– પાઈપો પણ તૂટેલી અને તિરાડ વાળી હલકી કક્ષાની છે

– કોર્પોરેશનના કોઈ ઇજનેર સ્થળ પર દેખાતા નથી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કારેલીબાગમાં જીવનભારતી સ્કુલથી બહુચરાજી રોડ સુધી હાલ ગટર લાઇનનું કામ ચાલુ છે. ગટર લાઈન માટે સિમેન્ટની જે પાઈપો નાખવામાં આવી રહી છે તે હલકી કક્ષાની છે અને તૂટેલી તેમજ તિરાડ વાળી પણ છે. લાઈન ફિટ કરવામાં કોઈ ક્વોલિટી વર્ક થતું નથી. કામગીરીની ક્વોલિટી અંગે તપાસ કરવા માગ ઉઠી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનરને આ અંગે કોંગ્રેસ દ્વારા લેખિત જાણ કરવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે 10 મહિના પહેલા કોર્પોરેશને જે રોડ બનાવેલો હતો તે આખો ખોદી નાખ્યો છે અને 20 ફુટની ઊંડાઈ સુધી ખોદકામ કરી ગટર લાઈન નાખવામાં આવી રહી છે. કામગીરીમાં વેઠ ઉતારવામાં આવે છે. 

એકબીજા સાથે પાઈપો કોલરમાં ફિટ કર્યા વિના કે રબર રીંગ પહેરાવ્યા વિના નાંખવામાં આવે છે. લાઇનના સાંધા પર એક તગારૂ સિમેન્ટ કોંક્રિટ નાખી કામ કરે છે. 18 ઈંચ ડાયામીટર વ્યાસ ધરાવતી લાઇનની કામગીરી માટે કોર્પોરેશનના કે પછી થર્ડ પાર્ટી ઇન્સ્પેકશનના કોઈ એન્જિનિયર દેખાતા નથી.

તકલાદી પાઈપો અને હલકી કામગીરી સંદર્ભે ગેરીના એન્જિનિયરો આર એન્ડ બીના એન્જિનિયર યુનિવર્સિટીના એન્જિનિયરિંગ વિભાગના નિષ્ણાતો પાસે ચકાસણી કરાવી જો ક્ષતિઓ જણાય તો પગલા લેવા માંગણી કરી છે.

વડોદરાના કારેલીબાગમાં ગટર લાઈનની તકલાદી કામગીરીની તપાસ કરવા માંગણી was originally published on News4gujarati