જણાવ્યું કે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાંથી એક-એક કેસ સામે આવ્યાં છે. સાથે જ તે પણ જણાવ્યું કે અત્યાર સુધી કોઇના મોતના અહેવાલ સામે આવ્યાં નથી.

ઇટાલીના પ્રવાસેથી પરથ ફરેલા કેરળના 3 વર્ષીય બાળકનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બાળકને એર્નાકુલમ મેડિકલ કોલેજમાં આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરના કારગિલમાં ઇરાનાથી પરત ફરેલી 83 વર્ષીય એક મહિલાનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

કેરળમાં રવિવારના રોજ કોરોના વાઇરસના પાંચ નવા કેસ સામે આવ્યાં હતા. તેમાંથી ઇટાલીમાંથી આવેલા ત્રણ લોકો સામેલ હતા જે સ્ક્રીનિંગથી બચી નીકળ્યા હતા. ત્યાર બાદ સરકારે રવિવારના રોજ ફરીથી આ બીમારીને લઇને એલર્ટ જારી કર્યું હતી અને પ્રભાવિત દેશના પ્રવાસેથી ફરેલા લોકો જે પોતાનો રેકોર્ડ છુપાવાનો પ્રયત્ન કરશે તો તેમની સામે કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપી છે. કેરળમાં વહિવટી તંત્રએ પોતાના પ્રવાસનો રેકોર્ડ છુપાવનારા સામે આકરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ, પોઝિટિવ કેસની સંખ્યા 43એ પહોંચી was originally published on News4gujarati

શેરમાર્કેટને કોરોના – ઈતિહાસનો મોટો કડાકો, સેન્સેક્સ 2357 પોઈન્ટ તૂટ્યો


કોરોના વાઈરસ અને યસ બેંકના લીધે સોમવારે પણ ભારતીય શેર માર્કેટમાં હાહાકાર મચ્યો. સેન્સેક્સ લગભગ 2357 પોઈન્ટ તૂટ્યો, જ્યારે નિફ્ટીમાં પણ લગભગ 600 પોઈન્ટથી વધારોનો ઘટાડો નોંધાયો.જો કે યસ બેંકના શેરોમાં 34%નો ઉછાળો જોવા મળ્યો. ભારતીય શેર બજારમાં આ અત્યાર સુધીનો સૌથી મોટો કડાકો છે. આ પહેલાં 2015માં સેન્સેક્સ 1,624 પોઈન્ટ તૂટ્યો  હતો. બજારમાં આ કડાકાથી રોકાણકારોને ચિંતા વધી ગઈ છે.

સવારે સેન્સેક્સ 1169.74 પોઈન્ટ તૂટીને 36,406.88 પર કારોબાર કરી રહ્યું હતું જ્યારે નિફ્ટી 332.40 પોઈન્ટ તૂટીને 10,657.05 પર કારોબાર કરી રહ્યું હતું. બપોરે 1 વાગ્યે સેન્સેક્સ 2200 પોઈન્ટથી વધારે તૂટ્યો અને 35,547.27 પર કારોબાર કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ પ્રાઇઝના વોર તથા કોરોના વાયરસ અને યસ બેન્ક સંકટને કારણે આજે શેરબજારમાં ભારે કડાકો બોલાઈ ગયો છે. આજે સવારે શરુ થયેલ બજારમાં સેન્સેક્સમાં 1500 પોઇન્ટ જયારે નિફ્ટીમાં 475 પોઈન્ટ્સનો કડાકો બોલાઈ ગયો છે. નિફ્ટી વર્તમાન સમયે 10,572 પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ બેન્ક નિફ્ટી 20 સપ્ટેમ્બર 2019 બાદ પ્રથમ વખત 27,000થી નીચે ટ્રેન્ડ કરી રહ્યો છે.

બપોરે 1 વાગ્યા પછી નિફ્ટીમા વધુ 584નો કડાકો બોલતા સેન્સેક્સ 2100 તૂટી ગયો છે. બજાર અત્યારે 35,503 અંક પર ચાલી રહ્યુ છે. આ જ રીતે નિફ્ટી સતત નીચે જઇ રહ્યુ છે. આ જ રીતે નિફ્ટી 584 અંક નીચે જતા અત્યારે 10,404 પર કાયમ છે. 

