• કચેરીમાં જ 20 હજારની લાંચ લેતા ઝડપાયા
  • એસીબીના છટકામાં મેનેજર આબાદ ફસાયા
  • પેન્શન મંજૂર કરવા માંગ્યા હતા, ACBના ટ્રેપમાં આવ્યો

રાજ્ય વીમા નિગમની કચેરીનો 65 હજારનો પગારદાર મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવ સિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના છટકામાં ભેરવાયો છે. લાંચિયા મેનેજરે પેન્શન મંજૂર કરવા માટે લાંચ માંગી હતી. સુરતમાં મિકેનિકલ પ્રોડક્શન પ્રાઇવેટ કંપનીમાં નોકરીમાં યુવકના પિતાનું બે મહિના પહેલા અવસાન થયું હતું. કંપની દ્વારા કર્મચારીનો વીમો લેવામાં આવેલો હતો. ફરજ દરમિયાન યુવકના પિતાનું અકસ્માતમાં અવસાન થયું હતું. જેથી યુવકની માતાએ પેન્શન માટે રાજ્ય વીમા નિગમની કચેરીમાં ગઈ હતી. જ્યાં પેન્શન મંજૂર કરવા માટે મેનેજર વિરેન્દ્ર સિંધ પાલને મળી હતી.

એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો
હજુ પેન્શન નક્કી કરાઇ તે પહેલાં જ મેનેજરે 20 હજારની લાંચ માંગી હતી. પિતાનું અવસાન થયું ઉપરથી માતાને પતિનું પેન્શન મળી રહે, જેનાથી તેનો જીવનનિર્વાહ ચાલે, આ પહેલા જ લાંચિયા મેનેજરે લાંચની માંગણી કરતા પુત્રએ આવા લાંચિયાને સબક શીખવવા માટે એસીબીમાં ફરિયાદ કરી હતી. મંગળવારે બપોરે લાલદરવાજા કર્મચારી રાજ્ય વીમા નિગમની કચેરીના મેઇન ગેટની સામે એસીબીએ છટકું ગોઠવીને મેનેજર વિરેન્દ્ર સિંધ ઉમરાવ સિંધ પાલને 20 હજારની લાંચ લેતા રંગેહાથે પકડી પાડયો હતો. એસીબીની ટ્રેપને કારણે મેનેજરનો પસીનો છુટ્ટી ગયો હતો અને બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા.

વર્ષ પહેલા જયપુરથી સુરત બદલી થઇ હતી
રાજ્ય વીમા નિગમનો મેનેજર વિરેન્દ્રસિંધ પાલ અડાજણ શાંતિવીલા એપાર્ટમેન્ટમાં રહે છે. એક વર્ષ પહેલા તેની રાજસ્થાન જયપુરથી સુરત ખાતે બદલી થઈ હતી. વર્ષ 2008થી નોકરીમાં જોડાયો હતો.

વીમા નિગમનો મેનેજર વિરેન્દ્ર 20 હજાર લાંચ લેતા ઝડપાયો was originally published on News4gujarati