નિયમ મુજબ 14 દિવસ સુધી દરરોજ તેમની તબીયત પૂછવામાં આવશે
વિશ્વમાં કોરોનાનો ભય હોવાથી લોકો કોરોનાગ્રસ્ત દેશોમાં જતા ડરે છે તેમજ ત્યાં ફસાયેલા પ્રવાસીઓ બહાર નીકળવા મથી રહ્યા છે તેમજ પરત આવે એટલે ઓબ્ઝર્વેશનમાં રહેવું પડે છે. આ સ્થિતિને કારણે ટૂરિઝમ પર ભારે અસર પડી છે અને ટૂરના ભાવ પડી ગયા છે. આવી કપરી સ્થિતિમાં રાજકોટના યુવાનોને તક દેખાઈ અને શહેરના 18 અને જિલ્લાના 7 યુવાન સસ્તા ભાવે થાઈલેન્ડની ટૂર કરવા નીકળી ગયા હતા. થાઈલેન્ડમાં આઠ દિવસ વિતાવી હરવા ફરવાની મોજ કર્યા બાદ જ્યારે
પરત ફર્યા એટલે તુરંત જ સરકારમાંથી તેઓને ઓબ્ઝર્વેશનમાં રાખવા માટેની સૂચના આવી ગઇ હતી જેથી હવે આ તમામ 14 દિવસ સુધી આરોગ્ય વિભાગની નજર હેઠળ જ રહેશે.
લક્ષણો દેખાશે તો આઈસોલેશન વોર્ડમાં રખાશે
આરોગ્ય વિભાગના સૂત્રો મુજબ આ તમામ યુવાન 20થી 35 વર્ષની વચ્ચેના છે તેમજ બધા સિંગલ જ ટૂર માટે ગયા હતા. હાલ તો એક પણ યુવાનમાં શરદી, ખાંસીના લક્ષણો જોવા મળ્યા નથી. નિયમ મુજબ 14 દિવસ સુધી દરરોજ તેમની તબીયત પૂછવામાં આવશે અને જો કોઇનામાં પણ સહેજે પણ શરદી, ખાંસી, તાવ જેવા લક્ષણો દેખાશે તો આઈસોલેશન વોર્ડમાં રખાશે.
રાજકોટના 25 યુવાને થાઈલેન્ડમાં 8 દિવસ મજા કરી, હવે 14 દિવસ ઓબ્ઝર્વેશનમાં રહેશે was originally published on News4gujarati