• વડોદરા રેલવે સ્ટેશન, પ્રતાપનગર, બાજવા સહિતનાં સ્થળોએ સાગમટે ચેકિંગ હાથ ધરાયું 
  • ટિકિટો, લેપટોપ, મોબાઇલ ફોન સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો
  • IRCTCના એજન્ટો પર તવાઇ, એજન્ટો પાસે બુકિંગ કરાવનાર મુસાફરો સલવાયાં

તાજેતરમાં અંકલેશ્વર અને બેંગલુરુમાંથી ઝડપાયેલા ઇ રેલવે ટિકિટ કૌભાંડના પગલે આરપીએફ દ્વારા આઈઆરસીટીસીના એજન્ટો અને ટિકીટ ટ્રાવેલ્સ ઓફિસ ખાતે દેશ વ્યાપી રેઇડ કરવામાં આવી હતી. વડોદરા રેલવે ડિવીઝનમાં પણ સાત સ્થળોએ દરોડા પાડી 8 વ્યકિતની ધરપકડ કરવા સાથે ટિકીટો સહિત લાખો રૂપિયાનો મુદામાલ કબજે કરાયો હતો. આરપીએફના સૂત્રોએ જણાવ્યું હતું કે વડોદરા રેલવે સ્ટેશન , બાજવા, પ્રતાપનગર, આણંદ, અંકલેશ્વર સહિતના આરપીએફની વિવિધ ટીમોએ મંગળવારે સવારથી જ દરોડા શરૂ કર્યા હતા. વડોદરા રેલવે સ્ટેશન આરપીએફ ટીમે 3 એજન્ટોને ત્યાં તપાસ કરી હતી જેમાં એક સ્થળેથી બે દલાલોને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી એક ટિકીટ જપ્ત કરાઈ હતી. બાજવામાં ત્રણ એજન્ટોની તપાસ બાદ એકની ધરપકડ કરાઈ હતી તેની પાસેથી રૂા.40 હજારની 26 ટિકીટો જપ્ત કરાઈ હતી.

રેલવેની 5954ની ટિકિટો કબજે કરાઈ
પ્રતાપનગર આરપીએફ દ્વારા 8 એજન્ટોની તપાસ કરાઈ હતી જેમાં બે ની ધરપકડ કરાઈ હતી તેમની પાસેથી રૂા.12523ની ટિકીટો જપ્ત કરાઈ હતી.આણંદમાં બે એજન્ટોની તપાસ કરાઈ હતી જેમાં એકની ધરપકડ કરાઈ હતી અને રૂા.5954ની ટિકિટો કબજે કરાઈ હતી. પ્રતાપનગર આરપીએફએ ભાયલીના જૈનીલ એન્ટરપ્રાઈઝ ટુર્સ-ટ્રાવેલ્સ ખાતે દરોડો પાડી રેલવે ટિકીટનો ગેરકાયદે ધંધો કરતાં ગુંજન રોહિત ભાઈ પટેલને ઝડપી લીધો હતો, તેની પાસેથી વીસ હજાર રૂપિયાની 7 ટિકિટો અને કોમ્પ્યુટર સહિતના સાધનો જપ્ત કરાયા હતા. પ્રતાપનગરની ટીમે વારસીયામાં એસ.કે. કોલોનીમાં રહેતાં દીપક ચેતનદાસ ચેતવાનીને ત્યાં દરોડા પાડી ગેરકાયદે ટિકીટ સાથે ઝડપી લીધો હતો.તેની પાસેથી 14487ની નવ ટિકીટો અને લેપટોપ સહિતનો મુદામાલ જપ્ત કરાયો હતો. સોમા તલાવ કાન્હા હાઈટમાં ગેરકાયદે ઇ રેલવે ટિકિટનો વેપલો કરતાં જગદીશ પ્રસાદ સિંહા અને મહેન્દ્ર પ્રસાદ સિંહાને વીસ હજાર રૂપિયાની 11 ટિકીટો અને લેપટોપ સાથે ઝડપી પાડયા હતા.

આ રીતે થતું હતું કૌભાંડ
આઇઆરસીટીસીએ આખા ભારતમાં અંદાજે 200 એજન્ટોને એજન્સી આપેલી છે,આ એજન્ટોના નેજા હેઠળ બે લાખ લોકો પેટા એજન્ટો તરીકે કામ કરે છે. કૌભાંડના માસ્ટર માઇન્ડ સાથે સંકળાયેલા પેટા એજન્ટો આઇઆરસીટીસીના લોગઇનના બદલે પર્સનલ આઇડી પરથી ટિકિટ બુક કરે છે. એજન્ટોને આ માટે માસ્ટર માઇન્ડ દ્વારા ખાસ પ્રકારનું સોફટવેર આપવામાં આવે છે.

અંકલેશ્વરના કૌભાંડમાં આંકડો 68 કરોડે પહોંચ્યો
અંકલેશ્વરમાં તાજેતરમાં રેલવે ઇ ટિકિટનું કૌભાંડ બહાર આવતાં ત્રણ જણાની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તપાસના અંતે રેલવે ઇ ટિકિટની કિંમત અંદાજે રૂા.68 કરોડ પર પહોંચી હતી એમ જાણવા મળે છે.

રેલવેના ઇ-ટિકિટ કૌભાંડના પગલે RPFના દેશવ્યાપી દરોડા was originally published on News4gujarati