ક્રૂડમાં 30 ટકાનો કડાકો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ દ્વારા રશિયા સાથે પ્રાઇસ વૉર શરુ કરાતાં આ કિંમતોમાં ઘટાડો થયો છે જે 1991 પછીનો સૌથી મોટો ઘટાડો છે. આ ઉપરાંત કોરોના વાયરસ પ્રકોપને કારણે ક્રૂડની માંગ ઘટી રહી છે જેથી વેચવાલીના દબાણમાં તેના પુરવઠામાં તેજી જોવા મળી છે.  OPEC અને સહયોગીઓ વચ્ચે બેઠક પડી ભાંગી હતી તેમજ ક્રૂડ ઉત્પાદનમાં કાપ મુકવા અંગે કોઈ સમજૂતી થઇ શકી નથી.

આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર 14.25 ડોલર એટલે કે 31.5 ટકા તૂટીને 31.02 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે. તે 17 જાન્યુઆરી 1991 પ્રથમ ખાડી યુદ્ધ શરુ થવા અને 12 ફેબ્રુઆરી 2016 બાદ ક્રૂડની કિંમતોમાં સૌથી મોટો ઘટાડો છે. બીજી તરફ અમેરિકી વેસ્ટ ટેક્સસ ઇન્ટરમિડિયેટ ક્રૂડની કિંમતો પણ 11.28 ડોલર એટલે કે 27.4 ટકા ઘટીને 30 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. WTIમાં આ જાન્યુઆરી 1991 બાદનો સૌથી મોટો ઘટાડો છે અને 22 ફેબ્રુઆરી 2016 પછીનું સૌથી નીચલું સ્તર છે. હાલ તે 32.61 પ્રતિ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.  

સાઉદી અરેબિયાએ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે અને આવતા મહિનાથી ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા બે મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવમાં 50% થી વધુનો ઘટાડો થયો છે. 8 જાન્યુઆરી 2020ના રોજ ક્રૂડની કિંમત પ્રતિ બેરલ 71.75 ડોલર થઈ હતી. ત્યારબાદ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલના આ ઘટાડાની સીધી અસર ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર પણ પડશે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે. સાઉદી અરબ દ્વારા રશિયા સાથે પ્રાઇસ વૉર શરુ કરાતાં આ કિંમતોમાં ઘટાડો થયો છે જે 1991 પછીનો સૌથી મોટો ઘટાડો છે.આ ઉપરાંત કોરોના વાયરસ પ્રકોપને કારણે ક્રૂડની માંગ ઘટી રહી છે જેથી વેચવાલીના દબાણમાં તેના પુરવઠામાં તેજી જોવા મળી છે.

શેરમાર્કેટને કોરોના – ઈતિહાસનો મોટો કડાકો, સેન્સેક્સ 2357 પોઈન્ટ તૂટ્યો was originally published on News4gujarati

મગફળીના પેમેન્ટને લઈ રાજકારણ ગરમાયું, લલિત વસોયાએ અર્ધનગ્ન હાલતમાં આવું કરવાની આપી ચીમકી


રાજ્યમાં મગફળીને લઈને અવાર નવાર અહેવાલો સામે આવતા હોય છે. ત્યારે હવે ખેડૂતોના મગફળીના પેમેન્ટને લઈને રાજકારણ ગરમાયું છે. ખેડૂતોના વ્હારે ફરી એકવાર કોંગ્રેસના નેતા લલિત વસોયા આવ્યા છે. ખેડૂતોની મગફળીના પેમેન્ટને લઈને કોંગ્રેસના નેતા લલિત વસોયાએ લેખિતમાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.

મળતી માહિતી પ્રમાણે, ધારાસભ્ય લલિત વસોયાએ અર્ધનગ્ન હાલતમાં વિરોધની ચીમકી ઉચારી છે. તેમજ ધોરાજી, ઉપલેટાના ખેડૂતોને મગફળીનું પેમેન્ટ ચુકવવા માંગ કરી છે. તેમજ 8 દિવસમાં પેમેન્ટ નહીં ચુકવાય તો આપઘાતની ચીમકી આપી છે.

