સાઈકલ મારી સરરર જાય..ટીન ટીન ટોકરી વગાડતી જાય

– પ્રતિ કલાકના બે રૂપિયાના ભાડાથી સાઈકલ અપાશે સાઈકલ આપતા પહેલા આધારકાર્ડ સહિતના પુરાવા જોઈશે

સ્માર્ટ સિટી અમદાવાદ માટે હવે સાઈકલ યુગના પગરણ શરૂ થયા છે.શહેરનું સતત વધતુ જતુ હવાનું પ્રદૂષણ શહેરીજનોના જાહેર આરોગ્યની સુખાકારી માટે જોખમરૂપ બનતુ જઈ રહ્યુ છે.

આ પરિસ્થિતિમાં મ્યુનિ.એ ગ્રીન મોબેલીટીના થીમ આધારીત એકત્રીસ જેટલા અલગ અલગ લોકેશનો ઉપર માય બાઈક નામથી સાઈકલો મુકી છે.વાહન ચાલકો પોતાનુ વાહન મુકી સાઈકલનો ઉપયોગ કરી અમદાવાદનુ વધતુ હવાનુ પ્રદૂષણ ઘટાડવામાં યોગદાન આપે એ હેતુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર,અમદાવાદ શહેરના છેલ્લા એક દશકામાં વધેલા વિસ્તાર,વસ્તી અને વાહનોની સંખ્યામાં સતત વધારાના ગ્રાફથી મોટાભાગના વિસ્તારોમા દિવસના કોઈ પણ સમયે હવાના પ્રદૂષણનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે.

આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં લઈ મ્યુનિ.દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેકટ હેઠળ માય બાઈકના શીર્ષક સાથે સાઈકલો મુકવાની શરૂઆત કરાઈ છે.હાલ મ્યુનિ.ની મુખ્ય કચેરી દાણાપીઠ થી લઈ અન્ય ઝોન ઓફીસ, બી.આર.ટી.એસ.ના મુખ્ય બસ સ્ટોપ તેમજ શહેરના અન્ય કેટલાક મુખ્ય જંકશનો પર આ સાઈકલો મુકાઈ રહી છે.

સી.જી.રોડના વેપારીઓ માટેનો રિક્ષા પ્રોજેકટ નિષ્ફળ

મ્યુનિ.દ્વારા શહેરના પશ્ચિમ ઝોનમાં નવરંગપુરા બસ સ્ટેન્ડ પાસે રૂપિયા સિત્તેર કરોડના ખર્ચથી મલ્ટી સ્ટોરેડ પાર્કીંગ કાર્યરત કરાયુ છે.આ પાર્કીંગ શરૂ કરાયુ એ સમયે નવરંગપુરાના મલ્ટીસ્ટોરેડ પાર્કીંગમાં સી.જી.રોડ પર વ્યવસાય કરતા વેપારીઓ તેમના વાહનો આ પાર્કીંગમાં પાર્ક કરે એ પછી રીક્ષાની મદદથી એમને સી.જી.રોડ સુધી મુકવા માટે મ્યુનિ.દ્વારા પાંચ જેટલી રીક્ષા મુકાઈ હતી.

પરંતુ વધુ પડતા પાર્કીંગના દરોના કારણે સી.જી.રોડના વેપારીઓએ નવરંગપુરાના પાર્કીંગમાં તેમના વાહનો પાર્ક કરવાનુ ટાળી દેતા મ્યુનિ.દ્વારા એ સમયે મુકાયેલી પાંચ પૈકીની એક પણ રીક્ષા આ પાર્કીંગની બહાર ઉભી રહેલી જોવા મળતી નથી.

પહેલા ઈ-રિક્ષા,હવે સાઈકલ ને બાદમાં ઈ-બાઈક આવશે

વર્ષ-2019ના ડીસેમ્બરમાં રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મ્યુનિ.ના સ્માર્ટ સિટી વિભાગના કેટલાક પ્રોજેકટસ ને બહાલી આપવાની વાત થઈ હતી.ગ્રીન મોબેલીટી હેઠળ પહેલા ઈ-રીક્ષા આવી.શહેરના 48 વોર્ડમાં 48 ઈ-રીક્ષા કાર્યરત છે.

જેટની ટીમ દ્વારા આ ઈ-રીક્ષા ઉપયોગમાં લેવાય છે.હાલ પાંચસો સાઈકલો મુકાઈ રહી છે.આવનારા સમયમાં ઈ-બાઈક પણ સ્માર્ટ સિટી અમદાવાદ પ્રોજેકટસ હેઠળ મુકવાનુ આયોજન છે.

અમદાવાદનું હવાનું પ્રદૂષણ ઘટાડવા 31 સ્થળોએ 500 સાઈકલો મૂકાઈ was originally published on News4gujarati