50 પોલીસની અલગ અલગ ટીમ દ્વારા રેડ, પાંચ શખ્સો સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો

ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે કડક કાર્યવાહી કરવા DGPએ આદેશ આપ્યા છે. જેના પગલે આજથી રાજકોટમાં 15 દિવસની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ આજ રોજ રાજકોટ શહેર ખાતે થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલા કુબેલિયાપરા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી હતી. જેમાં 5200 લીટર આથો અને 65 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આથી રસ્તા પર દેશી દારૂ અને આથાની નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તેમજ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા ત્રણ શખ્સની ધરપકડ કરી હતી. જેમાં સીતારામ ધીરૂ મકવાણા, રાધા મણી ઝાલા, રવિ મણીલાલ ઝાલા, દિનેશ નાથા સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે પાંચ શખ્સો વિરૂદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધાયો છે.

થોરાળા અને ભક્તિનગર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા

થોરાળા અને ભક્તિનગર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા એક PI, સાત PSI સહિત 50 પોલીસ કર્મી દ્વારા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે દારૂના અડ્ડા ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પણ છૂપાવેલા દેશી દારૂના આથાનો નાશ કર્યો હતો. રહેણાંક મકાનમાં રેડ કરતા ખૂબ મોટી માત્રામાં દેશી દારૂનો આથો મળી આવ્યો હતો. જેને સ્થળ પર જ ઢોળી નાશ કરવામાં આવ્યો હતો. જેના પગલે વરસાદી પાણીની જેમ વિસ્તારના રસ્તા પર દેશી દારૂના આથાની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે જ્યારે પણ ઉચ્ચ અધિકારીઓની સૂચના મળે બાદમાં આ રીતે દરોડાની કામગીરી કરવામા આવતી હોય છે. પરંતુ આ વિસ્તારમાં હર હંમેશ દેશી દારૂના અડ્ડા પોલીસ રેડ બાદ ફરી શરૂ થતા જોવા મળે છે. ત્યારે સવાલ છે કે શું કાયમી ધોરણે આ અડ્ડા બંધ કરવામાં પોલીસને સફળતા મળશે કે કેમ?

ભઠ્ઠીઓ પર દરોડા, 5200 લીટર આથો અને 65 લીટર દારૂનો નાશ કરતા રસ્તા પર દેશી દારૂની નદી વહી, ત્રણની ધરપકડ was originally published on News4gujarati