ઇરાકની રાજધાની બગદાદના ગ્રીન ઝોનમાં સોમવારે વહેલી સવારે એક પછી એક એમ બે રોકેટથી ફરીથી હુમલો કરવામાં આવ્યો છે. તેમાંથી એક રોકેટથી બગદાદ ખાતે આવેલ અમેરિકન એમ્બેસીને ટાર્ગેટ કરવામાં આવી. જો કે, આ હુમલામાં કોઈ જાનહાનિ નથી થઈ.

આપણે જણાવી દઈએ કે બગદાદમાં ખૂબ જ સુરક્ષિત વિસ્તાર તરીકે જાણીતા ગ્રીન ઝોનમાં કેટલાક દેશોની એમ્બેસી આવેલી છે. તેથી અહીં સુરક્ષા ચુસ્ત રાખવામાં આવે છે. જો કે, ઓક્ટોબર 2019 બાદ કેટલીક વખત આ વિસ્તારને ટાર્ગેટ કરી રોકેટથી હુમલો કરવામાં આવી ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઓક્ટોબર પછીથી અમેરિકાના ઠેકાણાઓ પર કરવામાં આવેલો આ 20મો હુમલો છે.

અમેરિકા દ્વારા ઇરાની જનરલની હત્યા બાદથી જ આ વિસ્તારમાં તણાવની સ્થિતિની ખબરો આવતી રહી છે. સૂત્રો મુજબ બદલો લેવાની કાર્યવાહી હેઠળ ઇરાન સમર્થિત સંગઠનો દ્વારા કેટલીક વખત અહીં અમેરિકી એમ્બેસી વિસ્તારને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ઈરાકમાં કિરકુકમાં 27 ડિસેમ્બરે સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા રોકેટ હુમલામાં અમેરિકન કોન્ટ્રાક્ટરનું મોત થયું હતું. જ્યારે હુમલામાં ઘણાં અમેરિકન અને ઈરાકના સૈનિકો પણ ઘાયલ થયા હતા.

ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા:

આપને જણાવી દઈએ કે અમેરિકાએ 3 જાન્યુઆરીએ બગદાદ એરપોર્ટ પર ડ્રોન હુમલો કરી ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. આ હુમલા બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. અમેરિકાના હુમલા બાદથી અને સુલેમાનીના મોત પછી બગદાદમાં આવેલ અમેરિકન એમ્બેસી પર હુમલો અને 7 જાન્યુઆરીએ ઈરાને ઈરાકમાં આવેલા બે અમેરિકન સૈન્ય બેસ પર 22 મિસાઈલ છોડી હતી.

US-ઈરાક તંગદીલી: એક વાર ફરી અમેરિકન એમ્બેસી પર હુમલો, એક પછી એક બે રોકેટ છોડ્યા was originally published on News4gujarati