કોંગ્રેસના નેતા લલિત વસોયાએ 8 દિવસમાં પેમેન્ટ નહીં ચુકવાય તો આપઘાતની ચીમકી આપી છે. ધોરાજીના 598, ઉપલેટાના 121 ખેડૂતોને મગફળીના પેમેન્ટ ચુકવાયું નથી. આ સિવાય મંત્રી જયેશ રાદડિયાને પણ લેખિતમાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મગફળીના પેમેન્ટને લઈને અવાર નવાર રાજકારણ ગરમાતું હોય છે. ત્યારે મંત્રી જયેશ રાદડિયાએ લેખિતમાં આપઘાતની ચીમકી ઉચ્ચારી છે. બીજી બાજુ ધોરાજી ઉપલેટાના ધારાસભ્યએ પણ ખેડૂતોને મગફળીનું પેમેન્ટ 8 દિવસમાં નહિ ચૂકવાય તો વિરોધ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ધોરાજીના 598, ઉપલેટાના 121 ખેડૂતોને ડિસેમ્બરમાં વેચેલ મગફળીનું પેમેન્ટ હજુ સુધી મળ્યું નથી. જેના કારણે ધારાસભ્ય લલિત વસોયાએ અર્ઘનગ્ન હાલતમાં વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

મગફળીના પેમેન્ટને લઈ રાજકારણ ગરમાયું, લલિત વસોયાએ અર્ધનગ્ન હાલતમાં આવું કરવાની આપી ચીમકી was originally published on News4gujarati

LRD ભરતી વિવાદ, ફરી મહાઆંદોલન કરવાની આંદોલનકારીઓની ચીમકી, વિધાનસભા ઘેરાવ કરશે


  • સરકારે મહિલા દિવસે નિમણૂંક પત્રો આપવાની જાહેરાત કરી હતી
  • નિમણૂંક પત્રો ન મળતા ફરી આંદોલનની ચીમકી

LRD ભરતી વિવાદ મામલે મહિલા ઉમેદવારોએ બે મહિના કરતા વધુ સમય સુધી આંદોલન કર્યા બાદ ગત ફેબ્રુઆરીમાં સરકારે એક ફોર્મ્યુલા તૈયાર કરી 1 ઓગસ્ટ 2108ના પરિપત્રનો અમલ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી. ગુજરાત સરકારે મહિલા ઉમેદવારોને અન્યાય ન થાય એ માટે 2,150 બેઠક વધારીને 5,227 બેઠક પર ભરતીની સમાધાન ફોર્મ્યુલા જાહેર કરી હતી. ત્યાર બાદ મહિલા ઉમેદવારોએ આંદોલન સમેટી લીધું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, LRD ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. માત્ર એટલું જ નહીં, સરકારે મહિલા દિવસ નિમિત્તે એપોઈન્ટમેન્ટ લેટર આપવાની પણ જાહેરાત કરી હતી. જો કે મહિલા દિવસે એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં ન આવતા આ મહિલા ઉમેદવારોએ ફરી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે આંદોલનનું આયોજન કરનારા સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, જો 11 માર્ચ સુધીમાં મહિલા ઉમેદવારને ઓર્ડર નહીં મળે તો હું અને મારી ટીમ અને LRDની દરેક મહિલા ઉમેદવાર ફરીથી ગાંધીનગરમાં મહાઆંદોલનની તૈયારીઓ કરી વિધાનસભાનો ઘેરાવ કરીશું.

LRD ભરતી અંગે 11 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી
આ અંગે આંદોલનનું આયોજન કરનારા સુરેશ ચૌધરીએ જણાવ્યું કે, હું મહિલાઓ વતી સરકાર ને કહેવા માંગુ છું કે, સરકારે 8 માર્ચે એટલે કે મહિલા દિવસે 62.5 ટકાનું મેરિટ ધરાવતા 5,227 ઉમેદવારોને LRDના નિમણૂંક પત્રો આપી કાર્યવાહી પૂર્ણ કરી દેવાશે, સરકારને એટલું જ કહેવું છે કે હવે બહુ થયું તમે કહ્યું એ પ્રમાણે અમે રાહ જોઈ અને LRD અંગે 11 માર્ચે હાઈકોર્ટમાં સુનાવણી હોવાથી ત્યાં સુધી રાહ જોઈશું.

કઈ કેટગરીની કેટલી જગ્યા વધારી
LRD ભરતી પ્રક્રિયામાં 50 ટકા ગુણાંક અને 62.5 ગુણ મેળવ્યા હોય તેવી બહેનોને લાભ આપવામાં આવશે. બક્ષીપંચની બહેનોની જગ્યા 1834થી વધારી 3248, સામાન્ય કેટેગરીની બહેનોની સંખ્યા જગ્યા 421થી વધારીને 880 તેમજ SCની જગ્યા 346થી 588 અને STની જગ્યા 476થી વધારી 511 કરી છે. આ ઉપરાંત અગાઉના કટઓફ માર્ક્સમાં વધારો કરી 62.5 ગુણ કટઓફ કરવામાં આવતા કુલ 5,227 જગ્યાઓ ઉપર બંને વર્ગની બહેનોને લાભ થશે.

