કરજણ હાઇવે પરના હોરિઝોન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાંથી કૌભાંડ ઝડપાયું હતું ઃ સુરતનો મુનાફ હજી ફરાર
વડોદરા-કરજણ હાઇવે પર આવેલા હોરિઝોન ઇન્ડસ્ટ્રિયલ પાર્કના પ્લોટમાં ટેન્કરમાંથી ફર્નેશ ઓઇલની ચોરીના કૌભાંડમાં કારેલીબાગ વિસ્તારમાં રહેતા કંપનીના માલિકની જિલ્લા એસઓજીએ ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા છે. વડોદરા નજીક આસોજ ખાતે આઇઓસીએલના ડેપો પરથી ફર્નેશ ઓઇલ ભરીને દહેજ ખાતે જતી ટેન્કરોમાંથી ઓઇલ કાઢી લેવાના આ કૌભાંડમાં સુરતનો મુનાફ હજી ફરાર છે
કરજણ તાલુકાના બામણગામ પાસે હોરિઝોન ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં આવેલી ગ્રીન એન્વાયરમેન્ટ કોર્પોરેશન નામની કંપનીના પ્લોટમાં સુરતનો મુનાફ પટેલ તેમજ તેનો માણસ કલ્પેશ આઇઓસીએલમાંથી ફર્નેશ ઓઇલ ભરી નીકળતા ટેન્કરોના ડ્રાઇવરો સાથે મેળાપીપણું કરી ટેન્કરો પોતાના પ્લોટમાં લાવી ટેન્કરોના સીલ તોડી ફર્નેશ ઓઇલની ચોરી બાદ ગેરકાયદે વેપાર કરે છે તેવી બાતમીના આધારે એસઓજીએ ગ્રીન એન્વાયરમેન્ટ કોર્પોરેશનના પ્લોટમાં દરોડો પાડી રૃા.૬૧.૨૯ લાખનો મુદ્દામાલ કબજે કરી કલ્પેશ યાદવ તેમજ ચાર ટેન્કરોના ડ્રાઇવરો, ત્રણ શ્રમજીવી સહિત આઠની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે ગ્રીન એન્વાયરમેન્ટ કોર્પોરેશન નામની કંપની માટે ચિરાગ અશોકભાઇ નાથાણી (રહે.રત્નમાલા સોસાયટી, બ્રાઇટ સ્કૂલની પાછળ, વીઆઇપી રોડ , કારેલીબાગ)એ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને આ કંપનીના નેજા હેઠળ ગેરકાયદે કેમિકલ તેમજ ફર્નેશ ઓઇલનો કાળો વેપાર સુરતના મુનાફ સાથે કરતો હતો. પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ માટે કોર્ટમાંથી તા.૩ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચિરાગ નાથાણી અગાઉ અમદાવાદ જિલ્લાના સાણંદ પોલીસ સ્ટેશનમાં પણ વર્ષ-૨૦૧૮માં ઓઇલ ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આ ગુનામાં મુખ્ય ભેજાબાજ સુરતના મુનાફને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
એન્વાર્યમેન્ટ કંપનીના નેજા હેઠળ કેમિકલ અને ઓઇલ ચોરીનું કૌભાંડ was originally published on News4gujarati