• ફાસ્ટેગની એપ્લિકેશન પરથી ફાસ્ટેગ મંગાવ્યું હતુ પરંતુ ચાલતુ ન હોવાથી મુશ્કેલીમાં મૂકાયા
  • ટ્રોલ ફ્રી નંબર પર કહે છે કે, તમારો મોબાઇલ નંબર કે વ્હીકલ નંબર રજીસ્ટર નથી

નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજીયાત કરવામાં આવ્યો છે, પરંતુ ફાસ્ટેગને કારણે લોકોને હેરાન-પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. વડોદરા શહેરના 75 વર્ષીય સિનિયર સિટીઝને ફાસ્ટેગની એપ્લિકેશન પરથી ફાસ્ટેગ મંગાવ્યું હતું. જેથી તેઓ છેલ્લા 3 મહિનાથી ફાસ્ટેગ એક્ટિવેશન માટે ધક્કાઓ ખાઇ રહ્યા છે. પરંતુ તે એક્ટિવ થયું નથી.
SBIના કર્મચારીઓ ફાસ્ટેગની ટ્રેનિંગ ન મળી હોવાનું કહે છે
વડોદરા શહેરના ભૂપેન્દ્રભાઇ નાનજીભાઇ સોલંકી (રહે, 25, હરકાશી સોસાયટી, એરપોર્ટ સામે, વડોદરા)એ ડિસેમ્બર મહિનામાં તેમની કાર માટે ફાસ્ટેગની એપ પરથી ઓનલાઇન ડેબીટ કાર્ડથી 599 રૂપિયા પેમેન્ટ કરીને ફાસ્ટેગ મંગાવ્યું હતું. જેથી તેમને એસબીઆઇ ફાસ્ટેગ મળ્યું હતું. પરંતુ તે એક્ટિવ થતું નહોતું. જેથી તેઓએ એસબીઆઇ ફાસ્ટેગના ટોલ ફ્રી નંબર ઉપર ફોન કર્યો હતો. પરંતુ તેમને બીજો નંબર આપતા તે નંબર પરથી તેમને જાણવા મળ્યું હતુ કે, હવે આ ફાસ્ટેગ કોઇ કામનું નથી તમારા પૈસા ગયા. જેથી ભૂપેન્દ્રભાઇએ સંગમ ચાર રસ્તા પાસે આવેલી એસબીઆઇમાં સંપર્ક કર્યો હતો. પરંતુ એસબીઆઇના કર્મચારીઓએ ફાસ્ટેગ માટે તેમને કોઇ ટ્રેનિંગ મળી ન હોવાનું જણાવ્યું હતું. આમ છેલ્લા 3 મહિનાથી ઘરે ફાસ્ટેગ હોવા છતાં ભૂપેન્દ્રભાઇ તેનો ઉપયોગ કરી શક્યા નથી.
ફાસ્ટેગ એક્ટિવેશન માટે 3 મહિનાથી હેરાન-પરેશાન થઇ ગયો છુ
ભૂપેન્દ્રભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, એસબીઆઇમાં ગયો ત્યાં કોઇની પાસે ફાસ્ટેગની માહિતી નહોતી. સરકાર ફાસ્ટેગને કારણે વાહનચાલકોને સરળતા થશે તેવી વાતો કરે છે પરંતુ મારી સાથે છેતરપિંડી થઇ હોવાનો મને અહેસાસ થાય છે. દરેક પ્રોસેસને સરળ કરવી જોઇએ પરંતુ હું તો ફાસ્ટેગ એક્ટિવેશન માટે 3 મહિનાથી હેરાન-પરેશાન થઇ ગયો છુ. પરંતુ મને તો મારા રૂપિયા પાછા નહીં મળે તેવો જવાબ એજન્ટોએ આપ્યો છે અને એસબીઆઇમાંથી યોગ્ય જવાબ પણ મળ્યો નથી.
મારે ભાવનગર જવુ છે પણ ફાસ્ટેગ ચાલતુ નથી
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મે એસબીઆઇ ફાસ્ટેગના ટ્રોલ ફ્રી નંબર ફોન કર્યો હતો. તો તેઓએ જણાવ્યું હતું કે, તમારો મોબાઇલ નંબર કે વ્હીકલ નંબર રજીસ્ટર નથી. હવે મારે ભાવનગર જવુ છે, જેથી ફાસ્ટેગની જરૂરીયાત છે, પરંતુ ફાસ્ટેગ ચાલુ થયુ ન હોવાથી મને ટોલ પ્લાઝા પર મુશ્કેલી પડશે. મારા 599 રૂપિયા પાણીમાં ગયા છે મારે આ ફાસ્ટેગ ફેંકી જ દેવુ પડશે.

ઓનલાઇન ફાસ્ટેગ ખરીદ્યા બાદ એક્ટિવ ન થતાં સિનિયર સિટીઝન 3 મહિનાથી ધક્કા ખાય છે, કહ્યુ: ‘મારા 599 રૂપિયા પાણીમાં ગયા ફાસ્ટેગ ફેંકી દેવુ પડશે’ was originally published on News4gujarati