1 ઓગસ્ટ 2018ના પરિપત્રનો અમલ નહીં, 2014નો ઠરાવ ધ્યાનમાં લેવાશે
LRD ભરતી વિવાદ મામલે 18 ફેબ્રુઆરીએ હાઈકોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે કોર્ટમાં જણાવ્યું હતું કે, આંદોલનનો સુખદ અંત આવ્યો છે. નવો ઠરાવ હાલ પુરતો અમલમાં આવશે નહીં, જ્યારે 1 ઓગસ્ટ 2018ના ઠરાવનું પાલન થશે નહીં. આ મામલે 3 સપ્ટેમ્બર 2014ના પરિપત્ર મુજબ સરકાર કાર્યવાહી કરશે. 125માંથી 62.5 માર્ક્સ હશે તેની ભરતી કરવામાં આવશે.ત્રણ અઠવાડીયામાં ભરતી કરવામાં આવશે. આ અંગે વધુ સુનાવણી 11 માર્ચના રોજ યોજાશે.

વિવાદની શરૂઆત કેમ થઈ?
રાજ્ય સરકાર દ્વારા ઓગષ્ટ 2018માં પોલીસ વિભાગની LRD સંવર્ગની કુલ 9,713 જગ્યાની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે 3077 જેટલી જગ્યાઓ હતી, જેની પરીક્ષા 6 જાન્યુઆરી 2019ના રોજ લીધી હતી. આ પરીક્ષાનું મેરિટ 31 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવ્યું હતું. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી છે. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી છે.

LRD ભરતી વિવાદ, ફરી મહાઆંદોલન કરવાની આંદોલનકારીઓની ચીમકી, વિધાનસભા ઘેરાવ કરશે was originally published on News4gujarati

નેસ્ટ કંપનીના કરારના વિવાદમાં કુલપતિના સ્વૈછિક રાજીનામાની માગ


નર્મદ યુનિવર્સિટી દ્વારા મુંબઈની જે નેસ્ટ કંપની સાથે કરાર થયા બાદ રદ કરવા પડ્યા તેને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમાં આજે સેનેટ સભ્યે કુલપતિનું રાજીનામું માગ્યું છે. સેનેટ સભ્ય ગણપત ધમેલિયએ આજે કુલપતિને રજૂઆત કરી હતી કે, આપના કાર્યકાળ દરમ્યાન યુનિવર્સિટીમાં એકથી એક ચડિયાતા વિવાદો ઉભા થયા. આપના અણઘડ વહીવટના કારણે યુનિવર્સિટીનું શિક્ષણ અને વહીવટ બંને ઉંધેકાંધ નીચે પડ્યા છે. અમોને એમ હતુ કે, હવે આપનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે એટલે આપ સખણા રહેશો પરંતુ આપે નેસ્ટ એકેડમી સાથે શંકાસ્પદ કરાર કરીને આપે યુનિવર્સિટીને ખાડે નાખવાની તમામ હદોને પાર કરી દીધી છે.

યુનિવર્સિટીના હિત જોવાને બદલે આખેઆખું કોળું નેસ્ટ એકેડમીને આપી દીધું. અમારી માતૃસંસ્થાની પ્રતીસ્સાને આપે ગંભીર ક્ષતિ પહોચાડી છે. અમારા જાગૃત વિદ્યાર્થી સંગઠન ABVP એ આપની આ તમામ સોગઠાબાજીને ઉંધી પાડીને પ્રશંશનીય અને જવાબદાર વિદ્યાર્થી સંગઠનની જવાબદારી અદા કરી છે. આ કરાર અંગે સૌથી મહત્વનો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે આ કરારના પડદા પાછળના ખરા લાભાર્થીઓ કોણ હતા?

