– દોઢથી બે કલાક મોડો કાર્યક્રમ શરૂ કરાતા

– શિક્ષણના બદલે વાલી દિન ઉજવણીમાં ભાજપના જ ગુણગાન, ચાર વાગ્યાના કાર્યક્રમ માટે શિક્ષકોને 2:30 વાગ્યાના બેસાડી દેવામાં આવે છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ઉજવનારો વાલી દિન ભાજપ માટે પ્રચાર માધ્યમ તો વાલી- વિદ્યાર્થી શિક્ષકો માટે સજાનો દિવસ બની રહ્યો છે. વાલી દિનની ઉજવણીમાં સરકારી રૂપિયાનો ધુમાડો કરીને ભાજપના નેતાઓ પોતાના જ ગુણગાન કરતા હોવાની ફરિયાદ બહાર આવી છે. 

વાલી દિનની ઉજવણીમાં વાલી- વિદ્યાર્થી અને શિક્ષકોને કલાકો પહેલાં બોલાવી દેવામાં આવે છે જ્યારે ભાજપના નેતાઓ મોડા આવતાં હોવાથી વાલી- વિદ્યાર્થી અને શિક્ષકોની હેરાનગતિ વધી રહી છે. 

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અત્યારે ઝોન પ્રમાણે વાલી દિનની ઉજવણી થઈ રહી છે. જેમાં સમય કરતાં કાર્યક્રમ કલાકો મોડો શરૂ થતો હોવાની ફરિયાદ બંધ થતી નથી. 

આકરા તાપમાં ચાર વાગ્યાનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓને 2:30 વાગ્યાના બેસાડી દેવામાં આવે છે. જોકે, સમિતિના શાસકો અને ભાજપના નેતાઓ દોઢથી બે કલાક કાર્યક્રમમાં મોડા આવતાં હોવાથી વિદ્યાર્થી-શિક્ષકોની હાલત કફોડી થઈ રહી છે. 

સમિતિના શિક્ષક- વિદ્યાર્થીઓને આવા પ્રકારની હેરાનગતિ હોવા છતાં શાસકોના ડરથી કોઈ ફરિયાદ કરતું નથી. કતારગામ, વરાછા અને સેન્ટ્રલ- અઠવા ઝોનમાં યોજાયેલા કાર્યક્રમમાં જાહેર કરેલા સમય કરતાં બે કલાક જેટલો મોડો કાર્યક્રમ શરૂ કરાતા વાલી દિનની ઉજવણી વિદ્યાર્થી-વાલી અને શિક્ષકો માટે સજારૂપ બની ગઈ હતી.

વાલી દિનની ઉજવણીમાં સમિતિ- મ્યુનિ.ના લાખો રૂપિયાનો ધુમાડો કરવામા આવી રહ્યો છે પરંતુ આ કાર્યક્રમ શિક્ષણ સુધારણાની વાતને બદલે ભાજપના વખાણ કરવાનો જ કાર્યક્રમ બની ગયો છે. 

મ્યુનિ.ના બદલે શાસકો જ પગાર આપતાં હોય તેમ પોતાના જ વખાણ કરવા માટે કાર્યક્રમનો ઉપયોગ થઈ રહ્યો છે. પોતાના વખાણ કરીને ભાજપના નેતાઓ અડધો કલાકમાં જ નીકળી જાય છે ત્યાર બાદ વાલી- વિદ્યાર્થી અને શિક્ષકોએ કાર્યક્રમ પુરો કરવો પડી રહ્યો છે. વાલી- વિદ્યાર્થી અને શિક્ષકો આકરી ગરમીમાં શેકાઈ રહ્યાં હોવા છતાં શાસકો પોતાની પ્રસિધ્ધિમાંથી ઉંચા આવતા ન હોવાનો આક્ષેપ કરવામા આવી રહ્યાં છે.

પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગમાં નાસ્તો અપાતાની ફરિયાદ 

સુરત મહાનગર પાલિકા તંત્ર અને ભાજપ શાસકો સુરતને પ્લાસ્ટીક ફ્રી સીટી બનાવવા માટે મોટી મોટી વાતો કરી રહ્યાં છે પરંતુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકો દ્વારા વાલી દિનની ઉજવણીમાં આપવામાં આવતો નાસ્તો પ્લાસ્ટીક બેગમાં પેક કરીને આપવામા આવે છે. 

આ નાસ્તાની ગુણવત્તા સામે પણ વાલીઓ સવાલ ઉઠાવી રહ્યાં છે. વાલી દિનની ઉજવણીમાં પ્રતિબંધિત પ્લાસ્ટીક બેગમાં વાલી અને વિદ્યાર્થીઓને નાસ્તાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

સામાન્ય દુકાનદાર આ પ્રકારની પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરે તો મ્યુનિ. તંત્ર પ્રતિબંધિત બેગ હોવાનું જણાવીને આકરો દંડ કરે છે તો બીજી તરફ શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં જ નાસ્તો પ્લાસ્ટિક બેગમાં આપવામા આવી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ જે નાસ્તો આપવામા આવી રહ્યો છે. તેની ગુણવત્તા સામે પણ પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યાં છે. મ્યુનિ. તંત્ર અન્ય જગ્યાએથી ફુડ સેમ્પલ લે તેમ આ નાસ્તાના ફુડ સેમ્પલ લે તેવી માગ વાલીઓ કરી રહ્યાં છે.

સુરત સમિતિની શાળાનો વાલી દિન બન્યો શિક્ષક, વાલી, વિદ્યાર્થી માટે સજા દિન was originally published on News4gujarati