આવતીકાલથી શરૂ થનારી ધો.10-12ની બોર્ડ પરીક્ષા

– બોર્ડે સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ માટે પેરામિલિટરી ફોર્સ માંગ્યો: કચ્છ-મોરબી સહિતના જિલ્લાએ સ્થાનિક સ્કવોડ માંગી : સ્ટેટ લેવલની 73 વિજિલન્સ સ્કવોડ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પમીથી ધો.10-12ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે બોર્ડે રાજ્યના 10 જેટલા જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો માટે પેરામિલિટરી ફોર્સ માંગી છે. અંદાજે 45 જેટલા પરીક્ષા સ્થળોએ એસઆરપી-સીઆરપીએફના જવાનો મુકાશે. જ્યારે સ્ટેટ લેવલની 73 વિજિલન્સ સ્કવોડ રચાઈ છે.

ગુજરાત શિક્ષણ બોર્ડની આ વર્ષની ધો10-12ની બોર્ડ પરીક્ષા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે અને શિક્ષણમંત્રી દ્વારા આજે પરીક્ષાની તમામ તૈયારીઓની ફાઈનલ ચકાસણી કરવામા આવી હતી.

શિક્ષણમંત્રીએ ધો.10 અને 12ના પરીક્ષા આપનારા 17.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી છે.હળવાશથી તેમજ નિશ્ચિંતતાપૂર્વક પરીક્ષા આપવા જણાવ્યુ છે.  પરીક્ષાને લઈને રાજ્ય કક્ષાએ સ્ટેટ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે. 

અગાઉની બોર્ડ પરીક્ષાની ઘટનાઓ તેમજ માસ કોપીના બનાવો અને સ્થાનિક લોકોના હંગામા તેમજ દરમિયાનગીરી સહિતની આંતરિક બાતમીને ધ્યાને રાખી બોર્ડ દ્વારા 10 જેટલા જિલ્લામાં 15થી વધુ પરીક્ષા કેન્દ્રો માટે રાજ્ય સરકાર પાસે પેરામીલીટ્રી પણ માંગવામા આવી છે. જેને પગલે આ વર્ષે ધો.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં 15થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં 45 જેટલા બિલ્ડીંગ ખાતે એસઆરપી અને સીઆરપીએફના જવાનો તૈનાત રહેશે. 

આ અતિસંવેદનશીલ પરીક્ષા સ્થળ જે જે જિલ્લામાં છે તેમાં કચ્છ ,જામનગર, બનાસકાંઠા, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ, અરવલ્લી, બોટાદ તથા છોટાઉદેપુર સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. અગાઉના માસ કોપી કેસના કિસ્સાઓને ધ્યાનમાં રાખતા આ વખતની પરીક્ષામાં અનેક પરીક્ષા કેન્દ્રો રદ પણ કરાયા છે.

દરેક જિલ્લાના કલેકટર હેઠળ જે તે જિલ્લાના પરીક્ષા કેન્દ્રોમાં સ્થાયી સ્કવોડ માટેના વર્ગ 1-2ના અધિકારીઓના ઓર્ડર પણ કાઢવામા આવ્યા છે. જ્યારે સ્ટેટ લેવલથી 73 વિજિલન્સ સ્કવોડ રચવામા આવી છે. ઉપરાંત કચ્છ,મોરબી ,પાટણ ,પંચમહાલ અને મહિસાગર સહિતના પાંચથી છ જિલ્લાએ સ્થાનિક સ્કવોડની પણ બોર્ડ પાસે માંગણી કરીછે જેને લીધે આ જિલ્લામાં સ્થાનિક સક્વોડ મુકાશે.

ગુજરાતના 10 જિલ્લામાં 45 સંવેદનશીલ પરીક્ષા સ્થળોએ SRP-CRPF જવાનો મૂકાશે was originally published on News4gujarati