મેટ્રો રેલમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાની પત્ની નીલુ ગુપ્તાને હાઈકોર્ટે જોરદાર ઝટકો આપ્યો છે. ઈડીએ નોંધેલાં મની લોન્ડરિંગ કેસ હેઠળ ધરપકડથી બચવા માટે સંજય ગુપ્તાના પત્ની નીલુ ગુપ્તાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરી હતી. પણ હાઈકોર્ટે નીલુ ગુપ્તાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.

આગોતરા જામીન માટે નીલુ ગુપ્તાએ કોર્ટમાં કરી કાકલૂદી

ઈડીએ મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ(MEGA)ની કંપનીના ફંડમાં કથિત ગેરરીતિ આચરવા મામલે પૂર્વ IAS ઓફિસર સંજય ગુપ્તા અને તેમના પત્ની નીલુ ગુપ્તા સામે મની લોન્ડરિંગ હેઠળ કેસ ગુનો નોંધ્યો હતો. EDએ નીલુ ગુપ્તાને 3 વખત હાજર રહેવા સમન્સ આપ્યું હતું. પણ કેસમા સહકાર ન આપતાં હોવાની EDએ HC સમક્ષ રજૂઆત કરી હતી. સાથે જ મેટ્રોનાં કરોડો રૂપિયાના ગૌટાળાની નીલુ ગુપ્તાને જાણ હોવાની રજૂઆત પણ ઈડીએ હાઈકોર્ટમાં કરી હતી. સાથે જ ઈડીએ જણાવ્યું હતું કે, નીલુના બેન્ક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયાની વિગતો છે. તો બીજી બાજુ બચાવમાં નીલુ ગુપ્તાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, કંપનીમાં રાજીનામું આપ્યું છે અને આ કેસમાં મારી કોઈ ભૂમિકા નથી. પણ ઈડીના તથ્યોને આધારે હાઈકોર્ટે નીલુ ગુપ્તાની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.

અગાઉ EDએ 36 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી

અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એન્ટી મની લોન્ડરિંગ હેઠળ ગુજરાત કેડરના પૂર્વ IAS(1985 બેચ) સંજય ગુપ્તા અને તેના પત્ની નીલુ ગુપ્તા અને નિસા ગ્રુપની રૂ.36 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઈડીની તપાસમાં ખુલાસો થયો કે, કુલ 36.12 કરોડ રૂપિયા સંજય ગુપ્તા, તેની પત્ની નીલુ ગુપ્તા અને તેની કંપની નિસા ગ્રુપ ઓફ કંપનીઝની નિસા લેઝર લિમિટેડ, નિસા ટેકનોલોજીસ, નિસા એગ્રિટેક એન્ડ ફૂડ્ઝ લિમિટેડના એકાઉન્ટમાં ડાયવર્ટ કરી બિઝનેસમાં ઉપયોગ કર્યો. તેમજ વિવિધ લોન એકાઉન્ટ્સમાંથી રિપેમેન્ટ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સંજય ગુપ્તા એપ્રિલ 2011થી ઓગસ્ટ 2013 સુધી મેગાના ચેરમેન હતા. સંજય ગુપ્તાએ 2002માં નોકરી છોડી દીધી હતી અને ત્યાર બાદ નિસા ગ્રુપ ઓફ કંપનીઝ નામે પોતાનો હોસ્પિટાલિટી બિઝનેસ શરૂ કર્યો હતો.

મેટ્રો રેલનાં કૌભાંડી પૂર્વ IAS અધિકારીની પત્નીએ કરી કાકલૂદી, પણ ગુજરાત હાઈકોર્ટે આપ્યો જોરદાર ઝટકો was originally published on News4gujarati