એ દક્ષિણ ગુજરાતની તમામ જનતા જાણવા માગે છે તેથી સત્ય બહાર આવવું જ જોઈએ. તેથી આ માટે આપ ફરી વખત સ્પેશ્યલ સિન્ડિકેટ બોલાવો અને અમારી તપાસ સમિતિની માંગણીને તેમાં રજુ કરી સિન્ડિકેટ સભા નક્કી કરે એ તપાસ સમિતિને તપાસ સોપવામાં આવે. આપે આમાં કોઈ તપાસ સમિતિની રચના કરવી નહીં કારણ કે આપે રહેલી તપાસ સમિતિ પર અમોને બિલકુલ ભરોસો નથી અને હા અમો યુનિવર્સીટીના ટ્રસ્ટીઓ છીએ અને તેમનો પગારદાર કર્મચારી તેથી અમારા દ્વારા લેવાતા નિર્ણયોને તમારે અમલ કરવાનો હોઈ નહીકે આદેશ આપવાનો એટલે આ અમારા આ પત્રની ગંભીર નોંધ લઇ તાત્કાલિક કાર્યવાહી કરવી.

યુનિવર્સિટીના સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ, આચાર્યો અને અમારૂ વિદ્યાર્થીઓનું સંગઠન ABVP અને દક્ષિણ ગુજરાતની જનતાને આપનામાં વિશ્વાસ રહ્યો નથી. આ તમામ સાથે આપે વિશ્વાસઘાત કર્યો છે. જેથી અવિશ્વાસુ શાસકે શાસન કરવું જોઈએ નહિ. આપને અમારી નમ્ર વિનંતી છે કે આપ સ્વેચ્છાએ રાજીનામું આપી અને અમારી માતૃસંસ્થાને વધુ બદનામ ન કરો. અન્યથા અમો સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો, અધ્યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ, આચાર્યો અને અમારૂ વિદ્યાર્થીઓનું સંગઠન અને દક્ષિણ ગુજરાતની જનતા સાથે મળીને એકસાથે મેદાનમાં ઉતરવું પડશે. દક્ષિણ ગુજરાતની જનતાને આપનામાં વિશ્વાસ રહ્યો નથી. આ તમામ સાથે આપે વિશ્વાસઘાત કર્યો છે.

નેસ્ટ કંપનીના કરારના વિવાદમાં કુલપતિના સ્વૈછિક રાજીનામાની માગ was originally published on News4gujarati

વડોદરામાં આવેલી રીક્ષા ગેંગનો વધુ એક મહિલા શિકાર બની


અમરેલીથી વડોદરા આવી રિક્ષામાં પેસેન્જરોને લૂંટતી ગેંગનો ભોગ બનેલી વધુ એક સિનિયર સિટીઝન મહિલાએ પોલીસ ફરિયાદ કરી છે.

બે દિવસ પહેલા કારેલીબાગ પોલીસે અમરેલીના રાજુલા ખાતે રહેતા રમેશ શંકર બજાણીયા, તેની પત્ની રાજુ બજાણીયા અને પાવાગઢની તળેટીમાં રહેતા રીક્ષાચાલક સુનિલ ચુડાસમાને ઝડપી પાડી પૂછપરછ કરતા પાવાગઢથી રિક્ષામાં વડોદરા આવી પાંચ દિવસમાં પાંચ પેસેન્જરોને લૂંટી લીધા હોવાની વિગતો બહાર આવી હતી. જે બનાવમાં વધુ એક સિનિયર સિટીઝન મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

અકોટાના ત્રિવેણી પાર્કમાં રહેતા ભારતીબેન સોનીએ પોલીસે જણાવ્યું છે કે,તા. 25મીએ સાંજે હું અલકાપુરી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે દર્શન કરી પરત ફરતી હતી ત્યારે એક રિક્ષા ચાલકે મને રીક્ષામાં બેસી જવાનું કહ્યું હતું. મારે ખરીદી કરવાની હોવાથી ઇનકાર કરતા રીક્ષા ચાલકે માત્ર પાંચ રૂપિયા આપી દેજો તેમ કહેતા હું રિક્ષામાં બેસી ગઈ હતી.

આ વખતે રિક્ષામાં એક સ્ત્રી પુરુષ બાળક સાથે બેઠા હતા.રસ્તામાં પુરુષ તેની બેગ મારા હાથ પર મૂકતો હોવાથી મેં તેને બેગ ખસેડી લેવા કહ્યું હતું.જેથી પુરૂષે મને ફાવતું નથીઆ માજી ને ઉતારી દો… તેમ કહેતા રિક્ષાચાલકે ભાડું લીધા વગર મને ઉતારી દીધી હતી.

