માતા પર બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરાઇ હોવાના આક્ષેપ સાથે તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાની માંગણી

ભરૃચ જિલ્લાના વેલુ ગામેથી સાસરીમાં આવવા નીકળેલી યુવતી અને માસુમ પુત્રની લાશ હલદરવા ગામની સીમમાંથી એક માસ પહેલા મળ્યા બાદ માતા અને પુત્રના મોતનું રહસ્ય ઘેરાયું છે. મૃતકના પતિએ બળાત્કાર ગુજારી પત્ની અને પુત્રની હત્યા કરી હોવાના આક્ષેપ સાથે સમગ્ર તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવાની માંગણી કરી છે.

આ અંગેની વિગત એવી છે કે ભરૃચ તાલુકાના ઝનોર ગામમાં રહેતા મુકેશ ઠાકોરભાઇ માછીના લગ્ન ઝઘડિયા તાલુકાના વેલુ ગામમાં રહેતી હેતલ સાથે થયા હતાં. લગ્ન બાદ હેતલે એક પુત્રને જન્મ આપ્યો હતો જે સવા વર્ષનો હતો. તા.૬ જાન્યુઆરીના રોજ સાસુને હાર્ટ એટેક આવતા મુકેશ,  તેની પત્ની હેતલ અને પુત્ર ધાર્મિક સાથે સાસુની ખબર જોવા માટે વેલુ ગામ ગયા હતાં. સાસુની તબિયત સારી નહી હોવાથી પત્ની અને પુત્ર ત્યાં જ રોકાઇ ગયા હતા જ્યારે મુકેશને નોકરી પર જવાનું હોવાથી તે પરત આવ્યો હતો.

તા.૨૦ જાન્યુઆરીના રોજ હેતલે પોતે જાતે જ પુત્રને લઇને ઘેર આવી જશે તેમ કહેતા મુકેશે તેના મોટા ભાઇ વિજયને ગામના બસ સ્ટેન્ડ પર બંનેને લેવા જવા કહ્યું હતું પરંતુ હેતલ અને તેનો પુત્ર પરત નહી ફરતા સંબંધીઓ દ્વારા શોધખોળ કરવા છતાં બંનેનો પત્તો મળ્યો ન હતો. આ અંગે ઉમલ્લા પોલીસને જાણ કરાયાના પાંચ દિવસ બાદ કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાંથી હેતલ અને ધાર્મિકની લાશ મળી હતી. કરજણ પોલીસે જે તે સમયે પુત્રનું ગળુ દબાવી હેતલે પોતે ઝેર પી આત્મહત્યા કરી હોવાનો ગુનો દાખલ કર્યો હતો.

જો કે કરજણ પોલીસની તપાસ પર શંકા ઉભી કરી આજે મુકેશ માછીએ આઇજી, ડીએસપી, કલેક્ટરને ફરિયાદ કરી છે કે કરજણ પોલીસ સ્ટશનના તે સમયના અધિકારીએ અમારી હકીકતોને ધ્યાનમાં લીધી નથી ત્રણ આરોપી અને એક મહિલા સહિત ચાર વ્યક્તિને શંકાના આધારે પૂછપરછ કર્યા બાદ છોડી દેવાયા છે. અમને તેમજ સારી પક્ષના સભ્યોને જેના પર શંકા છે તેના પર કોઇ કાર્યવાહી કરાઇ નથી. હેતલે દવા પીને આત્મહત્યા કરવી હોય તો નારેશ્વરની આજુબાજુના ખેતરમાં જઇને કરી શકત છેક હલદરવાથી લાશ મળતા અનેક શંકાઓ ઉભી થઇ છે. તેમ જણાવી આ કેસની ઝીણવટપૂર્વક તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે.

પિયરથી સાસરીમાં જવા નીકળેલી માતા અને પુત્રની હત્યા કરાઇ છે was originally published on News4gujarati