– મહેસાણામાં ટોક ઓફ ધ ટાઉન પાલિકામાં નવા પ્રમુખ કોણ બનશે ?
– સત્તા પક્ષ કોંગ્રેસ પાસે સંખ્યાબળ હોવા છતાં વિપક્ષ ભાજપ પ્રમુખપદ લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું
મહેસાણા નગરપાલિકામાં પ્રમુખપદ માટે હવે બરાબરનો ખેલ શરૃ થયો છે. બન્ને પાર્ટી નબળા ઉમેદવારને પ્રમુખપદ આપવા માગે છે. જેથી આઠ મહિના સુધી મોવડીઓ પાલિકા આરામથી ચલાવી શકે. હાલની સ્થિતિ જોતા ભાજપ પ્રમુખ પદ લઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
મહેસાણા પાલિકામાં ૪૪માંથી એકનું મોત થતા ૪૩ નગરસેવકો છે. જેમાં કોંગ્રેસ પાસે ૨૮ અને ભાજપ પાસે ૧૫નું સંખ્યાબળ છે. સત્તા હાલ કોંગ્રેસ પાસે છે પરંતુ ચાર વર્ષમાં ચાર પ્રમુખોને બદલી નાખ્યા છે. જેથી કોંગ્રેસમાં એકતા નથી. હાલ પણ ૨૮ નગરસેવકો બે ગુ્રપોમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે જેથી પ્રમુખપદ કોંગ્રેસ પાસે જળવાઈ રહે તેવી કોઈ શક્યતા દેખાઈ રહી નથી. સામે પક્ષે ભાજપમાં વિરોધ છે પણ પાર્ટી સામે બળવો કરે તેવી કોઈ નગરસેવકોમાં હિમ્મત નથી. જેથી પાર્ટી જેને મેન્ડેડ આપશે તે ઉમેદવાર પ્રમુખપદે બેસી જશે તે નક્કી છે. હજુ ત્રણ દિવસ પ્રમુખ પાસે ચાર્જ છે. ત્યારબાદ ફરી પ્રમુખની ચૂંટણી થશે. હાલ સત્તા પક્ષ કોંગ્રેસના બે ગુ્રપો એક થાય તેવું લાગતું નથી કોંગ્રેસના વ્હીપનો અનાદર કર્યો હોવાથી તમામ નગરસેવકો સામે પક્ષાંતર ધારા હેઠળનો કેસ કરવાનું પાર્ટીએ મન બનાવી લીધું છે.
જો આ તમામ બાગી નગરસેવકો માફી માંગી કોંગ્રેસ જેને મેન્ડેડ આપે તેની ફેવરમાં મતદાન કરે તો ફરી કોંગ્રેસનો પ્રમુખ બને તેમ છે. પરંતુ હાલ તેવી કોઈ શક્યતા દેખાતી નથી. બંનેને પક્ષ રીમોટથી ચાલે તેવા પ્રમુખની શોધ કરી રહ્યા છે.
ભાજપમાં બે ઉમેદવારો વચ્ચે જંગ
મહેસાણા પાલિકાની હાલની પરિસ્થિતિ જોઈએ તો ભાજપ પાસે પણ પ્રમુખ બનવા માટેના રસ્તા ખુલ્લા છે. ભાજપમાં બે ઉમેદવાર કોકિલાબેન ચાવડા અને નવીન પરમાર એસસી સમાજમાંથી આવે છે પરંતુ પક્ષના મોટાભાગના નગરસેવકો નવીન પરમાર પ્રમુખ બને તે પક્ષમાં છે પરંતુ નીતિન પટેલ જેના ઉપર કળશ ઢોળશે તે ઉમેદવાર પ્રમુખ બનવા માટે સૌથી આગળ હશે. બીજી વાત એવી પણ છે કે ભાજપમાં અમુક નેતાઓ એવું ઈચ્છી રહ્યા છે કે રીમોટ કન્ટ્રોલથી ચાલે તેવા જ પ્રમુખ આવવા જોઈએ. જેથી તેમના રોટલા પણ શેકાતા રહે. આગામી ત્રણ દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
કોંગ્રેસમાં ચારમાંથી એક ઉમેદવાર પાર્ટી સાથે રહ્યા
સત્તાપક્ષ કોંગ્રેસમાં શારદાબેન પરમાર, હિરેન મકવાણા, ગાયત્રીબેન ચાવડા, ઘનશ્યામ સોલંકી અને મંજુલાબેન ચૌહાણ એસસી સમાજમાં આવે છે. જેમાં ઘનશ્યામ સોલંકી સામે બળવો થતા અવિશ્વાસની દરખાસ્ત આવી હતી. હવે બાકીના ઉમેદવારોમાં શારદાબેન, હરેન, ગાયત્રીબેને કોંગ્રેસ પક્ષના વ્હીપનો અનાદર કરતા પાર્ટીની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું. જેથી હવે માત્ર મંજુલાબેન ચૌહાણ જ પ્રમુખપદ માટે પ્રબળ દાવેદાર છે. પાર્ટીના સભ્યો પણ મંજુલાબેનને જ પ્રમુખપદ માટે દાવેદાર માને છે પણ કોંગ્રેસ પક્ષ જેને અંતિમ ઘડીએ મેન્ડેડ આપે તે જ પ્રમુખ બનશે તેવી પ્રબળ સંભાવના છે.
નિયમ વિરુધ્ધ મારી સહીઓ લીધી, નગરસેવિકાનો બળાપો
કોંગ્રેસના નગરસેવિકા પટેલ ચેતનાબેને લેખિતમાં મુખ્ય અધિકારીને ફરિયાદ કરી છે કે પાલિકા પ્રમુખ વિરુધ્ધ કલમ ૩૬ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત બાબતે અમારી પાસે અયોગ્ય રજુઆત કરી ગેરમાર્ગે દોરી સહીઓ કરાવી લીધી છે. કલમ ૩૬(૧) ની જોગવાઈ મુજબની કાયદેસર રીતની દરખાસ્ત રજુ કરી નથી. જેથી આ કાર્યવાહી મુલતવી રાખવી જોઈએ તેવી અમારી માંગ છે. આમ ખુદ કોંગ્રેસના નગરસેવિકાની લેખિત રજુઆત છતાં પ્રમુખને ઘરભેગા કર્યા હતા.
પાર્ટીએ પ્રદેશ મહામંત્રી બનાવ્યા છતાં વ્હીપનો અનાદર કર્યો !
મહેસાણા પાલિકાના ઉપપ્રમુખ પુરીબેન પટેલે કોંગ્રેસ પાર્ટીએ જે દિવસે પ્રદેશના મહામંત્રી બનાવ્યા હતા તે જ દિવસે તેમણે પાર્ટીના વ્હીપનો અનાદર કરી કોંગ્રેસના પ્રમુખ વિરુધ્ધ વોટીંગ કર્યું હતું. આમ જે દિવસે પાર્ટીએ તેમને બિરદાવ્યા તે જ દિવસે કોંગ્રેસ વિરુધ્ધ વોટ આપ્યો હતો. હવે ૩ દિવસ બાદ જો કોઈ પ્રમુખ ના બને તો ઉપપ્રમુખનો ચાર્જ પણ મળી જશે. પરંતુ હાલના સંજોગોમાં તેવું થાય તેમ લાગતું નથી.
કોંગ્રેસ-ભાજપને રીમોટ કંટ્રોલથી ચાલે તેવા પાલિકા પ્રમુખની શોધ ! was originally published on News4gujarati