હું જ્યારે ખરીદી કરવા સ્ટોરમાં ગઈ ત્યારે મારા હાથમાંથી એક તોલાની બંગડી ગુમ જણાઈ હતી. ગોત્રી પોલીસે ફરિયાદના આધારે કારેલીબાગમાં પકડાયેલી ગેંગ સામે ગુનો નોંધ્યો છે.

વડોદરામાં આવેલી રીક્ષા ગેંગનો વધુ એક મહિલા શિકાર બની was originally published on News4gujarati

વડોદરા કોર્પોરેશને હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા, હારડા અને સેવનું કર્યુ ચેકિંગ


– 28 દુકાનોમાંથી 44 નમૂના લઇ તપાસવા માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા

હોળી-ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા 28 દુકાનોમાં ચેકિંગ કર્યું હતું અને ધાણી, ખજૂર, હારડા, ચણા, સેવ, પતાસા વગેરેનું ચેકિંગ કર્યું હતું અને 44 નમૂના લીધા હતા.

ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા તારીખ 3થી 6 સુધીમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેમકે મકરપુરા, માંજલપુર, છાણી, ખંડેરાવ માર્કેટ, અલકાપુરી, પાણીગેટ, ચોખંડી, ગોત્રી રોડ, ઇલોરાપાર્ક, હાથીખાના, આજવા રોડ, ફતેપુરા વગેરે વિસ્તારમાં આવેલી દુકાનોમાં અને મોલમાં ચેકિંગ કર્યું હતું જ્યાંથી પેકિંગમાં અને છૂટક વેચાતા ખજૂર, ચણા વગેરેના નમૂના લઇ તપાસ કરવા માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ચણાને પીળા રંગના કરવા માટે હળદર કે પછી કૃત્રિમ રંગનો ઉપયોગ કર્યો છે કે નહીં હારડા અને પતાસા બનાવવામાં મીઠાશ જાળવવા કેમિકલ વાપર્યા છે કે નહીં તેમજ ઘઉંની સેવ બનાવવામાં રંગ વાપર્યો છે કે નહીં તેનું પણ લેબોરેટરીમાં ચેકિંગ કરાશે. ચેકિંગ દરમિયાન નમૂના લેવા ઉપરાંત દુકાનોમાં સ્વચ્છતા જાળવવા કડક સૂચના આપવામાં આવી હતી.

વડોદરા કોર્પોરેશને હોળી પર્વે ધાણી, ખજૂર, ચણા, હારડા અને સેવનું કર્યુ ચેકિંગ was originally published on News4gujarati

વડોદરા કોર્પોરેશન સ્મશાન ગૃહનું સંચાલન પણ આઉટસોર્સિંગથી કરશે


– કોર્પોરેશન તેની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે, આવેદનપત્ર આપી વિરોધ

સફાઈ સિક્યુરિટી વિહિકલ શાખા, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગેરેમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામગીરી કરાવતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર હવે સ્મશાનનું પણ સંચાલન કરવા આઉટસોર્સિંગ માટે જઈ રહ્યું છે. જેની સામે વિરોધ ઊભો થયો છે.

વડોદરા કોર્પોરેશનમાં આ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે કોર્પોરેશન લોકો પાસેથી તમામ પ્રકારના વેરાની વસૂલાત કરે છે તો પછી સ્મશાનની સુવિધા મફત આપવી જોઈએ અને તેનું આઉટસોર્સિંગ કરવું ન જોઈએ. આઉટસોર્સિંગથી સ્મશાનની સુવિધા મોંઘી થશે. 

સામાજિક કાર્યકર અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા અપાયેલા આવેદન પત્રમાં રજૂઆત કરાઈ હતી કે કોર્પોરેશન સ્મશાનની સુવિધાનું આઉટસોર્સિંગ કરીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે.

સંચાલન માટે ચાર વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હોવાથી તેની કામગીરી પર અસર પડી રહી છે. શહેરમાં હાલ બાવીસ સ્મશાન ગૃહ છે. જેની દેખરેખ સફાઈ ગેસ ચિતા ચલાવનાર ઓપરેટર સુપરવાઇઝર સિક્યુરિટી વગેરેનું આઉટસોસિંગ કરાવવા ચારેય ઝોનમાં ચાર એનજીઓને કામગીરી સોંપવા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

વડોદરા કોર્પોરેશન સ્મશાન ગૃહનું સંચાલન પણ આઉટસોર્સિંગથી કરશે was originally published on News4gujarati

Previous Older Entries

Blog Stats

  • 517,407 hits
%d bloggers like this: